આઈસીસી એ આવતા વર્ષે પાકિસ્તાનમાં યોજાનાર ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી દીધો છે. ચેમ્પિયન્સ ટ્રોફી આવતા વર્ષના પ્રારંભે ફેબ્રુઆરીથી માર્ચ વચ્ચે રમાશે. ૧૯ ફેબ્રુઆરીથી ટૂર્નામેન્ટની શરૂઆત થશે અને ૯ માર્ચે ફાઇનલ મુકાબલો રમાશે. ૨૩ ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો દુબઈમાં રમાશે. આ ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડેલ હેઠળ યોજાશે. ભારત પોતાની બધી મેચો દુબઈમાં રમશે. તમામ મેચો ડે-નાઈટ રહેશે અને ભારતીય સમય પ્રમાણે બપોરે ૦૨:૩૦ કલાકે મેચ શરૂ થશે.
ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં
ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ માં ૮ ટીમો વચ્ચે કુલ ૧૫ મુકાબલા રમાશે. તમામ ટીમોને ૨ ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપ-એમાં છે. અન્ય બે ટીમો ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ છે. ગ્રુપ બીમાં દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડનો સમાવેશ થાય છે.
ગ્રુપ એ – ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ
ગ્રુપ બી – દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, અફઘાનિસ્તાન
પાકિસ્તાનના ૩ શહેરોમાં થશે મેચ
ભારત સિવાયની બધી મેચો પાકિસ્તાનના રાવલપિંડી, લાહોર અને કરાચીમાં રમાશે. ૧૯ ફેબ્રુઆરીએ પ્રથમ મેચમાં પાકિસ્તાનનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે. ભારત પોતાની પ્રથમ મેચ ૨૦ ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે દુબઈમાં રમશે. દુબઈમાં ૨૩ ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન આમને-સામને ટકરાશે.
ફાઇનલ માટે બે સ્થળોની જાહેરાત
ભારતીય ટીમ સેમિ ફાઈનલ રમશે તો પણ તેઓ દુબઈમાં રમશે. ફાઇનલ મેચનું સ્થળ દુબઇ અથવા લાહોર હશે. જો ભારત ક્વોલિફાય થશે તો દુબઈમાં રમાશે, જ્યારે અન્ય બે ટીમો ફાઈનલમાં પ્રવેશશે તો ફાઈનલ લાહોરમાં રમાશે. આઇસીસીએ ફાઇનલ માટે રિઝર્વ ડે પણ રાખ્યો છે.
ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫નો કાર્યક્રમ
- પાકિસ્તાન વિ ન્યૂઝીલેન્ડ, ૧૯ ફેબ્રુઆરી ૧૯, કરાચી
- ભારત વિ બાંગ્લાદેશ , ૨૦ ફેબ્રુઆરી, દુબઇ.
- અફઘાનિસ્તાન વિ દક્ષિણ આફ્રિકા, ૨૧ ફેબ્રુઆરી, કરાચી
- ઓસ્ટ્રેલિયા વિ ઇંગ્લેન્ડ, ૨૨ ફેબ્રુઆરી, લાહોર
- ભારત વિ પાકિસ્તાન, ૨૩ ફેબ્રુઆરી, દુબઇ
- બાંગ્લાદેશ વિ ન્યૂઝીલેન્ડ, ૨૪ ફેબ્રુઆરી, રાવલપિંડી
- ઓસ્ટ્રેલિયા વિ દક્ષિણ આફ્રિકા, ૨૫ ફેબ્રુઆરી, રાવલપિંડી
- અફઘાનિસ્તાન વિ ઇંગ્લેન્ડ, ૨૬ ફેબ્રુઆરી, લાહોર
- પાકિસ્તાન વિ બાંગ્લાદેશ, ૨૭ ફેબ્રુઆરી, રાવલપિંડી
- અફઘાનિસ્તાન વિ ઓસ્ટ્રેલિયા, ૨૮ ફેબ્રુઆરી, લાહોર
- દક્ષિણ આફ્રિકા વિ ઇંગ્લેન્ડ, ૧ માર્ચ, કરાચી
- ભારત વિ ન્યૂઝીલેન્ડ, ૨ માર્ચ, દુબઇ
- સેમિ ફાઇનલ ૧, ૪ માર્ચ, દુબઇ,
- સેમિ ફાઇનલ ૨, ૫ માર્ચ, લાહોર
- ફાઇનલ, ૯ માર્ચ, લાહોર (ભારત ક્વોલિફાય થાય તો દુબઈમાં રમાશે)
- રિઝર્વ ડે, ૧૦ માર્ચ