ઝારખંડની ૮૧ વિધાનસભા બેઠકોમાંથી આજે પ્રથમ તબક્કામાં ૪૩ બેઠકો પર મતદાન છે. બીજી તરફ જ્યારે ગુજરાતની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પણ મતદાન છે.
રાજકીય દુનિયા માટે આજનો દિવસ મહત્વનો છે કારણ કે આજે ઝારખંડ વિધાનસભા ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન છે. ઝારખંડની ૮૧ વિધાનસભા બેઠકોમાંથી આજે પ્રથમ તબક્કામાં ૪૩ બેઠકો પર મતદાન છે. આ તમામ ૪૩ સીટો પર એનડીએ અને ઈન્ડિયા એલાયન્સ વચ્ચે જોરદાર ટક્કર છે. જ્યારે ગુજરાતની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પણ મતદાન છે. આ વખતે વાવ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયા જંગ છે. વાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂત અને ભાજપે સ્વરૂપજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે પૂર્વ ભાજપ નેતા માવજી પટેલે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
૧૦ રાજ્યોમાં ૩૨ પેટાચૂંટણી માટે પણ મતદાન
ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૪૩ બેઠકો ઉપરાંત દેશના ૧૦ રાજ્યોની ૩૨ બેઠકો પર પેટાચૂંટણીમાં પણ મતદાન થવાનું છે. ૩૨ બેઠકોમાંથી એક લોકસભા અને ૩૧ વિધાનસભા બેઠકો છે. કેરળની વાયનાડ લોકસભા બેઠક ઉપરાંત, તેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, આસામ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોની વિધાનસભા બેઠકો પણ છે.