દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં આજે જાહેર થઇ રહ્યા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ૨૭ વર્ષે બમ્પર બહુમતી સાથે ભાજપે ઐતિહાસિક વાપસી કરી છે. એવામાં જોઈએ દિલ્હીમાં ભાજપની જીતના મોટા કારણો.
દિલ્હીમાં બીજેપીએ માઇક્રો મેનેજમેન્ટેથી કામ કર્યું છે. યુપી અને બિહારના મતદારોને રીઝવવાની ખાસ રણનીતિના ભાગરૂપે, પાર્ટીએ યુપી અને બિહારના ૧૦૦ થી વધુ સાંસદો અને ધારાસભ્યોને ૩૦ બેઠકોની જવાબદારી સોંપી હતી. અહીં પૂર્વાંચલીના દરેક મતદાતાની ઘરે ઘરે મુલાકાત લેવામાં આવી અને AAP સરકારની નિષ્ફળતા વિશે જણાવવામાં આવ્યું. બીજેપીના માઈક્રો મેનેજમેન્ટને કારણે જ પાર્ટીને ૨૭ વર્ષ બાદ મોટી જીત મળી છે.
દિલ્હીમાં AAP સરકારની નવી લિકર પોલિસી પણ પાર્ટીની હારનું મુખ્ય કારણ બની. ભાજપે દિલ્હીની લિકર પોલિસીમાં કૌભાંડને મોટો મુદ્દો બનાવ્યો. ભાજપે પ્રશ્ન કર્યો કે જે પાર્ટી ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઉભી હતી તેનું નેતૃત્ત્વ કેવી રીતે જેલમાં ગયું? મનીષ સિસોદિયા, અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ જેવા મોટા નેતાઓ લિકર પોલિસીના કારણે જેલમાં રહ્યા. ભાજપે ચૂંટણી પ્રચાર દરમિયાન આનો વારંવાર ઉલ્લેખ કર્યો હતો.
ભાજપ કોઈપણ ચૂંટણી તેની પૂરી તાકાતથી લડે છે. દિલ્હીની ચૂંટણી માટે ભાજપે તમામ ૭૦ વિધાનસભા બેઠકોની જવાબદારી સાંસદો અને ધારાસભ્યોને સોંપી હતી. આ સિવાય યુપી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, આસામ, ઉત્તરાખંડ, હરિયાણાના સીએમ પણ ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા હતા. કેન્દ્રીય નેતૃત્ત્વમાંથી પીએમ મોદી, અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથ સિંહે એક ડઝનથી વધુ બેઠકો કરી અને ભાજપની તરફેણમાં વાતાવરણ ઊભું કર્યું. જેનો ફાયદો આજે પાર્ટીને મળ્યો છે.