છેલ્લા ૫ વર્ષમાં ગુજરાતના દરિયાકિનારે અને બંદરો પરથી અંદાજે ૭૦,૦૦૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. આ ડ્રગ્સ સાથે ૧૦૦ થી વધારે પાકિસ્તાની અને ઈરાની નાગરિકોની ધરપકડ કરાઈ છે. આ વર્ષના જાન્યુઆરીથી નવેમ્બર સુધી માત્ર કચ્છ પોલીસે જ ૧૧૩.૫૬ કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરીને ૬૧ ડ્રગ્સ માફિયા અને ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે.
જાન્યુઆરીથી નવેમ્બર ૨૦૨૪ દરમિયાન પૂર્વ અને પશ્ચિમ કચ્છમાંથી પોલીસે ૧૧૩.૫૬ કરોડનું ડ્રગ્સ જપ્ત કરીને ૬૧ ડ્રગ્સ માફિયા અને ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે. કચ્છ પોલીસ વડા ચિરાગ કોરડિયાએ જણાવ્યું હતું કે, ‘કચ્છના બોર્ડર એરીયા અને દરિયાઈ સીમા તરફ જતા અને આવતા શંકાસ્પદ માણસોની તપાસ અને સવેલન્સ પણ ચાલી રહ્યું છે તેથી છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ માફિયા મોટા પ્રમાણમાં પકડાઈ રહ્યા છે.’
‘ગુજરાતમાં ૨૦૨૦ માં ૫૯૫૬ કરોડ રૂપિયા રૂપિયાનું અને ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ એમ બે મોટી ખેપ પકડાઈ હતી. ૨૦૨૧માં ૨૧,૦૦૦ કરોડ રૂપિયાનું અને ૩ હજાર રૂપિયાનું એમ ૨ ડ્રગ્સની બે મોટી ખેપ ઝડપાઈ હતી. ૨૦૨૨માં એક સાથે ૨૦૦૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું હતું. ત્યાર બાદ ત્રણ અલગ અસગ રેડમાં તબક્કાવાર ૫૦૦ કરોડ રૂપિયા, ૭૦૦ કરોડ રૂપિયા અને ૧ હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું હતું.
વર્ષ ૨૦૨૩માં ૫૦૦૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું. જ્યારે વર્ષ ૨૦૨૪ની શરૂઆતમાં જ ડીઆરઆઈ અને એટીએસની ટીમ દ્વારા કલકત્તાના એક પોર્ટ પરથી ગુજરાતમાં લવાતું ૨૦૦ કરોડ રૂપિયાથી વધારેનું ડ્રગ્સ જપ કર્યું હતું. ત્યાર પછી કોસ્ટગાર્ડની મદદથી એટીએસ અને એનસીબીની ટીમે ૭૦૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. અંકલેશ્વરની ફાર્માસ્યુટિકલ કંપની માંથી ૫૦૦૦ કરોડનું કોકેન પણ જપ કર્યું હતું.
ગુજરાતમાં કંડલા, મુન્દ્રા, પીપાવાવ ગાંધીધામ, પોરબંદર વગેરે બંદરો ડ્રગ માફિયાઓનાં હોટ ફેવરીટ બની ગયાં છે. ઈન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાઓએ ગુજરાતના પોર્ટ અને દરિયાકિનારાને ડ્રગ્સની હેરાફેરીનું સેન્ટર બનાવી દીધું છે. ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાંથી આવતા ડ્રગ્સને ગુજરાતની દરિયાઈ સીમામાંથી ઘૂસાડાય છે અને પછી દેશમાં અન્ય કોઈ ઠેકાણે આ ડ્રગ્સની ડીલીવરી કરાય છે.
એનસીબીના ભૂતપૂર્વ ઈન્ટેલિજન્સ અધિકારી અને નાર્કોટિક્સના નિષ્ણાત મોહનીશ ભલાએ જણાવ્યું કે, ‘ગુજરાતનો દરિયાકિનારો ડ્રગ્સ માફિયા માટે સોફ્ટ સ્પોટ હતું અને હવે ડ્રગ્સના લેન્ડિંગ માટેનું હબ બનતું ગયું છે.’
ગુજરાતના બંદરો અને દરિયાઈ સીમામાં ઘૂસાડાયેલા ડ્રગ્સની દેશના અન્ય પોર્ટ ઉપર અથવા તો દરિયામાં અધવચ્ચે ડિલિવરી કરાતી હોય છે અને તેને ખાનગી જગ્યાએ છુપાવી દેવામાં આવે છે. અફઘાનિસ્તાનથી આવતું ચરસ સુગર કોકેન હાઈ ક્વોલીટીનું હોય છે અને તે ઈરાન થઈને વાયા કરાચી થઈ ગુજરાતના દરિયાકાંઠેથી પસાર કરાવીને બીજા દેશો સુધી પહોંચાડાય છે.