દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મળેલી ભવ્ય જીત બાદ પીએમ મોદી સહિતના ભાજપના દિગ્ગજોએ હર્ષ વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રી મોદીએ દિલ્હી વિધાનસભામાં ભાજપને મળેલી જીત પર ખુશી વ્યક્ત કરી હતી. ભાજપની જીત બાદ પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે લોકશક્તિ સર્વોપરી છે!’ વિકાસ જીત્યો, સુશાસન જીત્યું… ભાજપને ઐતિહાસિક જીત અપાવવા બદલ દિલ્હીના મારા બધા ભાઈઓ અને બહેનોને મારા સલામ અને અભિનંદન. દિલ્હીના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવા અને તેના લોકોનું જીવન વધુ સારું બનાવવા માટે અમે કોઈ કસર છોડીશું નહીં, આ અમારી ગેરંટી છે. દિલ્હી વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે. મને મારા બધા ભાજપ કાર્યકરો પર ખૂબ ગર્વ છે જેમણે આ પ્રચંડ જનાદેશ માટે દિવસ-રાત મહેનત કરી. હવે અમે દિલ્હીના લોકોની સેવા કરવા માટે વધુ મજબૂતીથી સમર્પિત રહીશું.
દિલ્હીના દિલમાં મોદી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું કે દિલ્હીના દિલમાં મોદી છે, ‘દિલ્હીમાં જુઠ્ઠાણાના શાસનનો અંત આવ્યો છે.’ આ અહંકાર અને અરાજકતાનો પરાજય છે. આ પ્રચંડ જનાદેશ માટે દિલ્હીના લોકોનો હૃદયપૂર્વક આભાર.
શું બોલ્યાં જેપી નડ્ડા
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન અને ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ લખ્યું, “આપ-દા દિલ્હી મુક્ત! આજે, દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય એ પીએમ મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ સેવા, સુશાસન, ગરીબોના કલ્યાણ, અંત્યોદય અને વિકાસલક્ષી નીતિઓ માટે લોકોના અતૂટ સમર્થનનો વિજય છે.
દિલ્હીમાં ભાજપને ૪૮ બેઠકો
દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામોમાં ભાજપને ૪૮ બેઠકો મળી છે. બહુમતીનો આંકડો ૩૬ છે. ભાજપ હવે પોતાના દમ પર સરકાર રચશે.