પહેલાં સીએમ ફાઈનલ કરો, બાકી પછી નક્કી કરીશું…
મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનામાં હજુ વધુ સમય લાગવાની ધારણા છે. ભાજપ અને શિવસેના (શિંદે જૂથ) વચ્ચે ખેચતાણ ચાલી રહી છે. ગુરુવારે (૨૮મી નવેમ્બર) મોડી રાત્રે દિલ્હીમાં ભાજપ નેતૃત્ત્વ સાથે રાજ્ય ગઠબંધન નેતાઓની બેઠકમાં સરકારની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી હતી, પરંતુ હજુ પણ વિભાગોની વહેચણી અને નાયબ મુખ્યમંત્રી પદ માટેના ચહેરાઓ અંગે સાથી પક્ષો સાથે સ્પષ્ટતા થવાની છે. આ ઉપરાંત સહયોગીઓએ કહ્યું છે કે પહેલા ભાજપે પોતાના ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવી જોઈએ, ત્યાર બાદ જ આગળની વાતચીત કરવામાં આવશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે યોજાયેલી રાજ્યના મહાયુતિ નેતાઓની બેઠકમાં, શિવસેના (શિંદે જૂથ) અને એનસીપી (અજિત પવાર જૂથ) બંને સાથી પક્ષોમાંથી ભાજપને મુખ્યમંત્રી અને નાયબમંત્રી બનાવવા પર સહમતિ થઈ હતી. આ બેઠકમાં કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ હાજર હતા.
શિવસેનામાંથી એક ડઝન અને NCPમાંથી નવ કેબિનેટ મંત્રી બનાવવામાં આવી શકે છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠક બાદ મહાયુતિની બેઠકમાં આને મંજૂરી આપવામાં આવશે. સાથી પક્ષો નવા મુખ્યમંત્રી સાથે વધુ ચર્ચા કરશે.
ભાજપ દ્વારા ફડણવીસનું નામ લગભગ નક્કી છે. સાથીદારોને સંપૂર્ણ ખાતરી નથી કે કેટલાક ફેરફારો છેલ્લી ક્ષણે થઈ શકશે નહીં. શિવસેના (શિંદે જૂથ) નાયબ મુખ્યમંત્રી પદ માટે તૈયાર છે, પરંતુ એકનાથ શિંદે પોતે તેના માટે તૈયાર નથી. જો એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી નહીં બને તો તેમણે પોતાની પાર્ટીમાંથી કોઈ અન્ય નેતાનું નામ નક્કી કરવું પડશે.
રાજ્યમાં પાંચ મુખ્ય વિભાગોમાં વિભાજન થવાનું છે. જેમાં ગૃહ, નાણાં, મહેસૂલ, શહેરી વિકાસ અને જાહેર બાંધકામ વિભાગનો સમાવેશ થાય છે. ભાજપ પાસે આમાંથી બે વિભાગ હોઈ શકે છે. એનસીપી અને શિવસેનાને એક-એક વિભાગ જશે. સૂત્રોના જણાવ્યાનુસાર, રવિવારે ભાજપ વિધાયક દળની બેઠક થવાની સંભાવના છે, ત્યારબાદ બીજી ડિસેમ્બરે નવી સરકાર અસ્તિત્વમાં આવી શકે છે. જો કે, આ જોડાણ પક્ષો વચ્ચે વિભાગોની વહેંચણી પર નિર્ભર રહેશે. જો આમાં વિલંબ થશે તો ચોથી ડિસેમ્બરે નવી સરકાર અસ્તિત્વમાં આવી શકે છે.