ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને જીતવા માટે ૨૦૩ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી સંજુ સેમસને માત્ર ૪૭ બોલમાં સદી ફટકારી હતી.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાર મેચની ટી૨૦ શ્રેણીની પ્રથમ મેચ આજે ડરબનના કિંગ્સમીડ મેદાન પર રમાઇ રહી છે. આ મેચમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને જીતવા માટે ૨૦૩ રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ હાર્યા બાદ ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા આઠ વિકેટે ૨૦૨ રન બનાવ્યા હતા. સંજુ સેમસને આ મેચમાં માત્ર ૪૭ બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. સંજુએ ૧૦૭ રનની ઇનિંગ રમી હતી.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત ખાસ રહી ન હતી અને ચોથી ઓવરના પ્રથમ બોલ પર જ ભારતનો કુલ સ્કોર ૨૪ રન હતો ત્યારે અભિષેક માત્ર ૭ રને આઉટ થઇ ગયો હતો. અભિષેક જેરાલ્ડ કોએત્ઝીના હાથે કેપ્ટન એડન માર્કરામના હાથે કેચ આઉટ થયો.. આ પછી સંજુ સેમસન અને સુકાની સૂર્યકુમાર યાદવે મળીને ઇનિંગને સંભાળી હતી. પાવરપ્લેમાં ભારતે એક વિકેટે ૫૬ રન બનાવ્યા હતા.
૨૦૩ રનના ટાર્ગેટ સાથે મેદાનમાં ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમના બેટ્સમેનો ખાસ કંઇ કમાલ કરી શક્યા ન હતા અને એક પછી એક બેટ્સમેન પેવેલિયન ભેગા થઇ ગયા હતા.
અર્શદીપ સિંહે તેની પ્રથમ જ ઓવરમાં કેપ્ટન એડન માર્કરમને ૮ રનમાં આઉટ કરી દીધા. માર્કરમ વિકેટની પાછળ સંજુ સેમસનને કેચ આપીને આઉટ થયા. ટ્રિસ્ટન સ્ટબ્સ ફોર્મમાં દેખાઈ રહ્યા હતા, પરંતુ તેમને આવેશ ખાને સૂર્યા દ્વારા વ્યક્તિગત ૧૧ રને કેચ આઉટ કરાવ્યા. રિયાન રિકેલ્ટન સજાગ લાગતા હતા, પણ ૫.૨ ઓવરમાં તેઓ વરુણ ચક્રવર્તીની બોલ પર તેમના ૨૧ રનના સ્કોર પર હતા ત્યારે તિલક વર્માને કેચ આપી બેઠા. આ રીતે રિયાનના આઉટ થતા જ દક્ષિણ આફ્રિકાની ટીમની ૪૪ રને ૩ વિકેટ પડી ગઇ હતી.
અહીંથી ડેવિડ મિલર અને હેનરિક ક્લાસેન એ ચોથી વિકેટ માટે ૪૨ રનની ભાગીદારી કરીને ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો. પરંતુ વરુણ ચક્રવર્તીએ એક જ ઓવરમાં બંનેને પેવેલિયન ભેગા કરી દીધા. પછી રવિ બિશ્નોઇએ પણ એક જ ઓવરમાં પેટ્રિક ક્રુગર (૧) અને એન્ડિલે સેમિલાને (૬) સસ્તામાં આઉટ કરી દીધા. સેમિલાનના આઉટ થવાના સમયે આફ્રિકાની ટીમનો સ્કોર ૯૩ રન પર ૭ વિકેટ હતો. દ.આફ્રિકાની આખી ટીમ ૧૪૧ રનમાં આઉટ થઇ ગઇ હતી અને ભારતે આ મેચ ૬૧ રને જીતી લીધી હતી.