જો તમને લાગે છે કે તમને એકવાર કોરોના થઈ ચૂક્યો છે અને એ ફરી તમને નહીં થાય, તો તમે ભૂલ કરી રહ્યા છો. મેડિકલ રિસર્ચના ક્ષેત્રમાં ભારતની સર્વોચ્ચ સંસ્થા, એટલે કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)નો દાવો છે કે ભારતમાં કોરોનાવાયરસ રિઈન્ફેક્શનના 4.5 ટકા કેસ સામે આવ્યા છે, એટલે કે 100માંથી લગભગ 4.5 લોકો એવા છે જેઓ કોરોના પોઝિટિવ થઈને નેગેટિવ થયા અને પછી ફરીથી પોઝિટિવ થઈ ગયા.
અત્યારના સમયમાં ભારતમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને રવિવારે પ્રથમવાર દેશમાં એક દિવસમાં એક લાખથી વધુ કેસ સામે આવ્યા છે. એવામાં એ સમજવું અત્યંત જરૂરી છે કે કોરોનાવાયરસ ફરીવાર ઈન્ફેક્ટ કરી શકે છે કે નહીં.
આવો, સમજીએ કે રિઈન્ફેક્શન શું છે અને બીજીવાર કોરોનાવાયરસ કઈ રીતે તમને ઈન્ફેક્ટ કરી શકે છે?
કોરોના રિઈન્ફેક્શન શું છે?
- કોરોના રિઈન્ફેક્શન એટલે કે કોરોનાથી બીજી વખત ઈન્ફેક્ટ થવું. ICMR કહે છે કે જો કોઈ વ્યક્તિ કોરોના પોઝિટિવ થાય છે અને 102 દિવસમાં નેગેટિવ થઈને ફરી પોઝિટિવ થાય છે તો તેને રિઈન્ફેક્શન માનવામાં આવશે.
- વાસ્તવમાં, ICMRના વિજ્ઞાનીઓની ટીમે 1300 લોકોના કેસોની તપાસ કરી, જે બે વખત કોરોના પોઝિટિવ જોવા મળ્યા. રિસર્ચર્સને ખ્યાલ આવ્યો કે 1300માંથી 58 કેસ, એટલે કે 4.5ને રિઈન્ફેક્શન કહી શકાય છે. સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે SARS-CoV-2 રિઈન્ફેક્શનની પરિભાષા સર્વેલન્સ વધારવા માટે અત્યંત જરૂરી છે. આ સ્ટડી એપિડેમિયોલોજી એન્ડ ઈન્ફેક્શન જર્નલમાં પ્રકાશિત થવા માટે સ્વીકારી લેવાઈ છે.
- જોકે પબ્લિક હેલ્થ અને પોલિસી એક્સપર્ટ ડો. ચંદ્રકાંત લહારિયા કહે છે કે રિઈન્ફેક્શનને સમજવું અત્યંત જરૂરી છે. જ્યાં સુધી પોઝિટિવ કેસીસની જિનોમ સિક્વન્સિંગ ન થઈ જાય ત્યાં સુધી કોઈ દાવા સાથે ન કહી શકે કે કોરોના રિઈન્ફેક્શન થયું છે.
રિઈન્ફેક્શન નથી તો રિપોર્ટ પોઝિટિવ શા માટે આવે છે?
- મુંબઈની જસલોક હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં કન્સલ્ટન્ટ જનરલ મેડિસિન ડો. રોહન સિકોઈયા કહે છે કે કોરોનાવાયરસને કારણે રિઈન્ફેક્શન થઈ શકે છે કે નહીં, એને લઈને સાયન્ટિફિક કમ્યુનિટીમાં ચર્ચા ચાલી રહી છે. એ સ્પષ્ટ નથી કે કોરોના થવા પર શરીરમાં બનેલા એન્ટિબોડી હંમેશાં માટે રહેશે કે થોડા દિવસોમાં સમાપ્ત થઈ જશે. રિઈન્ફેક્શનના ખૂબ ઓછા જ કેસો સામે આવ્યા છે.
- તેમનું કહેવું છે કે કોરોના નેગેટિવ થયા પછી પણ ઘણીવાર વાયરસની થોડીઘણી માત્રા શરીરમાં રહી જાય છે. તેને પરસિસ્ટન્ટ વાયરસ શેડિંગ કહે છે. આ વાયરસ ખૂબ ઓછી માત્રામાં રહે છે, આ કારણથી ન તો તાવ આવે છે અને ન તો કોઈ લક્ષણ જોવા મળે છે. એવી વ્યક્તિ અન્યોને ઈન્ફેક્ટ પણ કરી શકતી નથી. તપાસમાં પોઝિટિવ નીકળી શકે છે. એવામાં જિનોમ એનેલિસિસ પછી જ કહી શકાય કે રિઈન્ફેક્શન થયું છે કે નહીં.
- ડો. સિકોઈયાના જણાવ્યા અનુસાર, જો બે પોઝિટિવ રિપોર્ટ્સ વચ્ચે એક નેગેટિવ રિપોર્ટ આવ્યો છે તોપણ આપણે તેને પ્રોવિઝિનલ કેસ ઓફ રિઈન્ફેક્શન કહી શકીએ છીએ. જ્યાં સુધી જિનોમ એનેલિસિસ ન થઈ જાય ત્યાં સુધી આપણે રિઈન્ફેક્શનને સમર્થન ન આપી શકીએ.
શું આ અગાઉ પણ રિઈન્ફેક્શનના કેસ સામે આવ્યા છે?
