મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામમાં ડાયરાના કાર્યક્રમ પહેલા જ લોકગાયિકા માયાભાઈ આહીરની તબિયત અચાનક લથડી હતી. સોમવારે રાત્રે ડાયરો શરૂ થાય તે પહેલા જ માયાભાઈ આહીરને હાર્ટ અટેક આવ્યો હતો. જેને લઈને અમદાવાદની એપેક્ષ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે, હવે તેમની તબિયતમાં સુધારો આવ્યો છે. માયાભાઈની સારવાર કરી રહેલાં ડૉ. તેજસ પટેલે તેમની તબિયતને લઈને સત્તાવાર નિવેદન આપ્યું છે. તેજસ પટેલે જણાવ્યું કે, માયાભાઈની તબિયત હાલ સારી છે.
માયાભાઈની તબિયતને લઈને ડૉ. તેજસ પટેલ દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે. ડૉ. પટેલે જણાવ્યું કે, માયાભાઈ હોસ્પિટલ આવ્યા ત્યારે એકદમ ક્રિટિકલ હાર્ટ અટેકવાળી સ્થિતિ હતી. લગભગ રાતના ૧૨:૩૦, ૧ વાગતા અમે એન્જિયોપ્લાસ્ટી કરી સ્ટેન્ટ મૂક્યું અને જે બ્લોકેજ હતું તે ક્લિઅર થઈ ગયું છે. હવે તેમની સ્થિતિ ખૂબ જ સારી છે અને રિકવરી પણ આવી રહી છે.
આ સિવાય સારવાર બાદ માયાભાઈનો પણ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે કહી રહ્યા છે. ‘જય સિયારામ આપણે એકદમ રેડી છીએ, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.’
કડીના ઝુલાસણ ગામે મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પટેલ કુસુમબેન ભરતભાઈ ભક્તિભાઈ ડો.પરિવાર અનુપમ પ્રાથમિક શાળાનો ભવ્ય લોકાર્પણ-ઉદ્ઘાટન કાર્યક્રમ તેમજ દાતાઓનો સન્માન સમારોહ બુધવારે યોજાનાર છે. જે દરમિયાન રવિવારે અને સોમવારે ભવ્ય લોક ડાયરો તેમજ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં સોમવારે રાત્રિ દરમિયાન માયાભાઈ આહીર સહિતના કલાકારોની ઉપસ્થિતિમાં ભવ્ય લોક ડાયરાનુ આયોજન કરાયું હતું. માયાભાઈ આહીર સ્ટેજ ઉપર ચડતાની સાથે જ તેમની તબિયત લથડી હતી. તેમ છતાં ચાહકો માટે સ્તુતી ગાવાનો આગ્રહ રાખી તેઓએ સ્ટેજ ઉપરથી ડાયરો ચાલુ કર્યો હતો અને અચાનક જ છાતીમાં દુખાવો ઉપડતાં તેમને એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદની એપેક્ષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.