પાકિસ્તાનની એરસ્ટ્રાઈક અને અફઘાનિસ્તાનની ધમકી બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ જેવો માહોલ ઊભો થઈ ગયો છે. અફઘાનના તાલિબાન લડવૈયા ડુરાન્ડ લાઈન ક્રોસ કરીને પાકિસ્તાનમાં ઘૂસી ગયા છે અને પાકિસ્તાની સેનાની ચોકીઓને નિશાન બનાવી રહ્યા છે. તેઓ ચોકીઓ પર બોંબ ઝીંકી રહ્યા છે. આવી સ્થિતિમાં બંને દેશો વચ્ચે તણાવ કેમ વધ્યો, તેનો પણ લોહિયાળ ઈતિહાસ છે. બંને દેશો વચ્ચે બબાલનું મુખ્ય કારણ ‘ડુરાન્ડ લાઈન’ સરહદ છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ સરહદ ભારત-અફઘાનિસ્તાને બનાવેલી છે. તેમજ આ સરહદ પર અનેક વાર લોહિયાળ જંગ છેડાઈ ચુક્યા છે. તો આપણે જાણીએ ‘ડુરાન્ડ લાઈન’ સરહદનો ઈતિહાસ…
બંને દેશો વચ્ચે ‘ડુરાન્ડ લાઈન’ મુદ્દે વર્ષોથી વિવાદ
વાસ્તવમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ‘ડુરાન્ડ લાઈન’ સરહદ મુદ્દે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે અને બંને દેશો વચ્ચે અવારનવાર હુમલાઓ, એરસ્ટ્રાઈક, બોંબમારો થતા રહે છે. તાજેતરમાં પણ પાકિસ્તાનને અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઇક કરી ૫૧ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા, ત્યારબાદ અફઘાનિસ્તાને બદલો લેવાની ધમકી આપી અને પાકિસ્તાન પર શનિવારે (૨૮ ડિસેમ્બર) હુમલો કરી ૧૯ સૈનિકો ઠાર કર્યા હતા અને તેની બે ચોકી પણ કબ્જે કરી લીધી છે. અફઘાનિસ્તાનની આ હિંમતથી પાકિસ્તાન દંગ રહી ગયું છે. તાલિબાની લડાકુઓના હુમલાના લીધે સ્થિતિ એવી આવી છે કે પાકિસ્તાની લશ્કરે પાછું પડવું પડયું છે.
અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ ખોવારજામીએ ડુરાન્ડ લાઈન અંગે કહ્યું છે કે, ‘અમે આ વિસ્તારને પાકિસ્તાનનું હોવાનું માનતા નથી.’ અફઘાનિસ્તાન ડુરાન્ડ લાઈનને હાઈપોથેટિકલ લાઈન પણ કહે છે, જે ૧૯૪૭ થી પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચેની સરહદ છે. જોકે અફઘાનિસ્તાને ડુરાન્ડ લાઈનને સત્તાવાર માન્યતા આપી નથી.