વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે કેનેડામાં તાજેતરમાં ધરપકડ કરાયેલા નામિત આતંકવાદી અર્શ સિંહ ગિલ ઉર્ફે અર્શ દલ્લાના પ્રત્યાર્પણ માટે ભારતીય એજન્સીઓ જરૂરી કાર્યવાહી કરશે. અર્શ દલ્લા ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કેનેડામાં તેની ધરપકડ અંગે મીડિયાના પ્રશ્નોના જવાબમાં જણાવ્યું હતું કે ભારતમાં અર્શ દલ્લાના ગુનાહિત રેકોર્ડ અને કેનેડામાં સમાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં તેની સંડોવણીને જોતા અપેક્ષા છે કે ભારતમાં ન્યાયનો સામનો કરવા માટે તેને પ્રત્યાર્પણ અથવા દેશનિકાલ કરવામાં આવશે. રણધીર જયસ્વાલે કહ્યું કે, કેનેડામાં આ ઘોષિત ગુનેગારની ધરપકડ વિશે ૧૦ નવેમ્બરથી મીડિયા અહેવાલો જોયા છે. તેમણે કહ્યું કે, કેનેડામાં પ્રિન્ટ અને વિઝ્યુઅલ મીડિયાએ તેની ધરપકડ અંગે વ્યાપક અહેવાલ આપ્યો છે અને ઑન્ટારિયો કોર્ટે કેસને સુનાવણી માટે સૂચિબદ્ધ કર્યો છે.
અર્શ દલ્લા હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી અને ટેરર ફાઇનાન્સિંગ સહિતના આતંકવાદી કૃત્યોના ૫૦થી વધુ કેસોમાં ઘોષિત ગુનેગાર છે. મે ૨૦૨૨માં તેની સામે રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. તેને ૨૦૨૩માં ભારતમાં આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. પ્રવક્તાએ કહ્યું કે, ગયા વર્ષે જુલાઈમાં ભારતે કેનેડાને તેની અસ્થાયી ધરપકડ માટે વિનંતી કરી હતી, જેને નકારી કાઢવામાં આવી હતી. તેમણે કહ્યું કે, અર્શ દલ્લાના શંકાસ્પદ રહેણાંકના સરનામા, ભારતમાં તેના નાણાકીય વ્યવહારો, જંગમ અને સ્થાવર મિલકતો અને મોબાઈલ નંબરની વિગતો ચકાસવા માટે મ્યુચ્યુઅલ લીગલ આસિસ્ટન્સ ટ્રીટી હેઠળ કેનેડાને એક અલગ વિનંતી પણ મોકલવામાં આવી હતી. જયસ્વાલે જણાવ્યું હતું કે, કેનેડાના ન્યાય વિભાગે ગયા વર્ષે ડિસેમ્બરમાં આ કેસમાં વધારાની માહિતી માંગી હતી અને આ પ્રશ્નોના જવાબો આ વર્ષે માર્ચમાં મોકલવામાં આવ્યા હતા.