અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણી માટે મતદાન-કાઉન્ટિંગ ચાલી રહ્યું છે. ડેમોક્રેટ કમલા હેરિસ અને રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. બંનેએ જીતવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. આવી સ્થિતિમાં શું પરિણામ આવશે તે જોવું રસપ્રદ રહેશે.
ટ્રમ્પ ૧૭૭ સીટો પર આગળ, જ્યારે કમલા હેરિસ ૯૯ સીટો પર આગળ
અમેરિકાના પ્રમુખની ચૂંટણીના પરિણામોના પ્રારંભિક વલણો ચોંકાવનારા રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ ઈલેક્ટોરલ કોલેજ ટ્રેન્ડમાં એકબીજાને મજબૂત ટક્કર આપી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ ૧૭૭ સીટો પર આગળ ચાલી રહ્યા છે તો કમલા હેરિસ પણ ૯૯ સીટો પર આગળ ચાલી રહ્યા છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ૨૭૦ ઈલેક્ટોરલ કોલેજોના જાદુઈ આંકડાને બેમાંથી કોણ પહેલા સ્પર્શે છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં કુલ ૫૩૮ ઈલેક્ટોરલ કોલેજો છે. આ દરમિયાન ટેક્સાસમાં ડોનાલ્ડ ટ્રમ્પનો વિજય થયો છે.
૦૭:૪૫
સ્વિંગ સ્ટેટ્સ ભાગ્ય નક્કી કરશે
ચૂંટણી પ્રચાર દરમિયાન બંને હરીફોનું સમગ્ર ધ્યાન સ્વિંગ સ્ટેટ્સ પર હતું. આ સ્વિંગ રાજ્યોમાંથી પેન્સિલવેનિયા કિંગમેકર બની શકે છે. વિશ્વની આ સૌથી જટિલ ચૂંટણી પ્રક્રિયામાં રાષ્ટ્રપતિ બનવા માટે બહુમતીનો આંકડો ૨૭૦ છે. પરંતુ આગામી પ્રમુખ ઈલેક્ટોરલ કોલેજ દ્વારા જ ચૂંટવામાં આવશે. આવા સંજોગોમાં કડકડતી ઠંડી છતાં લાંબી કતારોમાં ઉભા રહેલા મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
૦૭:૩૦
૧૦૧ ઈલેક્ટોરલ કોલેજોમાં ટ્રમ્પ આગળ, કમલાને ૭૧ પર લીડ
અમેરિકાની ચૂંટણીમાં મતગણતરી વચ્ચે ઈલેક્ટોરલ કોલેજનો ટ્રેન્ડ સામે આવી રહ્યો છે. અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હેરિસને વલણોમાં પાછળ છોડી દીધા હતા, ત્યારે હવે બંને વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ 101 ઈલેક્ટોરલ કોલેજોમાં આગળ છે જ્યારે કમલા હેરિસ ૭૧ માં આગળ છે. અમેરિકામાં પ્રમુખપદની સાથે સ્ટેટ એસેમ્બલી અને સ્થાનિક એકમોની પણ ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં ૩૬ ભારતીય અમેરિકનોએ પણ ચૂંટણી મેદાનમાં ઝુકાવ્યું છે.
અમેરિકામાં ન્યૂ હેમ્પશાયરમાં ઈલેક્શન ડે પર મધરાતે થયેલા મતદાને સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. ન્યૂ હેમ્પશાયરમાં એક નાની આઉટપોસ્ટ ડિક્સવિલે નોચમાં છ રજિસ્ટર્ડ વોટરે મતદાન કર્યું હતું. આ સાથે અમેરિકામાં ઈલેક્શન ડે પર મતદાન શરૂ થયું. તેમનું મતદાન પણ જાહેર થઈ ગયું છે, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસને ૩-૩ વોટ મળ્યા છે.
૨૦૧૬માં ડિક્સવિલ નોચમાં ટ્રમ્પને માત્ર બે જ વોટ જ્યારે હિલેરી ક્લિન્ટનને ચાર વોટ મળ્યા હતા. ૨૦૨૦માં બાઈડેને અહીં ટ્રમ્પને ૫-૦થી હરાવ્યા હતા. અમેરિકામાં મંગળવારે ઈલેક્શન ડે પર મતદાન શરૂ થઈ ગયું છે ત્યારે આજના દિવસમાં અંદાજે આઠ કરોડ અમેરિકનો મતદાન કરશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે જ્યારે વહેલા મતદાનનો લાભ ઉઠાવતા અંદાજે આઠ કરોડ મતદારોએ મતદાન કરી દીધું છે. અમેરિકાના બંધારણ પ્રમાણે ૫૩૮ ઇલેકટોરલ વોટમાંથી કોઈ પણ ઉમેદવારને વિજય માટે ૨૭૦ ઇલેકટોરલ વોટની જરૂર હોય છે. અમેરિકાના ઈતિહાસમાં હજુ સુધી કોઈ મહિલા પ્રમુખ બની શકી નથી ત્યારે કમલા હેરીસ પાસે અમેરિકાના પહેલાં મહિલા પ્રમુખ બની ઈતિહાસ રચવાની તક છે. બીજીબાજુ વર્ષ ૨૦૧૬ના ઈતિહાસનું પુનરાવર્તન થવાની પણ સંભાવના છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રબળ દાવેદાર હિલેરી ક્લિન્ટનને હરાવીને પ્રમુખ બન્યા હતા. વર્ષ ૨૦૧૬ની જેમ આ વખતે કમલા હેરીસ પ્રબળ દાવેદાર છે.
