વડાપ્રધાન નરેન્દ્ર મોદીબ્રિક્સ સમિટમાં ભાગ લેવા રશિયા પહોંચી ગયા છે. તેઓ મંગળવારે રશિયાના કઝાન શહેર પહોંચ્યા હતા. તેમણે પહેલા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનસાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી.
પીએમ મોદી ૧૬ માં BRICS સમિટમાં ભાગ લેવા માટે કઝાન પહોંચ્યા છે. કઝાન પહોંચતા જ એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદી પુતિન ઉપરાંત ઘણા બ્રિક્સ સભ્ય દેશોના વડાઓને પણ મળશે.
રશિયામાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓએ કઝાન પહોંચ્યા બાદ પીએમ મોદીના સન્માનમાં સ્વાગત ગીત ગાયું હતું. જી-૭ જેવા પ્રભાવશાળી સમૂહની સરખામણીએ બ્રિક્સનો ઈતિહાસ ભલે બહુ જૂનો ન હોય, પરંતુ આ સમિટમાં એવા મોટા નિર્ણયો લાગુ થઈ શકે છે, જેની ભવિષ્યમાં મોટી અસર થઈ શકે છે. આમાંથી એક બ્રિક્સ ચલણ છે, જેની છેલ્લા કેટલાક સમયથી ચર્ચા થઇ રહી છે.
બ્રિક્સ દેશો ડોલર સામે સ્પર્ધા કરી શકે તેવું રિઝર્વ ચલણ શરૂ કરવા માંગે છે. રશિયાના કઝાન શહેરમાં ૨૨ થી ૨૪ ઓક્ટોબર દરમિયાન યોજાનારી BRICS સમિટમાં સભ્ય દેશો આવી ગોલ્ડ બેક BRICS ચલણ રજૂ કરવા પર ચર્ચાને આગળ વધારી શકે છે. ચીન સાથે અમેરિકાના વેપાર યુદ્ધ અને ચીન અને રશિયા પર અમેરિકાના પ્રતિબંધો વચ્ચે જો બ્રિક્સ દેશો આ નવા ચલણ પર સહમત થાય છે તો આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થાને પડકારવાની સાથે સાથે તે આ સભ્ય દેશોની આર્થિક તાકાત પણ વધારી શકે છે.
હાલમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થામાં યુએસ ડોલરનું વર્ચસ્વ છે. વિશ્વભરમાં લગભગ ૯૦ % વેપાર યુએસ ડોલરમાં થાય છે. તે જ સમયે, અત્યાર સુધી ૧૦૦ % ઓઇલ ટ્રેડિંગ માત્ર યુએસ ડોલરમાં જ થતું હતું, પરંતુ ગયા વર્ષના અહેવાલ મુજબ હવે કેટલુક ઓઇલ ટ્રેડિંગ નોન-યુએસ ડોલરમાં પણ થવા લાગ્યું છે.

