IMD એ કહ્યું છે કે, ચક્રવાતી તોફાન ‘દાના’ બંગાળની ખાડીમાં ઝડપથી વધી રહ્યું છે અને આગામી બે દિવસમાં જમીન પર ત્રાટકી શકે.
ચક્રવાતી તોફાન ‘દાના’ના કારણે બંગાળ અને ઓડિશામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તે દિવાળી પહેલા આ વિસ્તારોમાં તબાહી મચાવી શકે છે. વાસ્તવમાં ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું છે કે, ચક્રવાતી તોફાન ‘દાના’ બંગાળની ખાડીમાં ઝડપથી વધી રહ્યું છે અને આગામી બે દિવસમાં જમીન પર ત્રાટકી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 24 ઓક્ટોબરની રાતથી 25 ઓક્ટોબરની સવારની વચ્ચે આ વાવાઝોડું બંગાળના સાગર દ્વીપ અને ઓડિશાના પુરીની વચ્ચેથી પસાર થશે. અહીં નોંધનિય છે કે, આ વાવાઝોડાની અસર ગુજરાત પર જોવા પડે તેવી શક્યતા ઓછી છે.
લેન્ડફોલ સમયે તેની મહત્તમ ઝડપ ૧૨૦ કિલોમીટર સુધી પહોંચી શકે છે. જોકે લેન્ડફોલનું સાચું સ્થળ આજે જાણી શકાશે. ચક્રવાતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), કોસ્ટ ગાર્ડ અને તમામ સંબંધિત સરકારી એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા અને જાનમાલના નુકસાનને ઘટાડવા માટે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવાની ઝુંબેશ પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે.
ઓડિશા અને બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં વહીવટીતંત્રે રાહત કેન્દ્રો તરીકે શાળાઓ અને સમુદાયની ઇમારતો તૈયાર કરી છે. માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે અને જે લોકો પહેલાથી જ દરિયામાં છે તેમને પાછા બોલાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકારી એજન્સીઓએ લોકોને શાંત રહેવા અને વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કરવાની અપીલ કરી છે. આગામી થોડા દિવસોમાં વીજળી, પાણી અને આવશ્યક સેવાઓ સુરક્ષિત રીતે જાળવવાની યોજના પણ બનાવવામાં આવી છે. ‘દાના’ વાવાઝોડાને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈવે અને રેલ્વે સેવાઓ થોડા સમય માટે પ્રભાવિત થઈ શકે છે.
વિશેષ રાહત કમિશનર ડીકે સિંહે શાળા અને સામૂહિક શિક્ષણ વિભાગને સાવચેતીના પગલા તરીકે ૨૩ થી ૨૫ ઓક્ટોબર સુધી સંભવિત રૂપે અસરગ્રસ્ત ૧૪ જિલ્લાઓમાં શાળાઓ બંધ કરવા જણાવ્યું છે. ગંજમ, પુરી, જગતસિંહપુર, કેન્દ્રપારા, ભદ્રક, બાલાસોર, મયુરભંજ, કેઓંઝર, ઢેંકનાલ, જાજપુર, અંગુલ, ખોરધા, નયાગઢ અને કટક જિલ્લામાં શાળાઓ બંધ રહેશે. દિવાળી પહેલા આ ચક્રવાતના આગમનથી લોકોમાં ચિંતા વધી છે પરંતુ સરકારી એજન્સીઓની તત્પરતાથી આ મુશ્કેલ પરિસ્થિતિનો સફળતાપૂર્વક સામનો કરવામાં આવશે તેવી અપેક્ષા છે.