જોકે, અમેરિકામાં આ વખતે ટ્રમ્પ કે કમલા હેરિસના ચૂંટણી વિજયનો આધાર સાત સ્વિંગ સ્ટેટ પર છે. આ સ્વિંગ સ્ટેટમાં જ્યોર્જિયા, પેન્સિલવેનિયા અને મિશિગન મહત્વના છે. પેન્સિલવેનિયાના ૧૯ વોટ છે, જે સાતેય સ્વિંગ સ્ટેટમાં સૌથી વધુ છે. અમેરિકામાં મતદાન શરૂ થતાં જ ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસે ટ્વીટ કરીને લખ્યું કે, આજે ઈલેક્શન ડે છે. આજે આપણે એટલા માટે મતદાન કરીએ છીએ, કારણ કે આપણે પોતાના દેશને પ્રેમ કરીએ છીએ અને અમેરિકાના વચનમાં વિશ્વાસ રાખીએ છીએ.
બીજીબાજુ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લોરિડામાં પામ બીચ ખાતે પત્ની મેલાનિઆ ટ્રમ્પ સાથે મતદાન કર્યું હતું. મતદાન પછી ટ્રમ્પે કહ્યું હતું કે, તેમનું ચૂંટણી અભિયાન જબરજસ્ત રહ્યું છે. તેમને ચૂંટણી જીતવાનો પૂરો વિશ્વાસ છે. અમે અમેરિકાને ફરી મહાન રાષ્ટ્ર બનાવવા માગીએ છીએ. અત્યારે આપણો દેશ અનેક મુશ્કેલીઓમાં ઘેરાયેલો છે. દરમિયાન અમેરિકામાં કુલ ૩૬ ભારતીય મૂળના અમેરિકનો ચૂંટણી મેદાનમાં ઝુકાવ્યું છે. ભારતીય મૂળના નવ અમેરિકનો અમેરિકન કોંગ્રેસના નીચલા ગૃહ માટે ચૂંટણી લડી રહ્યા છે, જેમાંથી પાંચ ફરીથી ચૂંટણી લડી રહ્યા છે જ્યારે ચાર ન્યૂકમર છે. આ નવમાંથી છના જીતવાની સંભાવના છે. કેલિફોર્નિયામાં સૌથી વધુ ત્રણ ભારતીય મૂળના ઉમેદવારો પહેલી વખત અમેરિકન સંસદમાં પહોંચવાની સ્પર્ધામાં છે. આ સિવાય અમેરિકાની સ્ટેટ એસેમ્બલી અને સ્થાનિક એકમોની ચૂંટણીમાં પણ ભારતીય મૂળના ૩૬ અમેરિકનો ચૂંટણી લડી રહ્યા છે. અમેરિકાના ચૂંટણી પરિણામો પર સમગ્ર વિશ્વની નજર છે, કારણ કે તેની અમેરિકાની આંતરિક બાબતો ઉપર તો અસર પડશે જ પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધ, ઇઝરાયેલ-હમાસ યુદ્ધ સહિત અનેક બાબતો ઉપર પણ તેની સીધી અસર પડવાની શક્યતા છે.
ડોનાલ્ડ ટ્રમ્પ જીતે તો ભારતને શું ફાયદો થશે ?
અમેરિકાના ૪૭મા પ્રમુખ તરીકે જો રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઇ આવશે તો ભારતને વિવિધ લાભ થાય તેમ છે. પ્રથમ તો ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે અંગત સ્તરે ગાઢ સંબંધો હોવાથી તેનો ફાયદો ભારતને મળે તેમ છે. ટ્રમ્પ જેમ અમેરિકા ફર્સ્ટમાં માને છે તેમ મોદી પણ ઇન્ડિયા ફર્સ્ટમાં માને છે. ટ્રમ્પ ચૂંટાઇ આવે તો ભારતના આર્થિક અને સંરક્ષણ ક્ષેત્રમાં યુએસનો સહકાર વધશે.
એ જ રીતે સપ્ટેમ્બરમાં ટ્રમ્પે ભારતની આયાત ટેરિફના મામલે ટીકા કરી હતી પણ મોદીને સારા મિત્ર ગણાવ્યા હોઇ આ મામલે પણ તેએો સાથે કામ કરી શકે છે. ટ્રમ્પ ચીન સામે ભારતને અનુકૂળ આવે તેવી નીતિઓ ધરાવે છે જેથી ક્વાડ મજબૂત બને તો તેમાં પણ ભારતને ફાયદો થાય તેમ છે.
કમલા હેરિસ જીતે તો ભારતને શું ફાયદો થશે?
