ઉત્તરાખંડના અલ્મોડામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. અહીં માર્ચુલા પાસે એક બસ ખીણમાં ખાબકી હતી, જેમાં ૩૬ લોકોના મોત થયા છે.
ઉત્તરાખંડના અલ્મોડામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. અહીં માર્ચુલા પાસે એક બસ ખીણમાં ખાબકી હતી, જેમાં ૩૬ લોકોના મોત થયા છે. સમાચાર એજન્સી એએનઆઈએ આ જાણકારી આપી છે. એસડીઆરએફની ટીમ રાહત કાર્યમાં લાગી છે. આ બસમાં 50થી વધુ લોકો સવાર હતા.
બસ નૈની ડાંડાથી રામનગર જઈ રહી હતી
જણાવવામાં આવી રહ્યું છે કે આ બસ નૈની ડાંડાથી રામનગર જઈ રહી હતી અને ખીણમાં ખાબકી હતી. આ બસ અકસ્માત પર સીએમ પુષ્કરસિંહ ધામીએ જણાવ્યું હતું કે આ ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મૃતકોના પરિવારજનોને વળતર આપવામાં આવ્યું છે. 4 ઇજાગ્રસ્તોને એરલિફ્ટ કરીને ઋષિકેશ એઈમ્સમાં લઈ જવામાં આવ્યા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર ૪૨ સીટર બસ નૈની ડાંડાના કિરથથી રામનગર જઈ રહી હતી ત્યારે તે નિયંત્રણ બહાર ગઈ હતી અને માર્ચુલા બેન્ડ પાસે ખાઈમાં ખાબકી હતી. પ્રારંભિક અહેવાલો અનુસાર અકસ્માત એટલો ગંભીર હતો કે ઘણા લોકો બસમાંથી બહાર ફેંકાઈ ગયા અને બીજી બાજુ પડી ગયા હતા.
જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે બસ ખીણમાં પડી ત્યારે કેટલાક મુસાફરો જાતે જ ઇજાગ્રસ્ત હાલતમાં બસમાંથી બહાર આવી ગયા હતા. આ પછી તેમણે ત્યાં હાજર લોકોને જાણ કરી હતી. ત્યારબાદ રાહત બચાવ ટીમ પહોંચી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અલ્મોડાના એસએસપી પણ ઘટના સ્થળે હાજર છે. સ્થાનિક રહેવાસીઓ પણ બચાવ કામગીરીમાં મદદ કરી રહ્યા છે.
પુષ્કર સિંહ ધામીએ એરલિફ્ટ કરવાની સૂચના આપી
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે અલ્મોડા જિલ્લાના માર્ચુલામાં દુર્ભાગ્યપૂર્ણ બસ અકસ્માતમાં યાત્રીઓના હતાહત થયાના અંત્યંત જ દુ:ખદ સમાચાર મળ્યા છે. જિલ્લા વહીવટીતંત્રને રાહત અને બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. સ્થાનિક વહીવટીતંત્ર અને એસડીઆરએફની ટીમો ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવા માટે ઝડપથી કામ કરી રહી છે. જરૂર પડ્યે ગંભીર રીતે ઇજાગ્રસ્ત મુસાફરોને એરલિફ્ટ કરવાની સૂચના પણ આપવામાં આવી છે. તેમણે મૃતકો માટે ૪ લાખ રૂપિયા અને ઘાયલોને ૧ લાખ રૂપિયાની આર્થિક સહાયની પણ જાહેરાત કરી હતી.