ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવનાર ફિલ્મ ‘પુષ્પા ૨: ધ રૂલ’ OTT પર ક્યારે આવશે તેની ચાહકો રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મને લઈને ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ છે, અને હવે આ ફિલ્મ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર પ્રીમિયર થવા જઈ રહી છે. આ ફિલ્મ વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે કે તે ૩૦ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે, જેમાં ફિલ્મનો રનટાઇમ ૩ કલાક ૪૪ મિનિટ હોવાનું કહેવાય છે. નેટફ્લિક્સે ફિલ્મના પ્રીમિયરની જાહેરાત કરી છે, પરંતુ આ ફિલ્મ ફક્ત તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડમાં જ પ્રીમિયર થઈ રહી છે. હિન્દી દર્શકોએ પુષ્પા ૨ ની રાહ જોવી પડશે.
નેટફ્લિક્સે તેના X એકાઉન્ટ પર અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મનું પોસ્ટર શેર કરતાં લખ્યું, પુષ્પાનું શાસન શરૂ થવાનું છે! નેટફ્લિક્સ પર ૨૩ મિનિટના વધારાના ફૂટેજ સાથે પુષ્પા ૨ – રીલોડેડ વર્ઝન જુઓ, ટૂંક સમયમાં તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડમાં આવી રહ્યું છે!
આ ફિલ્મમાં અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાન્ના અને ફહાદ ફાસિલ મુખ્ય ભૂમિકામાં છે અને તેનું દિગ્દર્શન સુકુમારે કર્યું છે. ‘પુષ્પા ૨’ એ પહેલાથી જ સિનેમાઘરોમાં ધૂમ મચાવી દીધી છે અને વિશ્વભરમાં ૧૭૦૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. આ આંકડો દરરોજ વધી રહ્યો છે. આ ફિલ્મ રિલીઝના ૫૦ દિવસ પછી પણ કરોડોની કમાણી કરી રહી છે.
નેટફ્લિક્સ પર ફિલ્મ રિલીઝ થવાની સાથે, તે હવે ડિજિટલ પ્લેટફોર્મ પર પણ દર્શકોના દિલ જીતવા માટે તૈયાર છે. ફિલ્મને થિયેટરોમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હોવાથી તેના OTT પ્રીમિયરને લઈને ઘણો ઉત્સાહ છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ‘પુષ્પા ૨’નો ડિજિટલ પ્રીમિયર કેટલો હિટ થાય છે અને શું આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર એટલો જ ધમાલ મચાવશે જેટલો તેણે થિયેટરોમાં કર્યો હતો.