અમેરિકાના ૪૭મા પ્રમુખ તરીકે જો ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસ ચૂંટાઇ આવે તો ભારતના આઇટી સર્વિસ સેક્ટરને ફાયદો થાય તેમ છે. કમલા હેરિસ સ્કીલ્ડ વર્કર વીઝાને મામલે ઉદાર વલણ ધરાવતાં હોઇ એચવન બી વીઝા મેળવવામાં ભારતને લાભ મળી શકે છે. કમલા હેરિસે મેડિકેર વિસ્તારવાની નીતિ ધરાવતાં હોઇ ભારતના ફાર્મા સેક્ટરને પણ તેનો લાભ મળી શકે છે. ખાસ કરીને જેનેરિક દવાઓ માટે અમેરિકાની બજાર ખુલી શકે છે. બાઇડન તંત્રમાં ભારતનો યુએસ સાથેનો દ્વિપક્ષી વેપાર ૯.૨ ટકાના કમ્પાઉન્ડ વાર્ષિક દરે વધ્યો હોઇ કમલા હેરિસ જીતે તો આ વૃદ્ધિ દર જળવાઇ રહેશે. હેરિસના જીતવાથી વેપાર, ઉર્જા અને ઇમિગ્રેશનના મામલે ભારતને લાભ થાય તેમ છે.
પેન્સિલવાનિયા : કમલા- ટ્રમ્પે પ્રચારના છેલ્લા કલાક આ સ્વિંગ-સ્ટેટમાં ગાળ્યા
સૌથી વધુ મતદારો ધરાવતાં રાજ્યોમાં પેન્સિલવાનિયા પાંચમું રાજ્ય છે : તેના ૧૯ ઇલેકટોરલ વૉટ અતિ મહત્વના છે
વૉશિંગ્ટન : અમેરિકાના પ્રમુખ પદની પૂર્વ સંધ્યાએ ડેમોક્રેટિક પક્ષનાં પ્રમુખ પદના ઉમેદવાર કમલા હેરિસ તથા તેઓના રીપબ્લિકન પ્રતિસ્પર્ધી ડોનાલ્ડ ટ્રમ્પે તેના પ્રચારના છેલ્લા કલાકો સ્વિંગ-સ્ટેટ પેન્સિલવાનિયામાં ગાળ્યા હતા. આ અંગે સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસ જણાવે છે કે, હેરિસે આખો દિવસ પેન્સિલવાનિયામાં ગાળ્યો હતો, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ત્રણ રાજ્યો રેલે નોર્થકેરોલિના અને પેન્સિલવાનિયામાં પ્રચાર ઝુંબેશ ચલાવી હતી. તેઓએ રીડીંગ અને પિટરસબર્ગ સહિત કુલ ૪ રેલી – પેન્સિલવાનિયામાં યોજી હતી.
ચૂંટણીની પૂર્વ સંધ્યાએ કમલા હેરિસ, પેન્સિલવાનિયાના રીડીંગની શેરીઓમાં પણ ઘૂમી રહ્યા હતાં. મતદારોનાં ઘરે ઘરે જઈને તેઓને મળ્યા હતા.
તેઓના ૩ ટેકેદારોને ખાસ મળવા માટે હેરિસે કલાકો સુધીની મોટર ડ્રાઈવ કરી હતી. રીડીંગ શહેરની આ મુલાકાત માત્ર મત પ્રચાર માટે જ ન હતી. તેઓ જનસામાન્ય સાથે હળી-મળી રહ્યા હતા અને એક પ્યુરટોટિકન નાગરિકની રેસ્ટોરામાં પણ તેઓ ગયા હતાં. સાથે તેઓએ સ્થાનિક સંસ્કૃતિની પણ સરાહના કરી હતી. કમલા હેરિસના આ પ્રચાર યુદ્ધમાં પેન્સિલવાનિયાના ગવર્નર જોશ શાયિરો અને ન્યૂયોર્કનાં હાઉસ ઓફ રેપ્રિઝેન્ટેટિવ્સના સાંસદ એલેકઝાન્ડ્રીયા ઓકાસિયો કોર્ટેઝ પણ જોડાયા હતાં.
ડોનાલ્ડ ટ્રમ્પ પણ પેન્સિલવાનિયામાં જબરજસ્ત પ્રચાર કરી રહ્યા છે. તેઓએ કહ્યું કે જો અમે પેન્સિલવાનિયામાં વિજયી થઇશું તો જાણે કે ‘બેલ ઓફ વેક્ષ’ જીત્યા બરાબર ગણાશે. (બહુ મુશ્કેલ સ્થિતિમાં વિજય મેળવ્યા બરાબર હતું.)
પેન્સિલવાનિયામાં આટલી રસાકસી થવાનું કારણ તે છે કે ત્યાં મહત્વના તેવા ૧૯ ઇલેકટોરલ-વૉટ છે. અમેરિકાનાં ૭ મોટા રાજ્યોમાં પેન્સિલવાનિયાનું પાંચમું સ્થાન છે. તેથી તેના ઇલેકટોરલ-વોટનું મહત્વ ઘણું છે.