નવા વર્ષના પહેલા દિવસથી લાગુ થયા આ ૧૦ ફેરફારો

આજથી નવું વર્ષ ૨૦૨૫ શરૂ થઈ રહ્યું છે અને પહેલી તારીખથી જ દેશમાં ઘણા મોટા નાણાકીય ફેરફારો લાગુ થઈ શકે છે. જેમાં એલપીજી સિલિન્ડરની કિંમત થી લઈને બેંક ખાતા સંબંધિત ફેરફારોનો સમાવેશ થાય છે.

આજથી નવું વર્ષ ૨૦૨૫ શરૂ થઈ રહ્યું છે. વર્ષના પહેલા દિવસે ૧ જાન્યુઆરી ૨૦૨૫ થી દેશમાં ઘણા મોટા ફેરફારો પણ લાગૂ થવા જઈ રહ્યા છે. આ ફેરફારની અસર દરેક ઘર અને દરેક ખિસ્સા પર પડશે. આમાં કેટલાક ફેરફારો લોકો પર આર્થિક બોજ વધારનાર સાબિત થશે તો કેટલાક ફેરફારથી રાહત પણ મળશે. આ ફેરફારોમાં રસોઈ માટે વપરાતા એલપીજી સિલિન્ડરના ભાવથી લઈને બેંક એકાઉન્ટ, યુપીઆઈ પેમેન્ટ અને EPFOના નિયમો પણ સામેલ છે. આવો જાણીએ આવા ૧૦ મોટા બદલાવો વિશે.

એલપીજી ના ભાવ – દર મહિનાની પહેલી તારીખની જેમ, ૧ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડર ગેસના નવા ભાવ જાહેર કર્યા છે. દિલ્હીથી મુંબઈ સુધી ગેસ સિલિન્ડરના ભાવમાં ૧૪-૧૬ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે, કંપનીઓએ ૧૯ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં આ ઘટાડો કર્યો છે, જ્યારે નવા વર્ષની શરૂઆતમાં પણ ઘરેલુ એલપીજી સિલિન્ડર (૧૪ કિલો)ના ભાવ સ્થિર રહ્યા છે, એટલે કે તેમાં કોઈ ફેરફાર થયો નથી.

ATF ના ભાવ – નવા વર્ષમાં સરકારી ઓઈલ કંપનીઓએ એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (ATF)ના ભાવમાં ઘટાડો કર્યો છે. એટીએફના ભાવમાં ઘટાડાને કારણે હવાઈ ભાડામાં ઘટાડો થવાની ધારણા છે. જણાવી દઈએ કે દર મહિને પહેલી તારીખે સરકારી ઓઈલ કંપનીઓ ATFની કિંમતો જાહેર કરે છે. ગયા ડિસેમ્બરમાં એટીએફના ભાવમાં કિલોલિટર દીઠ ₹૧૩૧૮.૧૨ નો વધારો કરવામાં આવ્યો હતો. ૧ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ બહાર પાડવામાં આવેલા નવીનતમ ડેટા અનુસાર, દિલ્હીમાં ATFના ભાવ રૂ. ૯૦,૪૫૫.૪૭ પ્રતિ કિલોલીટર, કોલકાતામાં ATFના ભાવ રૂ. ૯૩,૦૫૯.૭૯ પ્રતિ કિલોલીટર, મુંબઈમાં ATFના ભાવ રૂ ૮૪,૫૧૧.૯૩ પ્રતિ કિલોલીટર, ચેન્નઈમાં ATFના ભાવ રૂ. ૯૩,૬૭૦.૭૨ પ્રતિ કિલોલીટર છે.

EPFO નો નવો નિયમ – ૧ જાન્યુઆરી, ૨૦૨૫ થી EPFO દ્વારા પેન્શનધારકો માટે નવા નિયમો લાગુ કરવાની તૈયારી છે, આ મોટા ફેરફાર હેઠળ હવે પેન્શનધારકો દેશની કોઈપણ બેંકમાંથી તેમના પેન્શનની રકમ ઉપાડી શકશે અને આ માટે તેમને કોઈ વધારાના વેરિફિકેશનની જરૂર નહીં પડે.

