ભારતની આસ્થાનું પ્રતીક મહાકુંભ મેળાનો આજે ૧૬ મો દિવસ છે. આવતીકાલે અમાસ નિમિત્તે ત્રીજું શાહી સ્નાન યોજાશે, જેમાં ભાગ લેવા લાખો શ્રદ્ધાળુ ઉમટી પડ્યા છે. સંગમથી ૨૦ કિમી સુધી ચક્કાજામ થયો છે. રસ્તાઓ, ગલીઓ માનવ મહેરામણથી ઉભરાઈ છે. શ્રદ્ધાળુઓ પોલીસ દ્વારા ઊભા કરવામાં આવેલા બેરિકેડિંગ તોડી પ્રવેશી રહ્યા છે.
શ્રદ્ધાળુઓની ભારે ભીડના કારણે લોકો પાર્કિંગ તથા છેક સ્ટેશનથી સંગમ સુધી પગપાળા આવવા મજબૂર બન્યા છે. પોલીસે ભીડને કાબૂમાં લેવા વિવિધ સ્થળોએ બેરિકેડ ઊભા કર્યા હતા. જો કે, ભીડ તેને તોડીને પ્રવેશ લઈ રહી છે. સંગમથી ૨૦ કિમી સુધીનો રસ્તો જામ થઈ ગયો છે.
અમાસના શાહી સ્નાન પહેલાં જ લાખોની સંખ્યામાં ઉમટી પડેલી ભીડમાં અવ્યવસ્થા અને અરાજકતા ન સર્જાય તે હેતુ સાથે કમિશ્નરે તમામ વિભાગોના અધિકારીઓની ઇમરજન્સી બેઠક બોલાવી હતી. ડીએમ, સીઆરપીએફ, આઇટીબીપી, પોલીસ, રેલવે પોલીસ વગેરે વિભાગોના અધિકારીઓને ચુસ્ત બંદોબસ્ત કરવા આદેશ અપાયો છે.