દેશના પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનું ૯૨ વર્ષની વયે નિધન થયું હતું. તબિયત બગડવાને કારણે તેમને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉ. મનમોહન સિંહના નિધનથી દેશમાં શોકની લહેર ફરી વળી છે. અનેક રાજકીય નેતાએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કરતી પોસ્ટ કરી હતી. બે વખત દેશના વડા પ્રધાન રહી ચૂકેલા ડૉ. મનમોહન સિંહને અગાઉ ચાર વખત હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. ૧૯૯૦ ના દાયકાની શરૂઆતમાં પૂર્વ વડાપ્રધાન નરસિંહરાવ અને મનમોહન સિંહની જોડીએ આર્થિક ઉદારીકરણનાં પગલાં લઇને વિશ્વનું ધ્યાન ખેચ્યું હતું.

ભારતના ૧૪ મા વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના નેતૃત્વમાં ભારતે સૌથી વધુ વિકાસ કર્યો હતો. ભારતે તેમના કાર્યકાળ દરમિયાન સરેરાશ ૭.૭ % ના દરે વિકાસ કર્યો હતો અને આશરે બે ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બન્યું હતું.
૧૯૫૫ – કેમ્બ્રિજની સેંટ જૉન્સ કૉલેજમાં વિશેષ પ્રદર્શન માટે રાઈટ પુરસ્કાર
૧૯૫૬ – કેમ્બ્રિજ યુનિવર્સિટીનો એડમ સ્મિથ એવોર્ડ
૧૯૮૭ – ભારતનું બીજું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણ
૧૯૯૫ – ભારતીય વિજ્ઞાન કૉંગ્રેસનો જવાહરલાલ નેહરુ જન્મ શતાબ્દિ પુરસ્કાર
ઓક્ટોબર ૧૯૯૧ માં મનમોહન સિંહ પ્રથમ વાર રાજ્યસભાના સભ્ય બન્યા હતા. રાજ્યસભાના સભ્ય તરીકે છ ટર્મ સુધી રહેનાર મનોહન સિંહ ૧૯૯૯માં દક્ષિણ દિલ્હીની બેઠક પરથી લોકસભાનો જંગ લડયા હતા, પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી. ભાજપના વિજયકુમાર મલ્હોત્રાએ તેમને હરાવ્યા હતા.
સોનિયા ગાંધીએ ‘આત્માના અવાજ’ને અનુસરીને વડાંપ્રધાન બનવાની ના પાડી એટલે ૨૦૦૪ થી ૨૦૧૪ સુધી મનમોહન સિંહ દેશના વડાપ્રધાન તરીકે કાર્યરત રહ્યા હતા. પોતાની નજર સામે ચાલતા ભ્રષ્ટાચારને તેઓ અટકાવી શક્યા નહોતા તે બાબતે તેમની ટીકા પણ થઈ હતી.
તેમણે ૧૯૪૮ માં પંજાબ યુનિવર્સિટીમાંથી મેટ્રિક પૂર્ણ કર્યું. ત્યાર બાદ તેમણે આગળનું શિક્ષણ યુકેની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી મેળવ્યું. ૧૯૫૭ માં તેમણે અર્થશાસ્ત્રમાં પ્રથમ વર્ગની સન્માનની ડિગ્રી મેળવી. આ પછી, ૧૯૬૨ માં, તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીની નફિલ્ડ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં ડી.ફિલ કર્યું. તેમણે તેમના પુસ્તક ‘ભારતમાં નિકાસ અને આત્મનિર્ભરતા અને વિકાસની સંભાવનાઓ’માં ભારતમાં નિકાસ આધારિત વેપાર નીતિની ટીકા કરી હતી.
મનમોહન સિંહ દક્ષિણ આયોગના મહાસચિવ પણ હતા આ પછી તેમણે પંજાબ યુનિવર્સિટી અને દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં શિક્ષક તરીકે કામ કર્યું જે તેમની શૈક્ષણિક શ્રેષ્ઠતા દર્શાવે છે. વચ્ચે, તેમણે થોડા વર્ષો માટે UNCTAD સચિવાલય માટે પણ કામ કર્યું. આના આધારે, તેઓ ૧૯૮૭ અને ૧૯૯૦ માં જીનીવામાં દક્ષિણ કમિશનના મહાસચિવ તરીકે નિયુક્ત થયા હતા.
૧૯૭૧ માં ડૉ. મનમોહન સિંઘ વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે જોડાયા. ૧૯૭૨ માં તેમને નાણા મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે નાણાં મંત્રાલયના સચિવ તરીકે સેવા આપી છે; આયોજન પંચના ઉપાધ્યક્ષ; ભારતીય રિઝર્વ બેંકના અધ્યક્ષ; વડા પ્રધાનના સલાહકાર; યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી.
પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની સરકારમાં તેઓ ૧૯૮૨ થી ૧૯૮૫ સુધી ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ના ગવર્નર પણ રહ્યા હતા. આ દરમિયાન તેમણે બેંકિંગ ક્ષેત્રમાં અનેક સુધારા કર્યા હતા. જેના માટે આજે પણ દેશ તેમને યાદ કરે છે. તેમના કાર્યકાળ દરમિયાન, બેંકિંગ ક્ષેત્રને લગતા વ્યાપક કાયદાકીય સુધારા હાથ ધરવામાં આવ્યા હતા અને ભારતીય રિઝર્વ બેંક અધિનિયમમાં એક નવો અધ્યાય ઉમેરવામાં આવ્યો હતો અને શહેરી બેંકોના વિભાગની સ્થાપના કરવામાં આવી હતી. આરબીઆઈમાં તેમના કાર્યકાળ પછી, તેઓ નાણાં પ્રધાન તરીકે નિયુક્ત થયા પહેલા ઘણા હોદ્દા પર હતા.
ડૉ. મનમોહન સિંહે ૧૯૯૧ થી ૧૯૯૬ સુધી ભારતના નાણામંત્રી તરીકે સેવા આપી હતી, જે સ્વતંત્ર ભારતના આર્થિક ઇતિહાસમાં નિર્ણાયક સમય હતો. આર્થિક સુધારા માટે વ્યાપક નીતિ નક્કી કરવામાં તેમની ભૂમિકાની સૌએ પ્રશંસા કરી છે.