UPI ૧૨૩Payના નિયમો – રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા ફીચર ફોન્સથી ઓનલાઈન પેમેન્ટની સુવિધા પૂરી પાડવા માટે UPI ૧૨૩Pay લોન્ચ કરવામાં આવી હતી. હવે તેની ટ્રાન્ઝેક્શન લિમિટ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે ૧ જાન્યુઆરી, ૨૦૨૫ થી લાગુ થઈ શકે છે. યુઝર્સ હવે ૧0,000 રૂપિયા સુધી ઓનલાઈન પેમેન્ટ કરી શકશે, જે લિમિટ અગાઉ માત્ર ૫,000 રૂપિયા હતી.

શેર બજાર સાથે સંબંધિત આ નિયમ – સેન્સેક્સ, સેન્સેક્સ-૫૦ અને બેન્કેક્સની માસિક એક્સપાયરીમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે આ દર અઠવાડિયે શુક્રવારે નહીં પરંતુ મંગળવારે થશે. જ્યારે ત્રિમાસિક અને અર્ધવાર્ષિક કરારની એક્સપાયરી છેલ્લા મંગળવારે થશે. બીજી તરફ, NSE ઇન્ડેક્સે Nifty ૫૦ માસિક કોન્ટ્રાક્ટ માટે ગુરુવારનો દિવસ નક્કી કર્યો છે.

ખેડૂતોને લોન – ૧ જાન્યુઆરી, ૨૦૨૫ થી ખેડૂતોને RBI તરફથી ગેરંટી વિના ૨ લાખ રૂપિયા સુધીની લોન મળશે. તાજેતરમાં RBIએ ખેડૂતો માટે ગેરંટી વિનાની લોનની મર્યાદા વધારવાની જાહેરાત કરી હતી. જેના કારણે હવે તેઓ ૧.૬ લાખ રૂપિયા નહીં પરંતુ ૨ લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકશે.

બંધ થશે આ બેંક એકાઉન્ટ – રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) નવા વર્ષથી કેટલાક નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. તેનાથી દેશના લાખો બેંક એકાઉન્ટસ પર અસર થવાની છે. કારણ કે કેન્દ્રીય બેંક ૩ પ્રકારના બેંક એકાઉન્ટ બંધ કરવા જઈ રહી છે. આરબીઆઈની નવી માર્ગદર્શિકા હેઠળ નિષ્ક્રિય એકાઉન્ટ, ઇનએક્ટિવ એકાઉન્ટસ અને ઝીરો બેલેન્સ એકાઉન્ટ બંધ કરવામાં આવશે.

કારના ભાવ વધશે – ૧ જાન્યુઆરી ૨૦૨૫ થી ઘણી કંપનીઓની કાર ખરીદવી મોંઘી થવા જઈ રહી છે. મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, હ્યુન્ડાઈ અને ટોયોટા સહિતની ઘણી કંપનીઓએ તેમના વાહનોના ભાવમાં ૨ થી ૪ % નો વધારો કરવાની જાહેરાત કરી છે.

ટેલિકોમ નિયમો – ટેલિકોમ કંપનીઓ માટે રાઈટ ઓફ વે નિયમ ૧ જાન્યુઆરી ૨૦૨૫થી નવા વર્ષથી અમલમાં આવશે. નવા નિયમો હેઠળ કંપનીઓએ ઓપ્ટિકલ ફાઈબર લાઈનો અને નવા મોબાઈલ ટાવર લગાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આ નિયમના અમલીકરણથી કંપનીઓને તેમની સેવાઓ સુધારવામાં મદદ મળશે. નવા નિયમ મુજબ ટેલિકોમ કંપનીઓએ મોબાઈલ ટાવર લગાવવા માટે વધુ પ્રયત્નો કરવા પડશે નહીં. આ નિયમો જનતા અને કંપનીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે.

GST નિયમો વધુ કડક બન્યા – ૧ જાન્યુઆરી, ૨૦૨૫ થી કરદાતાઓ માટે અનુપાલન નિયમો વધુ કડક બનવા જઈ રહ્યા છે. આમાં મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશન (MFA)નો સમાવેશ થાય છે, જે અગાઉ ફક્ત તે જ વ્યવસાયોને લાગુ પડતું હતું જેમનું વાર્ષિક ટર્નઓવર રૂ. ૨૦ કરોડ કે તેથી વધુ હતું, પરંતુ હવે તે GST પોર્ટલનો ઉપયોગ કરતા તમામ કરદાતાઓ માટે લાગુ થઈ શકે છે.

Best Happy New Year 2025 GIF, Animation & Images With Wishes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *