ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે ત્રીજી વન ડે મેચ રમાશે. ભારત પ્રથમ અને બીજી વન ડે મેચ જીતીને સીરિઝ જીતી ચૂક્યું છે. ત્રીજી વન ડે મેચને લઈ ટ્રાફિક ડાયવર્જન આપવામાં આવ્યું છે. બુધવારે જનપથ ટી થી મોદી સ્ટેડિયમ થઈ મોટેરા ગામ સુધીનો રોડ સવારે ૦૯:૦૦ વાગ્યાથી મેચ પૂરી ન થાય ત્યાં સુધી બંધ રહેસે. પોલીસ કમિશ્નરે બહાર પાડેલા જાહેરનામા અનુસાર, વાહન ચાલકો તપોવન સર્કલથી ઓએનજીસી ચાર રસ્તા થઈ વિસતથી વાયા જનપથ થઈ અવરજવર કરી શકશે.
આ ઉપરાંત કૃપા રેસિડેન્સીથી શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ અવર જવર કરી શકાશે. વાહન ચાલકોએ મેચ પૂરી થાય ત્યાં સુધી વૈકલ્પિક રૂટ અપનાવવાનો રહેશે.
તેમજ મેચને લઈ મેટ્રો પણ રાત્રે ૧૨:૦૦ વાગ્યા સુધી દોડાવવામાં આવશે. સામાન્ય પણે રાત્રે ૧૦:૦૦ સુધી જ મેટ્રો દોડતી હોય છે પરંતુ મેચ જોવા આવેલા પ્રેક્ષકોને અગવડતના ન પડે તેને લઈ ૨ કલાકનો સમય વધારવામાં આવ્યો છે. મોટેરાથી એપીએમસી અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ સુધી દર ૮ મિનિટે મેટ્રો મળશે. રાત્રે ૧૦:૦૦ પછી મોટરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનમાં પ્રવેશવા માટે માત્ર પેપર ટિકિટ લેવાની રહેશે. આ પેપર ટિકિટ નિરાંત ક્રોસ રોડ, એપરલ પાર્ક, સાબરમતી , કાલુપર, જૂની હાઇ કોર્ટ, થલતેજ, મોટેરા, રાણીપ, વાડજ અને જીવરાજ મેટ્રો સ્ટેશન પરથી એડવાન્સમાં ખરીદી શકાશે. લાઇનમાં ઉભા રહેવાથી મુક્તિ મળે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.