સ્વામીનારાયણ સંપ્રદાયના આ દિગ્ગજ સ્વામીને છ જિલ્લામાંથી તડીપાર કરવા અપાઈ નોટિસ, જાણો શું છે કારણ ?

સ્વામી સામે 2007 અને 2018માં થયેલા આઈપીસીની કલમ 307 સહિત જાહેરનામા ભંગના ગુનાઓને ધ્યાને લઈ 6 જિલ્લા માંથી તડીપાર કરવા માટેની નોટિસ અપાઈ છે.

બોટાદઃ સ્વામીનારાયણ સંપ્રદાયના ગઢડા ગોપીનાથજી મંદિર ના આચાર્ય પક્ષના પૂર્વ કોઠારી સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી ને નાયબ કલેકટર દ્વારા તડીપારની નોટિસ અપાતાં ખળભળાટ મચ્યો છે. આચાર્ય પક્ષના પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામીને પણ આ પહેલાં તડીપાર કરવા નોટિસ મળી હતી. હવે આચાર્ય પક્ષના બીજા સ્વામી એવા ભૂતપૂર્વ કોઠારીને પણ નાયબ કલેકટર દ્વારા તડીપારની નોટિસ અપાઈ છે.

નાયબ કલેક્ટર દ્વારા ગોપીનાથજી મંદિર ના આચાર્ય પક્ષના પૂર્વ શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી ને બે વર્ષ માટે તડીપાર કરવા નોટિસ અપાઈ છે. સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી સામે અગાઉ 2007 અને 2018માં થયેલા આઈપીસીની કલમ 307 સહિત જાહેરનામા ભંગના ગુનાઓને ધ્યાને લઈ 6 જિલ્લા માંથી તડીપાર કરવા માટેની નોટિસ અપાઈ છે. સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજીને બોટાદ ,ભાવનગર,સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, અમદાવાદ જિલ્લામાંથી કેમ તડીપાર ના કરવા તેવો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. આ અંગે સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજીએ કહ્યું કે, અગાઉ ખોટા ગુન્હા દાખલ થયેલા છે તેની આડમાં 6 જિલ્લામાંથી તડીપાર કરવાની નોટિસ આપેલ છે.

આ પહેલાં નાયબ કલેક્ટરે ગઢડા સ્વામિનારાયણ મંદિરના એસ.પી.સ્વામી ને તડીપારની નોટિસ આપી હતી. એસ.પી સ્વામીને એક સાથે 6 જિલ્લામાંથી તડીપારની નોટીસ આપવામાં આવી હતી. એસ.પી સ્વામીને બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને અમદાવાદ આ 6 જિલ્લામાંથી તડીપારની નોટિસ જાહેર કરાઈ હતી.  નાયબ કલેક્ટરે એસ.પી સ્વામી પાસે આ છ જિલ્લામાંથી તડીપાર કેમ ન કરવા જોઈએ એ અંગે જવાબ પણ માગ્યો હતો.

એસ.પી સ્વામીના તડીપાર મુદ્દે નૌતમ સ્વામીએ કટાક્ષ કર્યો હતો.  સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમ સ્વામીએ કહ્યું હતું કે, એસ.પી.સ્વામીએ હવે સત્સંગ, ભજન કરવાની જરૂર છે. એસ.પી.સ્વામીના ગુનાહિત ઇતિહાસ પર નૌતમ સ્વામીએ કટાક્ષ કર્યો હતો ને કહ્યું હતું કે એસ.પી.સ્વામીએ અનેક ગુનાઓ કર્યા હોવાથી હવે થોડું ધ્યાન ભક્તિ પર પણ આપે.  નૌતમ સ્વામીએ કહ્યું હતું કે, કોઈ  સાધુને તડીપાર કરવાની ઘટના લગભગ પહેલી હશે. ચૂંટણી હાર્યા બાદ એસ.પી.સ્વામીને વિનમ્ર થવાની જરૂર હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *