એક પણ નિયમનો ભંગ થશે એટલે ટૂર્નામેન્ટ-શ્રેણી, આઈપીએલ બધામાંથી કરાશે `આઉટ’
પગાર પણ નહીં ચૂકવાય સાથે સાથે કોન્ટ્રાક્ટથી પણ હાથ ધોવા પડશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ ટીમ ઈન્ડિયાના તાજેતરના પ્રદર્શન બાદ આકરી કાર્યવાહી શરૂ કરી દીધી છે. બોર્ડે તમામ ખેલાડીઓ માટે દસ સખત નિયમ બનાવ્યા છે. જો આ નિયમોનું પાલન કહીં કરાય તો ટૂર્નામેન્ટ, શ્રેણી અને આઈપીએલમાંથી બહાર કરી દેવાશે સાથે સાથે પગારનું ચૂકવણું અને કોન્ટ્રાક્ટ ઉપર પણ પૂર્ણવિરામ મુકાઈ જશે ! આ નિયમમાં સૌથી ખાસ વાત એ છે કે રોહિત હોય કે કોહલી કોઈ પણ શ્રેણી વચ્ચે જાહેરાત કરી શકશે નહીં.
હવેથી દરેક ખેલાડી માટે ઘરેલું ક્રિકેટ રમવું ફરજિયાત કરાયું છે. ખેલાડી કોઈ કારણવશ ઘરેલું ક્રિકેટ નથી રમતો તો તેની જાણકારી બોર્ડને આપવી પડશે સાથે સાથે પરવાનગી પણ ફરજિયાત રહેશે. ખેલાડીને ટીમ સાથે જ મુસાફરી કરવાની રહેશે મતલબ કે પરિવાર સાથે ટ્રાવેલિંગ કરી શકશે નહીં. આ નિયમનો ભંગ થશે તો આકરાં પગલાં લેવાશે. યાત્રા દરમિયાન કોઈ પણ ખેલાડી વધુ સામાન નહીં લઈ જઈ શકશે. લાંબો પ્રવાસ (૩૦ દિવસથી વધુ) હશે તો ખેલાડી પાંચ પીસ (ત્રણ સૂટકેસ+બે કિટબેગ) અથવા ૧૫૦ કિલો સુધીનો સામાન લઈ જઈ શકશે. સહાયક કર્મચારી ૨ પીસ (બે મોટી+એક નાની સૂટકેસ) અથવા ૮૦ કિલો સુધીનો સામાન જ સાથે રાખી શકશે. ૩૦ દિવસથી ઓછો પ્રવાસ હશે તો ખેલાડી બે સુટકેસ, બે કિટ બેક અથવા ૧૨૦ કિલોગ્રામ સુધી અને સહાયક કર્મચારી બે સુટકેસ અથવા ૬૦ કિલો ગ્રામ સુધીનો સામાન જ સાથે લઈ જઈ શકશે. ઘરેલું શ્રેણી માટે બે સુટકેસ+બે કિટબેગ અથવા ૧૨૦ કિલો સામાન ખેલાડી માટે અને સહાયક કર્મચારી માટે બે સૂટકેસ અથવા ૬૦ કિલો સુધીનો સામાન રાખવાની જ છૂટ અપાઈ છે.
આ ઉપરાંત દરેક ખેલાડીએ સેન્ટર ઑફ એક્સીલેન્સ-બેંગ્લુરુમાં સામાન અથવા વ્યક્તિગત વસ્તુ મોકલી હશે તો ટીમ મેનેજમેન્ટનો સંપર્ક કરવાનો રહેશે. ખાસ કરીને પર્સનલ સ્ટાફ જેમાં પર્સનલ મેનેજર, રસોયો, આસિસ્ટન્ટ અને સિક્યોરિટી કોઈ પણ પ્રવાસે ખેલાડી સાથે જઈ શકશે નહીં. દરેક ખેલાડીએ પ્રેક્ટિસ સેશન વખતે હાજર રહેવું પડશે. શ્રેણી પૂર્ણ થયા બાદ ઝડપથી ખેલાડીએ ઘર માટે રવાના થવા ઉપર પણ મનાઈ ફરમાવાઈ છે.