મુંબઈમાં ૨૦૦૮ માં ૨૬ નવેમ્બરે થયેલા આતંકી હુમલામાં સામેલ પાકિસ્તાની મૂળના કેનેડિયન કારોબારી તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવી શકે છે. ૨૬/૧૧ હુમલાના આરોપીના પ્રત્યર્પણ માટે અમેરિકા તૈયાર થયું છે. કોર્ટે જણાવ્યું હતું કે રાણા તે મુંબઈ આતંકવાદી હુમલાના કાવતરામાં સામેલ હતો, અને તેને ભારતને પ્રત્યર્પણ કરવું જોઈએ.

ચાર્જશીટમાં રાણા પર ૨૬/૧૧ ના હુમલામાં માસ્ટર માઇન્ડ ડેવિડ કોલમેન હેડલીની મદદ કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મુંબઈમાં ક્યાં ક્યાં હુમલા કરવાના છે, તે જગ્યાની રેકી તહવ્વુર રાણાએ કરી હતી અને એક માળખું તૈયાર કરી પાકિસ્તાની આતંકીઓને સોંપી દીધું હતું.
તહવ્વુર રાણા અને ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ સઈદ ગિલાની બાળપણના મિત્ર છે. હેડલી એક અમેરિકન નાગરિક છે. તેની માતા અમેરિકન અને પિતા પાકિસ્તાની હતા. અમેરિકન અધિકારીઓ દ્વારા ઓક્ટોબર ૨૦૦૯ માં તેની શિકાગોથી ધરપકડ કરવામાં આવી હતી.
હેડલીને અમેરિકન કોર્ટે ૨૪ જાન્યુઆરી, ૨૦૧૩ ના મુંબઈ હુમલામાં સામેલ હોવા માટે દોષી માનીને ૩૫ વર્ષ જેલની સજા સંભળાવી હતી. તહવ્વુર રાણાએ પાકિસ્તાનની હસન અબ્દાલ કૈડેટ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. હેડલીએ અમેરિકા શિફ્ટ થયો તે પહેલાં ત્યાં જ ૫ વર્ષ અભ્યાસ કર્યો હતો.
પાકિસ્તાની સેનામાં એક ડૉક્ટર તરીકે તેમના કાર્યકાળ બાદ તહવ્વુર રાણા કેનેડા શિફ્ટ થઈ ગયો હતો અને થોડા વર્ષોમાં ત્યાંનો જ નાગરિક બની ગયો હતો. તેણે શિકાગોમાં ફર્સ્ટ વર્લ્ડ ઈમિગ્રેશન સર્વિસેઝ નામની એક કન્સલટેંસી ફર્મની સ્થાપના કરી હતી. રાણાની કંપનીની એક બ્રાંચ મુંબઈમાં હતી, તેણે હેડલી કોલમેનને મુંબઈમાં રેકી કરવામાં મદદ કરી હતી અને પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના આતંકીએ ૨૬ નવેમ્બર, ૨૦૦૮ ના રોજ નિશાન બનાવ્યું હતું.
લશ્કરના ૧૦ આતંકી મોટી માત્રામાં દારૂ ગોળો, હથિયાર લઈને ૨૬ નવેમ્બર, ૨૦૦૮ ના રોજ દરિયાના રસ્તે મુંબઈમાં ઘૂસ્યા હતા. તેમણે મુંબઈમાં ૯ જગ્યાએ હાહાકાર મચાવ્યો હતો. મુંબઈ પોલીસ અને સુરક્ષા દળોએ ૨૮ નવેમ્બરની સવાર સુધી તાજ હોટલને છોડીને તમામ જગ્યા સુરક્ષિત કરી લીધી હતી.
તાજ હોટલમાં છુપાયેલા આતંકીઓને ખતમ કરવા માટે નેશનલ સિક્યોરિટી ગાર્ડ્સની મદદ લેવામાં આવી હતી. એનએસજીએ ૨૯ નવેમ્બરે ઓપરેશન બ્લેક ટોરનેડો લોન્ચ કર્યું હતું. જે તાજ હૉટલમાં છુપાયેલા આતંકીના ખાતમા સાથે પૂરું થયું હતું. આ હુમલામાં ૬ અમેરિકન નાગરિકો સહિત કુલ ૧૬૬ લોકોના મૃત્યુ થયા હતા અને ૩૦૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા.
ઓક્ટોબર ૨૦૦૯ માં શિકાગો એરપોર્ટ પરતી હેડલની ધરપકડ બાદ અમેરિકન પોલીસે તહવ્વુર રાણાની પણ ધરપકડ કરી હતી. ૨૦૧૧માં શિકાગોની કોર્ટે મુંબઈ હુમલા માટે લશ્કર-એ-તૈયબાને લોજિસ્ટિક સપોર્ટ ઉપલબ્ધ કરાવવા અને એક ડેનિશ અખબારની ઓફિસ પર હુમલો કરવાના કાવતરામાં દોષિ માન્યો હતો. ડેવિડ કોલમેન હેડલીએ કેસના ટ્રાયલ દરમિયાન કોર્ટે જણાવ્યું કે, જુલાઈ ૨૦૦૬ માં તહવ્વુર રાણાને મળવા શિકાગો ગયો હતો. ત્યારે રાણાએ તેને મુંબઈ મિશન અંગે જણાવ્યું હતું.
તહવ્વુર રાણાએ ડેવિડ કોલમેન હેડલીની મદદથી તેની ફર્મ ફર્સ્ટ વર્લ્ડ ઈમીગ્રેશન સર્વિસની એક બ્રાંચ મુંબઈમાં સ્થાપી હતી. આ ફર્મની મદદથી હેડલીને ભારતમાં ૫ વર્ષના બિઝનેસ વીઝા મળ્યા હતા.
બાદમાં હેડલીએ મુંબઈના વિવિધ સ્થળોની રેકી કરી હતી. ૨૦૧૧ માં એનઆઈએ મુંબઈ ૨૬/૧૧ આતંકી હુમલાની યોજના બનાવવા અને તેને અંજામ આપવા તહવ્વુર રાણા સહિત ૯ લોકો સામે આરોપનામું દાખલ કર્યું હતું દિલ્હીની સેશન્સ કોર્ટે ૨૦૧૪ માં આ લોકો સામે બિન જામીન પાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું અને એનઆઈએ દ્વારા તેમનો ભાગેડુ તરીકે ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
