દેવભૂમિ દ્વારકાના ઓખા મંડળસના બેટ દ્વારકા સહિત અનેક જગ્યાઓમાં તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. હાલ યાત્રાધામ દ્વારકાના આવળાપરા વિસ્તાર, રૂપેણ બંદરના શાંતિનગર વિસ્તાર તેમજ બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. જેના કારણે તંત્ર દ્વારા બેટ દ્વારકામાં તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
દ્વારકામાં હાથ ધરાયેલાં મેગા ડિમોલિશનના કારણે તમામ યાત્રિકો માટે બેટ દ્વારકામાં આવન-જાવન પર પ્રતિબંધ લગાવાયો છે. યાત્રિકોને દ્વારકામાં પ્રવેશ અટકાવવા માટે બેરિકેટ લગાવવામાં આવ્યા છે. જોકે, મંદિરમાં પૂજા-અર્ચનાનો કાર્યક્રમ રાબેતા મુજબ શરૂ છે.
શનિવારે (આજે) વહેલી સવારથી દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં બેટ દ્વારકા નજીક બાલાપર ખાતે આશરે ૨૫૦ જેટલાં આસામીઓને નોટિસ આપ્યા બાદ આ કામગીરી શરૂ કરવામાં આવી હતી. દબાણ દૂર કરવાની પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પણ પોલીસ તંત્ર હાઇ એલર્ટ પર કામ કરી રહ્યું છે. જિલ્લાના પોલીસવડા નિતેશ પાંડેની દેખરેખ હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે. આ સિવાય ખંભાળિયાના બંને ડીવાયએસપી સાગર રાઠોડ અને હાર્દિક પ્રજાપતિ, એલ.સી.બી, એસ.ઓ.જી તેમજ જિલ્લાભરમાંથી પી.આઈ., પી.એસ.આઈ ઉપરાતં એસ.આર.પી અને મહિલા પોલીસ સહિત ૧ હજાર પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.
આ સિવાય આ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જે માટે ડ્રોન કેમેરા તેમજ સીસીટીવીની મદદ લેવામાં આવી રહી છે. જ્યાં દબાણ દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, તેની આસપાસ પોલીસે સંપૂર્ણ કોર્ડન કરી દીધું છે.
સમગ્ર મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને દબાણ દૂર કરવાની પ્રક્રિયાના વીડિયો શેર કર્યા છે. આ સાથે તેઓએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘બેટ દ્વારકા દેશભરના કરોજો લોકોની આસ્થાની ભૂમિ છે. કૃષ્ણ ભૂમિ પર કોઈપણ પ્રકારના ગેરકાયદે દબાણ નહીં થવા થઈએ. આપણી આસ્થા અને સંસ્કૃતિની રક્ષા કરવી અમારી જવાબદારી છે.’
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અગાઉ પણ અનધિકૃત રીતે સરકારી જમીન પર કરેલાં અતિક્રમણ સંદર્ભે જિલ્લા પ્રશાસને જરૂરી સરવે કરી નોટિસ આપવા સહિતની કાયદાકીય કાર્યવાહી કરી હતી. ત્યારબાદ આ અંગેની મુદત પૂર્ણ થયા બાદ દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આપ્ટે તેમજ તેમની ટીમ દ્વારા જિલ્લા પોલીસ પ્રશાસનને સાથે રાખી પંથકમાં કરાયેલા ગેરકાયદેસર ધાર્મિક, રહેણાંક તેમજ કોમર્શિયલ વિસ્તારની સરકારી જગ્યા પરના દબાણ દૂર કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. જેને અનુલક્ષીને આજે આ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
એક વર્ષ પહેલાં પણ દેવભૂમિ દ્વારકામાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, ત્યારબાદ ફરી અનેક જગ્યાએ લોકો દ્વારા દબાણો કરવામાં આવ્યા હતાં. તંત્રને આ વિશે જાણ થતાં જ ફરીથી દબાણ જૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહત્ત્વનું છે કે, નવી કોઈ સૂચના ન મળે ત્યાં સુધી દ્વારકામાં સંપૂર્ણ રીતે ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.