સૂર્યનું કોઈ વિશેષ રાશિમાં ભ્રમણ કરવું સંક્રાંતિ કહેવામાં આવે છે. સૂર્ય દર મહિને રાશિનું પરિવર્તન કરે છે. વર્ષમાં બાર સંક્રાંતિઓ હોય છે અને બે સંક્રાંતિઓ મહત્ત્વની હોય છે. મકર સંક્રાંતિ અને કર્ક સંક્રાંતિ. સૂર્ય જ્યારે મકર રાશિમાં જાય છે ત્યારે મકર સંક્રાંતિ થાય છે.
મકર સંક્રાંતિથી વાતાવરણમાં ફેરફાર શરૂ થઈ જાય છે કેમ કે આ સંક્રાંતિથી અગ્નિ તત્વની શરૂઆત થઈ જાય છે. આ સમયે સૂર્ય ઉત્તરાયણ હોય છે. આ દિવસે કરવામાં આવેલા જાપ અને દાનનું ફળ અનંત ગણું હોય છે. આ વખતે મકર સંક્રાંતિ ૧૪ જાન્યુઆરી ૨૯૨૫ એ મનાવવામાં આવશે.
ઉદયાતિથિ અનુસાર મકર સંક્રાંતિ આ વખતે ૧૪ જાન્યુઆરી ૨૯૨૫ એ જ મનાવવામાં આવશે. આ દિવસે સૂર્ય સવારે ૦૮:૪૧ મિનિટ મકર રાશિમાં પ્રવેશ કરશે. હિંદુ પંચાંગ અનુસાર મકર સંક્રાંતિ પુણ્ય કાળનો સમય સવારે ૦૯:૦૩ મિનિટથી લઈને સાંજે ૦૫:૪૬ મિનિટ સુધી રહેશે અને મહાપુણ્ય કાળનો સમય સવારે ૦૯:૦૩ મિનિટથી લઈને સવારે ૧૦:૪૮ મિનિટ સુધી રહેશે.
મકર સંક્રાંતિના પર્વને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે. આ દિવસે ગંગા સ્નાન, વ્રત, કથા, દાન અને ભગવાન સૂર્યદેવની ઉપાસના કરવાનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે કરવામાં આવેલું દાન અક્ષય ફળદાયી હોય છે. શનિ દેવ માટે પ્રકાશનું દાન કરવું પણ ખૂબ શુભ હોય છે. પંજાબ, યુપી, બિહાર અને તમિલનાડુમાં આ નવો પાક કાપવાનો સમય હોય છે. તેથી ખેડૂત આ દિવસને આભાર દિવસ તરીકે પણ મનાવે છે. આ દિવસે તલ અને ગોળની બનેલી મિઠાઈ વહેંચવામાં આવે છે. આ સિવાય મકર સંક્રાંતિ પર પતંગ ઉડાવવાની પણ પરંપરા છે.
પૌરાણિક માન્યતા અનુસાર મકર સંક્રાંતિના દિવસે સૂર્ય દેવ પોતાના પુત્ર શનિના ઘરે જાય છે. શનિ મકર અને કુંભ રાશિનો સ્વામી છે. આ પર્વ પિતા-પુત્રના અનોખા મિલન સાથે પણ જોડાયેલું છે. એક અન્ય કથા અનુસાર અસુરો પર ભગવાન વિષ્ણુના વિજય તરીકે પણ મકર સંક્રાંતિ મનાવવામાં આવે છે. મકર સંક્રાંતિના દિવસે જ ભગવાન વિષ્ણુએ પૃથ્વી લોક પર અસુરોનો સંહાર કરીને તેમના માથાને કાપીને મંદરા પર્વત પર દાટી દીધા હતા. ત્યારથી ભગવાન વિષ્ણુની આ જીતને મકર સંક્રાંતિ પર્વ તરીકે મનાવવામાં આવે છે.