ગુજરાતનો દરિયાકાંઠો જાણે નશીલા પદાર્થોની હેરાફેરી માટે હબ બની ગયો છે. ત્યારે ફરી એક વખત પોરબંદરના દરિયામાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ગુજરાત ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા સંયુક્ત ઓપરેશન દરમિયાન ૭૦૦ કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.
પોરબંદરના દરિયામાં બોટમાં ડ્રગ્સ આવતું હોવાની બાતમી દિલ્હી NCBની ટીમને મળી હતી. ગુજરાત ATSની ટીમ અને NCBની ટીમે મોડી રાત્રે દરિયામાં ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન એક બોટમાંથી ૭૦૦ કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. આ સાથે આઠ જેટલા ઈરાની શખસોની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન બની રહ્યો છે. સાથે સાથે યુવાધન ડ્રગ્સના દૂષણમાં બરબાદ થઈ રહ્યુ છે ત્યારે ગૃહવિભાગે દાવો કર્યો છે કે, પાડોશી દેશો ગુજરાતમાં માદક પદાર્થો ઘૂસાડવાના ઇરાદા ધરાવે છે, પણ ગુજરાત પોલીસની સતર્કતાને લીધે બધુ નાકામ થયુ છે. છેલ્લાં એક જ વર્ષમાં ગુજરાતમાં રૂ.૫૬૪૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયુ છે અને ૪૩૧ ડ્રગ્સ માફિયાઓને જેલના સળિયા પાછળ ધકેલાયાં છે.
