વિશ્વભરમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી. મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરીને આતશબાજી સાથે નવા વર્ષને વધાવ્યુ.
વિશ્વમાં વર્ષ ૨૦૨૫ ની ધમાકેદાર શરૂઆત થઇ ગઇ છે. ગુજરાત સહિત વિશ્વભરમાં નવા વર્ષની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી છે. નવા વર્ષને આવકારવા માટે લોકોમા અનેરો ઉત્સાહ છે. ડાન્સ પાર્ટી કરી લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરીને નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. આતશબાજી પણ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં સીજી રોડ, સિંધુ ભવન રોડ પર લોકો રસ્તા પર જોવા મળી રહ્યા છે અને નવા વર્ષને વધાવી રહ્યા છે. ભારતના મુંબઈ, દિલ્હી, બેંગલોર, કોલકાતા, ચેન્નાઇ સહિત વિવિધ શહેરોમાં નવા વર્ષની આતશબાજી કરવામાં આવી હતી.
નવું વર્ષ સૌપ્રથમ કિરીટીમાટી ટાપુ (ક્રિસમસ આઇલેન્ડ)માં ઉજવવામાં આવ્યું
નવું વર્ષ સૌપ્રથમ કિરીટીમાટી ટાપુ (ક્રિસમસ આઇલેન્ડ)માં ઉજવવામાં આવ્યું હતું. આ ટાપુ કિરીટીબાટી રિપબ્લિકનો ભાગ છે. ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને સિંગાપુરમાં નવા વર્ષનું આગમન થઇ ગયું છે. ઓકલેન્ડ અને સિડનીમાં શાનદાર ઉજવણી જોવા મળી હતી. વિશ્વના અલગ-અલગ ભાગોમાં અલગ-અલગ ટાઈમ ઝોનને કારણે દરેક દેશમાં નવું વર્ષ અલગ-અલગ સમયે શરૂ થાય છે. કિરીટીમાટી ટાપુમાં નવા વર્ષની શરૂઆતની થોડી મિનિટો પછી ન્યૂઝીલેન્ડના ટોંગા અને ચૈથમ ટાપુઓમાં પણ નવું વર્ષ ઉજવવામાં આવે છે. સૌથી છેલ્લે દક્ષિણ પેસિફિકમાં અમેરિકન સમોઆ અને નિયુ ટાપુઓમાં ઉજવવામાં આવે છે.
વિશ્વના લગભગ ૪૧ દેશો ભારત પહેલા નવા વર્ષની ઉજવણી કરે છે…
વિશ્વના લગભગ ૪૧ દેશો ભારત પહેલા નવા વર્ષની ઉજવણી કરે છે. કિરીટીમાટી, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, સમોઆ, ટોંગા, પાપુઆ ન્યુ ગિની, મ્યાનમાર, જાપાન અને ઇન્ડોનેશિયા જેવા દેશોનો સમાવેશ થાય છે. પૃથ્વીના પરિભ્રમણ અને ટાઇમ ઝોન મુજબ કિરીટીમાટી દ્વીપ અને ન્યૂઝીલેન્ડમાં ૩૧ ડિસેમ્બરના રોજ સૌથી પહેલા રાતના ૧૨:૦૦ વાગે છે. આ જ કારણ છે કે આ બે સ્થળોએ નવું વર્ષ સૌથી પહેલા ઉજવવામાં આવે છે.
વિશ્વને રેખાંશના આધારે ૨૪ ટાઇમ ઝોનમાં વિભાજિત કરવામાં આવે છે, દરેકનો પોતાના સ્ટાન્ડર્ડ ટાઇમ છે. આથી નવા વર્ષની ઉજવણી વિવિધ દેશોમાં અલગ અલગ સમયે કરવામાં આવે છે. ભારત ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ (IST)ને અનુસરે છે, જે કોઓર્ડિનેટેડ યુનિવર્સલ ટાઈમ (UTC +૦૫:૩૦) કરતા ૫ કલાક ૩૦ મિનિટ આગળ છે.