સુપ્રીમ કોર્ટ: માતા-પિતાની સારસંભાળ ન રાખી તો સંતાનોએ પરત આપવી પડશે સંપત્તિ.
તાજેતરમાં સુપ્રીમ કોર્ટે માતા-પિતાની સારસંભાળને લઈને એક ખૂબ જ મહત્તવપૂર્ણ નિર્ણય આપ્યો હતો. જેનાથી દેશના અનેક વૃદ્ધોને ફાયદો થશે. આ નિર્ણય પછી એક આશાનું કિરણ જાગ્યું છે કે સંતાનો તેમના વૃદ્ધ માતા-પિતાની સંભાળ લેશે અને તેમની સાથે સારો વ્યવહાર કરશે . ભારતમાં ઘણાં કિસ્સાઓ સામે આવ્યા છે કે, જેમાં માતા-પિતા પોતાના સંતાનોના નામે પ્રોપર્ટી ટ્રાન્સફર કર્યા બાદ સંતાનો તેમની સાથે સારો વ્યવહાર કરતા નથી અને તેમની કાળજી પણ લેતા નથી અને તેમને એકલા છોડી દે છે. જો કે, કોર્ટના આ નિર્ણય બાદ હવે તેઓ આવું કરી શકશે નહી.
હકીકતમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે, હવે સંતાનોને માતા-પિતાની પ્રોપર્ટી અને અન્ય ગિફ્ટ મળ્યા બાદ માતા-પિતાનું ધ્યાન નહી રાખે કે અથવાતો તેમની જરૂરિયાતો પૂરી કરશે નહી કરે તો સંતાનો પાસેથી તમામ પ્રોપર્ટી અને અન્ય ગિફ્ટ પાછી લઇ લેવામાં આવશે. વરિષ્ઠ નાગરિકોના હિતોનું રક્ષણ કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું હતું કે, જો સંતાનો માતા-પિતાની સંભાળ રાખવામાં નિષ્ફળ જાય છે. તો માતા-પિતા દ્વારા આપવામાં આવેલી પ્રોપર્ટી અને ગિફ્ટ માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ અધિનિયમની ધારા હેઠળ રદ કરી શકાય છે. અને પ્રોપર્ટીના ટ્રાન્સફરને રદબાતલ જાહેર કરવામાં આવશે.
જસ્ટિસ સીટી રવિકુમાર અને જસ્ટિસ સંજય કરોલની ખંડપીઠે કહ્યું હતું કે, ‘આ કાયદો સંયુક્ત કુટુંબ વ્યવસ્થાના ખતમ થયા પછી એકલા પડી ગયેલા વૃદ્ધોને મદદ કરવા માટે લાભદાયી નીવડશે અને આ કાયદો તેમના અધિકારોની સુરક્ષા માટે વધુ સારો સાબિત થશે. સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ હાઈકોર્ટના તે નિર્ણયને પણ ફગાવી દીધો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, માતા-પિતાની સેવા ન કરવાના આધારે પ્રોપર્ટી અને ગિફ્ટને રદ કરી શકાય નહીં. આવું ત્યારે જ થઇ શકે છે કે, જયારે પ્રોપર્ટી અથવા ગિફ્ટ આપતી વખતે તે અંગેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જ્યારે કાયદાના ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે ઉદાર વલણ અપનાવવાની જરૂર હતી. પરંતુ મધ્યપ્રદેશ હાઈકોર્ટે કાયદા અંગે ‘કડક વલણ’ અપનાવ્યું હતું. આ કાયદાની કલમ ૨૩ જણાવે છે કે, જો કોઈ વરિષ્ઠ નાગરિક તેની પ્રોપર્ટી અને ગિફ્ટ તેના સંતાનોને ટ્રાન્સફર કરે છે. તો તે શરત સાથે હશે કે તેઓ તેમની સંપૂર્ણ કાળજી રાખશે અને તેમની બધી જ જરૂરિયાતો પૂર્ણ કરશે અને જો તેઓ આવું કરવામાં નિષ્ફળ જશે તો તેમની પ્રોપર્ટીનું ટ્રાન્સફર રદબાતલ જાહેર કરવામાં આવશે. અને આવા કિસ્સામાં પ્રોપર્ટીનું ટ્રાન્સફર છેતરપિંડી અથવા બળજબરીથી કે અયોગ્ય પ્રભાવ દ્વારા કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવશે.
આગાઉ આ જ કેસમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટે કહ્યું હતું ,કે ગિફ્ટ ડીડમાં એવી કલમ હોવી જોઈએ કે જે સંતાનોને માતા-પિતાની સંભાળ રાખવા માટે બંધનકર્તા હોય. પરંતુ જો સંતાનો માતા-પિતાની સંભાળ ન રાખે તો પ્રોપર્ટી પાછી લઈ શકાય નહીં. જો કે, હવે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આ નિર્ણયને ફગાવી દીધો છે.
હકીકતમાં તાજેતરમાં કોર્ટ સમક્ષ એક કેસ આવ્યો હતો. જેમાં એક વૃદ્ધ મહિલાએ તેના પુત્રને ટ્રાન્સફર કરાયેલી પ્રોપર્ટીને રદ કરવા માટે અરજી કરી હતી. કારણ કે તેનો પુત્ર પ્રોપર્ટી હાંસલ કરી લીધા પછી તેની કાળજી લેતો ન હતો. કોર્ટે આ કેસમાં મહિલાની અરજી સ્વીકારી હતી. કોર્ટે કહ્યું કે, આ કાયદો લાભદાયી કાયદો છે. જેનો ઉદ્દેશ્ય વરિષ્ઠ નાગરિકોના અધિકારોને તેમની સામેના પડકારોને ધ્યાનમાં રાખીને સુરક્ષિત કરવાનો છે.