ઉત્તરાખંડ વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ધ્વનિમત સાથે પાસ થઈ ગયું હતું. ઉત્તરાખંડ યુસીસી લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે. ત્યારે હવે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થઈ શકે છે. આ અંગે રાજ્ય સરકાર આજે (ચોથી ફેબ્રુઆરી) જાહેરાત કરી શકે છે. રાજ્ય સરકાર UCCને લઇને પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક કમિટીની જાહેરાત કરશે.
યુનિફોર્મ સિવિલ કોર્ડ કાયદો શું છે?
કેન્દ્ર સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ દેશભરમાં લાગુ કરવાની પહેલ કરાઈ છે. આ કાયદામાં દેશના તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન અને એક સરખા કાયદા બનાવવાની હિમાયત કરાઈ છે. વિવિધ ધર્મના આધારે હાલના વિવિધ કાયદાઓ એક રીતે બિનઅસરકારક બની જાય છે. જો સરળ ભાષામાં કહેવામાં આવે તો આ કાયદાનો અર્થ એ છે કે દેશમાં તમામ ધર્મો અને સમુદાયો માટે કાયદો સમાન હશે, જે સંસદ દ્વારા નક્કી કરવામાં આવશે.
બંધારણની કલમ 44 હેઠળ યુનિફોર્મ સિવિલ કોડ આવે છે. જે જણાવે છે કે રાજ્ય સમગ્ર ભારતમાં નાગરિકો માટે યુનિફોર્મ સિવિલ કોડ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે. આ કલમ હેઠળ દેશમાં આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. આ પાછળનો તર્ક વસ્તીને નિયંત્રિત કરવાનો છે. બધા ધર્મ માટે લગ્ન, છૂટાછેડા, દત્તક અને મિલકતમાં બધા માટે એક જ નિયમ લાગુ કરવો. તેમજ પરસ્પર સંબંધો અને પરિવારના સભ્યોના અધિકારોમાં સમાનતા આપવી. આ ઉપરાંત વ્યક્તિની જાતિ, ધર્મ કે પરંપરાના આધારે નિયમોમાં કોઈ છૂટછાટ આપવી નહીં. તેમજ કોઈ ચોક્કસ ધર્મ માટે કોઈ અલગ નિયમ નહીં.