આસ્થા અને ઉલ્લાસના સરવાળા સમાન ઉત્તરાયણનું પર્વ આજે ગુજરાતભરમાં ઉજવાઈ રહ્યો છે. ઉત્તરાયણના પર્વ નિમિત્તે સવારથી પતંગબાજો વચ્ચે ‘અવકાશી યુદ્ધ’ જામ્યું છે અને ‘એ કાયપો છે….’, ‘ચલ ચલ લપેટ…’ના ગગનભેદી નાદથી માહોલ ગૂંજી ઉઠ્યું છે. આ ઉપરાંત આજે ઉંધીયું-જલેબીની જયાફત જાણે સત્તામાં સુગંધ ઉમેરવાનું કામ કરી રહ્યું છે. અમદાવાદમાં ઉત્તરાયણ જેટલું જ મહત્ત્વ વાસી ઉત્તરાયણનું હોય છે અને તેની પણ બુધવારે ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે. આમ, ભાગદોડ-તણાવભર્યા જીવન વચ્ચે આગામી બે દિવસ રણમાં મીઠી વીરડી સમાન રહેશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે દિવસ દરમિયાન ગુજરાતમાં ઉત્તરપૂર્વથી પૂર્વ તરફની દિશાનો પવન રહેશે અને પવનની ગતિ ૧૫ થી ૨૦ કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. આમ, આજે પતંગબાજોને સાનૂકૂળ પવનથી જલસો પડી જશે. આ સિવાય પતંગ ચગાવવા ઠુમકા નહીં લગાવવા પડે તેવા સંકેતો છે. અમદાવાદમાં દિલ્હી ચકલા, કાલુપુર ટંકશાલ, રાયપુર, પાલડી, મણીનગર, સેટેલાઇટ, એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં સોમવારે મોડી રાત સુધી પતંગ-ફિરકીની છેલ્લી ઘડીની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. અમદાવાદની પોળમાં ઉત્તરાયણનો રોમાંચ અનેરો જ હોય છે. ખાસ પોળમાં ઉત્તરાયણ કરવા માટે દેશ-વિદેશથી લોકો આવતા હોય છે. જેના કારણે હવે પોળમાં ધાબું એક દિવસ માટે ભાડે આપવાના ચલણમાં પણ વધારો થયો છે.
પોળમાં ઉત્તરાયણ દરમિયાન એક દિવસના ધાબાનું ભાડું રૂપિયા ૨૫ હજાર સુધી પહોંચી ગયું છે. અમદાવાદના પૂર્વ વિસ્તારની કેટલીક હોટેલમાં લંચ-ડિનર સાથે ધાબામાં પતંગ ચગાવવાના પેકેજ પણ જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદની અનેક ક્લબમાં પણ ડીજેના તાલ સાથે પતંગ ચગાવવાના આયોજન કરવામાં આવ્યું છે. આજે ફક્ત અમદાવાદમાંથી હજારો કિલોગ્રામ ઉંધીયા-જલેબીનું વેચાણ થશે. જેના માટે અમદાવાદમાં ઠેકઠેકાણે કાઉન્ટર પણ બનાવવામાં આવ્યા છે.
ઉત્તરાયણ મકરસંક્રાંતિ પર્વનો આજે ગુજરાતમાં ભારે આનંદ અને ઉલ્લાસ પૂર્ણ ઉજવણી થઈ રહી છે. પતંગ રસિકો માટે બે દિવસ સારા પવનના વાવડ આનંદ આપનારા છે, ત્યારે અમદાવાદના કાલુપુર અને રાયપુર સહિતના પતંગ બજારમાં સોમવારની મોડી રાત સુધી પતંગ દોરી અને અન્ય વસ્તુઓ ખરીદવા ભારે ભડી જામી હતી.
ઉત્તરાયણના પર્વના સમયગાળામાં પતંગ-દોરીથી અનેક અબોલ પશુ- પક્ષીઓ ઘાયલ થતા હોય છે. સાથે જ, તહેવારને ધ્યાને લઇ ધર્મપ્રેમી લોકો પશુઓને ખાસ કરીને ગાયને ઘુઘરી, રજકો અને લીલુ ઘાસ વગેરે ખવડાવતાં હોય છે. જેના થકી ઘણીવાર પશુઓને આફરો અને પોઇઝનીંગ થતું હોય છે. આવા પશુ-પક્ષીઓને તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરીને યોગ્ય સારવાર પૂરી પાડી શકાય તે માટે વર્ષ ૨૦૧૫ થી દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા કરૂણા અભિયાન હાથ ધરવામાં આવે છે. ઘાયલ પક્ષી સારવાર કેન્દ્રોની માહિતી માટે વન વિભાગનો ૮૩૨૦૦૦૨૦૦૦ વોટ્સઅપ અને ૧૯૨૬ હેલ્પલાઈન તેમજ પશુપાલન વિભાગ દ્વારા પશુઓ માટે ૧૯૬૨ હેલ્પલાઈન નંબર સેવારત કરાયો છે.
ઉંધીયુ-જલેબી ઉપરાંત, બોર, શેરડી, ચીકી, તલના લાડુનો સ્વાદ પણ લોકો માણશે. અનેક સોસાયટી, એપાર્ટમેન્ટમાં સાંજે ‘ધાબા પાર્ટી’નું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સાંજ તુકુલ ચગાવવા સાથે આતશબાજી પણ થશે. આમ, આવતીકાલે સવારે ઉત્તરાયણ, સાંજે દિવાળી અને રાત્રે ધાબા- સોસાયટીમાં ગરબા થતાં નવરાત્રિ જેવો માહોલ જોવા મળશે.
અમદાવાદ એરપોર્ટ ખાતે ઉત્તરાયણ-વાસી ઉત્તરાયણ દરમિયાન કપાયેલા પતંગ અને દોરીથી ટેક્ ઓફ- લેન્ડિંગ વખતે અનેક વિમાનને પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. કપાયેલા પતંગ-દોરી ઘણી વખત વિમાનના વ્હિલમાં પણ ફસાઈ જાય છે. રન-વે પરથી પતંગ-દોરી હટાવવા ૧૦ સભ્યોની ખાસ ટીમ બનવાઈ છે. ગત વર્ષે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ દરમિયાન ૧૫ હજારથી વધુ પતંગને અમદાવાદ એરપોર્ટ રન-વેથી દૂર કરાયા હતા.
ઉત્તરાયણમાં ૩ વર્ષથી ૧ હજારથી વધુ પક્ષીનાં મૃત્યુ ઉત્તરાયણ દરમિયાન છેલ્લા ૩ વર્ષથી એક હજારથી વધુ પક્ષીના દોરી વાગવાથી મૃત્યુ થયા છે. છેલ્લા ૮ વર્ષમાં ૯૫ હજારથી વધુ પક્ષીને પતંગની દોરીથી ઈજા થઈ છે અને ૭૫૮૪ પક્ષીએ જીવ ગુમાવ્યો છે.