સુરતમાં વધતા જતા કોરોના કેસને લઈ વલસાડથી વેન્ટિલેટર સિસ્ટમ મશીન સુરત લઈ જવાનો વારો આવ્યો હતો. પરંતુ આ કામગીરીમાં સુરત મહાનગરપાલિકાની ગંભીરમાં ગંભીર બેદરકારી સામે આવી છે. તમામ વેન્ટીલેટર સિસ્ટમ કચરાના ટેમ્પોમાં લઇ જવાયા હતા. જોકે, સમગ્ર મામલે પૂછતા કર્મચારીઓએ જવાબ આપ્યો હતો કે, ઈમરજન્સી હોવથી લેવા આવ્યા છે. વલસાડની સિવિલ હોસ્પિટલમાંથી સુરતની મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં મશીનો લઈ જવાયા હતા.
શું તંત્રને વેન્ટિલેટર લઈ જવા માટે કચરાની ગાડી જ મળી?
સુરતમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. જેના કારણે તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી રહી છે. જોકે ઈમરજન્સીના સમયમાં સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. સુરતમાં કોરોના કેસ વધતા વલસાડથી વેન્ટિલેટર મંગાવવામાં આવ્યા હતા. જોકે સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી એ છે કે, કોરોનાના સારવાર માટે અત્યંત જરૂરી અને મહત્વની મશીનરી લેવા માટે કચરો ભરવાની ગાડીઓ મૂકવામાં આવી હતી. વલસાડની સિવિલ હોસ્પિટલમાંથી સુરત મહાનગરપાલિકાના કચરો ભરવાના ગાડીઓમાં વેન્ટિલેટરને સુરત લઈ જવામાં આવી રહ્યા હતા. સુરતની સ્મીમેર હોસ્પિટલ માટે વેન્ટિલેટરને લેવા માટે સુરત મહાનગર પાલિકા પાસે કોઈ યોગ્ય વાહન વ્યવસ્થા કે યોગ્ય સાધન મળ્યુ ન હતું. પરંતુ માત્ર કચરો ભરવાનું વાહન જ મળ્યું. કચરાની જેમ વેન્ટિલેટરને લઇ જવામાં આવ્યા હતા.
વલસાડ શહેરના રસ્તાઓ ઉપર સુરત મહાનગરપાલિકાના કચરો ભરવાના વાહનોમાં કોરોનાની સારવાર માટે અત્યંત મહત્વની મશીનરીઓને લઇ જવામાં આવી રહી હોવાના દ્રશ્યો જોતાં લોકો પણ ચકિત થઈ ગયા હતા. જોકે કચરાના વાહનોમાં સુરત મહાનગર પાલિકા દ્વારા આ મશીન લઈ જવા આવી ગયા હોવા અંગે જ્યારે આ વાહનોમાં સવાર વાહનચાલકો અને કર્મચારીઓને પૂછવામાં આવતા તેઓ સમગ્ર બાબતથી અજાણ હોવાનું અને ઇમરજન્સી હોવાથી આવા વાહનોમાં લઇ જવામાં આવી ગયા હોવાનો ગાણું ગાયું હતું.
જોકે આ સમગ્ર ઘટનામાં સુરત મહાનગરપાલિકાના સત્તાધીશોની ગંભીર બેદરકારી છતી થઇ રહી છે. આ ઘટનાને કારણે સમગ્ર મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. ત્યારે સુરતમાં કોરોના વધતા કેસની સાથે સુરત મહાનગરપાલિકાનું તંત્ર કોરોનાની સારવાર માટે કેટલું સતર્ક અને ચોકસાઈ રાખી રહ્યું છે તે મોટો સવાલ છે.