સંભલમાં ૪૬ વર્ષે ખૂલ્યા મંદિરના દ્વાર

Sambhal Shiv Mandir

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાના ખગ્ગુસરાય વિસ્તારમાં ૪૬ વર્ષ બાદ મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા છે. ડીએમ-એસપી દ્વારા હાથ ધરવામાં આવેલા અભિયાન દરમિયાન આ વિસ્તારમાં એક મંદિર બંધ હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પર પહોંચ્યા બાદ મંદિર ખોલવામાં આવ્યું હતું. જ્યારે મંદિરની સફાઈ શરૂ કરવામાં આવી ત્યારે આ દરમિયાન એક કૂવો પણ મળી આવ્યો હતો. કૂવો ખોલવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. આ મંદિર રસ્તોગી પરિવારના કુલગુરુનું હોવાનું કહેવાય છે. લોકોનો દાવો છે કે આસપાસના વિસ્તારોમાં ઘણાં વધુ મંદિરો કબજે કરવામાં આવ્યા છે. વાસ્તવમાં આ એ જ વિસ્તાર છે જ્યાં હિંસા ફાટી નીકળી હતી અને ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા.

ડીએમએ જણાવ્યું હતું કે, ‘શનિવારે (૧૪મી ડિસેમ્બર) સવારે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ દરમિયાન વીજળી ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. મસ્જિદોમાં વીજળીની ચોરી થઈ રહી છે. આ વિસ્તારમાં મંદિર બંધ થવાના સમાચાર પણ સામે આવ્યા હતા. ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા. મંદિરની સફાઈ કરી. જેસીબી દ્વારા ખોદકામ કરીને કૂવો પણ મળી આવ્યો છે. ગેરકાયદે અતિક્રમણ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. આવા લોકો પર પ્રતિબંધ મુકવામાં આવશે.’

સ્થાનિક લોકોનું કહેવું છે કે, રમખાણો બાદ હિન્દુઓ આ વિસ્તારમાં હિજરત કરી ગયા હતા. આ મંદિર વર્ષોથી બંધ હતું. મંદિર કબજે કરવામાં આવ્યું હતું. આજે પ્રશાસને આ મંદિર ફરી ખોલ્યું છે. આ દરમિયાન એક કૂવો જોવા મળ્યો. આ પછી પ્રશાસને સમગ્ર મંદિરની સફાઈ કરાવી. આ પછી લોકોની ભીડ એકઠી થવા લાગી. મંદિરની સફાઈ કર્યા બાદ પૂજા શરૂ કરવામાં આવી છે.

નગર હિન્દુ સભાના સંરક્ષક વિષ્ણુ શરણ રસ્તોગી દાવો કર્યો કે, ‘મંદિર વર્ષ ૧૯૭૮ પછી ફરી ખોલવામાં આવ્યું છે. અમે ખગ્ગુ સરાય વિસ્તારમાં રહેતા હતા. અમારું ઘર નજીકમાં છે વર્ષ ૧૯૭૮ પછી અમે ઘર વેચી દીધું અને જગ્યા ખાલી કરી. આ ભગવાન શિવનું મંદિર છે. અમે આ વિસ્તાર છોડી દીધો અને આ મંદિરની સંભાળ રાખી શક્યા નહીં. આ જગ્યાએ કોઈ પૂજારી નથી. ૧૫-૨૦ પરિવારોએ આ વિસ્તાર છોડી દીધો હતો. અમે મંદિર બંધ કરી દીધું હતું કારણ કે પૂજારીઓ અહીં રહી શકતા ન હતા. કોઈ પૂજારીએ અહીં રહેવાની હિંમત કરી નહીં. આ મંદિર ૧૯૭૮ થી બંધ હતું અને આજે ખોલવામાં આવ્યું છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *