જામનગર અમૃતસર એક્સપ્રેસ વે : ભારતના બીજા સૌથી લાંબા એક્સપ્રેસ વે અમૃતસર-જામનગરનું નિર્માણ કાર્ય પૂર ઝડપે ચાલી રહ્યું છે. આ નવા વર્ષમાં આ એક્સપ્રેસ વે તૈયાર થઈ જશે તેવી પૂરી આશા છે.
સમગ્ર દેશમાં એક્સપ્રેસ વેનું નિર્માણ કાર્ય ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. ભારતના બીજા સૌથી લાંબા એક્સપ્રેસ વે અમૃતસર-જામનગરનું નિર્માણ કાર્ય પૂર ઝડપે ચાલી રહ્યું છે. આ નવા વર્ષમાં આ એક્સપ્રેસ વે તૈયાર થઈ જશે તેવી પૂરી આશા છે. તેના નિર્માણથી પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતની કનેક્ટિવિટીમાં ઘણો સુધારો થશે. આ એક્સપ્રેસ વેની કુલ લંબાઈ ૧૨૫૬ કિમી છે. જેમાંથી ૯૧૫ કિમીનો ભાગ ગ્રીનફિલ્ડ એલાઈનમેન્ટના આધારે તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ એક્સપ્રેસ-વેની યોજના મુખ્યત્વે અકસ્માતોને રોકવા અને વાહનોને ગતિ આપવા માટે છે.
પ્રવાસન દૃષ્ટિકોણથી ખૂબ જ ફાયદાકારક
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે આ એક્સપ્રેસ વેના ઘણા નવા વિભાગોનું ઉદ્ઘાટન કર્યું હતું. મોદીએ ૭૪.૬ કિલોમીટર લાંબા ડાંગિયાવાસ-નાગપુર હાઈવેનું ઉદ્ઘાટન કર્યું હતું. તે જોધપુર રિંગ રોડ-૧નો ભાગ છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનો આ વિભાગ લોકો માટે કાર્યરત થઈ ગયો છે. આ પ્રવાસન દૃષ્ટિકોણથી ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.
અમૃતસરથી જામનગર જવા માટે માત્ર ૧૩ કલાકનો સમય લાગશે
આ એક્સપ્રેસ વેના નિર્માણથી અમૃતસર અને જામનગર વચ્ચેનું અંતર ઘટી જશે. હાલમાં અમૃતસરથી જામનગરનું અંતર ૧૪૩૦ કિમી છે. આ સફરને પૂર્ણ કરવામાં ૨૬ કલાકનો સમય લાગે છે પરંતુ આ એક્સપ્રેસ વેના નિર્માણથી અંતર ઘટી જશે. સમય ઘટાડીને અડધો થઈ જશે. તેના નિર્માણ બાદ ૧૨૫૬ કિમીનું અંતર માત્ર ૧૩ કલાકમાં કાપવામાં આવશે.
આ એક્સપ્રેસ વે પંજાબથી શરૂ થઈને હરિયાણા અને રાજસ્થાન થઈને ગુજરાત જશે. આ ઉપરાંત તે દિલ્હી-કટરા એક્સપ્રેસ વેને પણ જોડશે. આ એક્સપ્રેસ વેનો સૌથી મોટો હિસ્સો રાજસ્થાનમાં હશે. જ્યાં તેની કુલ લંબાઈ ૬૩૬ કિલોમીટર થવાની છે. આ દેશનો સૌથી લાંબો આર્થિક કોરિડોર બનવા જઈ રહ્યો છે. તેના નિર્માણમાં ૮૦ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તેના નિર્માણથી ચારેય રાજ્યોમાં રોજગારના નવા સ્ત્રોત ઉપલબ્ધ થશે.
અમૃતસર-જામનગર એક્સપ્રેસ વેનું નિર્માણ ૨૦૧૯માં શરૂ થયું હતું
આ એક્સપ્રેસ વેનું નિર્માણ ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેનું નિર્માણ કાર્ય વર્ષ ૨૦૧૯માં જ શરૂ થયું હતું. જો કે તેનું નિર્માણ કાર્ય આ વર્ષે પૂર્ણ થવાની આશા છે.