- હા, દુનિયાભરમાં રિઈન્ફેક્શનનો કેસ સૌથી પહેલા ઓગસ્ટ 2020માં હોંગકોંગમાં સામે આવ્યો હતો. 33 વર્ષીય વ્યક્તિ માર્ચ 2020માં કોરોનાથી ઈન્ફેક્ટ થઈ હતી. ઓગસ્ટમાં તે ફરીવાર કોરોના પોઝિટિવ થયો. આ દરમિયાન તે સ્પેન જઈને પરત આવ્યો હતો. ડો. સિકોઈયા કહે છે કે હોંગકોંગવાળા દર્દીના સેમ્પલનું જિનોમ એનેલિસિસ થયું હતું, જેનાથી રિઈન્ફેક્શનને સમર્થન મળ્યું હતું.
- એના પછી અમેરિકા, બેલ્જિયમ અને ચીનમાં પણ કોરોના રિઈન્ફેક્શનના અનેક કેસ સામે આવ્યા. એમાં જિનોમ એનેલિસિસ પણ થયું હતું. ઓગસ્ટ 2020માં ICMRએ ભારતમાં કોરોનાવાયરસથી ફરી સંક્રમણના 3 કેસો અંગે સમર્થન આપ્યું હતું.
કયાં કારણોસર થઈ શકે છે રિઈન્ફેક્શન?
- રિઈન્ફેક્શનની પાછળનું સૌથી મોટું કારણ કોરોનાવાયરસમાં થનારું મ્યૂટેશન છે. એના કારણે વાયરસ નવા નવા અંદાજમાં નવા અવતારમાં સામે આવી રહ્યો છે. એવામાં જો કોઈ વ્યક્તિ અગાઉ પોઝિટિવ થઈને નેગેટિવ થઈ હતી તે નવા સ્ટ્રેનથી ઈન્ફેક્ટ થઈ શકે છે. એની આશંકાનો ઈનકાર કરી ન શકાય.
- ભારત સરકાર અનુસાર, મહારાષ્ટ્રમાં ડબલ મ્યૂટન્ટ વાયરસ પણ મળ્યો હતો. વાયરસમાં બે જગ્યાએ મોટા ફેરફાર થયા. એ ઉપરાંત 18 રાજ્યોમાં વેરિએન્ટ્સ ઓફ કન્સર્ન (VOC) મળ્યા હતા, જે રિઈન્ફેક્ટનું કારણ બની શકે છે. હોંગકોંગમાં સામે આવેલા રિઈન્ફેક્શન કેસમાં પણ મ્યૂટેશન અને નવા સ્ટ્રેનને જવાબદાર ગણાવાયા હતા.
- ભોપાલમાં કોરોના કેસીસ પર કામ કરી રહેલા ડો. પૂનમ ચંદાણીના પ્રમાણે, કોરોનાવાયરસ વિરુદ્ધ શરીરમાં બનેલા એન્ટિબોડી કેટલા દિવસ સુધી રહેશે, તેને લઈને અલગ અલગ દાવા થયા છે. ઓસ્ટ્રેલિયા અને યુકેમાં જે સ્ટડી થયો છે એના પ્રમાણે, 8થી 10 મહિના સુધી એન્ટિબોડી શરીરમાં મળ્યા છે, પરંતુ એ વાતને સમર્થન મળ્યું નથી કે કોરોના રિઈન્ફેક્શન નહીં થાય.
- ડો. ચંદાનીના કહેવા પ્રમાણે, કોરોનાના દરેક નવા સ્ટ્રેનની સાથે લક્ષણ પણ બદલી રહ્યા છે. નવાં લક્ષણોમાં ઠંડી લાગવી, તાવ આવવો, આંખ લાલ થવી, શરીરમાં કળતર, માથું દુખવું અને ઊલટી કે ઝાડા જેવાં લક્ષણો સામેલ છે. આ તમામ લક્ષણો ફ્લૂનાં પણ હોય છે. એવામાં આ લક્ષણોને સામાન્ય ફ્લૂ માનીને અવગણી શકાય નહીં.
- વિશેષજ્ઞોએ એમ પણ કહે છે કે ICMRના અભ્યાસમાં ઓક્ટોબર-2020 સુધીનો જ ડેટા લેવામાં આવ્યો છે, પરંતુ ભારતમાં હજુ કોરોનાની બીજી લહેર વધી રહી છે. એવામાં આશંકા છે કે આ આંકડા વધી પણ શકે છે. અન્ય દેશોના અભ્યાસમાં કોરોનાથી ફરી સંક્રમિત થનારા લોકોનો દર 1 ટકા રહ્યો છે, પરંતુ ભારતમાં આ 4.5 % છે. આ પણ ચિંતાનો વિષય છે.
રિઈન્ફેક્શનથી કેવી રીતે બચી શકાય?
- કેન્દ્રની સાથે-સાથે રાજ્ય સરકારોનું જોર એ વાત પર છે કે સરકારો સાવધાની રાખે. કોવિડ-19 પ્રોટોકોલનું કડકાઈથી પાલન કરે. ક્રિશ્ચિયન મેડિકલ કોલેજના પ્રોફેસર અને દેશના જાણીતા સાયન્ટિસ્ટ ડો. ગગનદીપ કંગ કહે છે કે વાયરસની લહેર તો આવતી-જતી રહેશે, જ્યાં સુધી તમામને વેક્સિન લાગી નહીં જાય ત્યાં સુધી કેસ વધતા-ઘટતા રહેશે.
- તેમના કહેવા પ્રમાણે, લોકોએ સમજવું પડશે કે કોવિડ-19 જીવલેણ છે અને વાયરસ ખતમ થયો નથી. તેમણે સોશિયલ ડિસન્ટન્સિંગનું પાલન કરતા રહેવાનું છે. આ સાથે જ વારંવાર હાથ ધોવાના છે. સ્વચ્છતાનું ધ્યાન રાખવાનું છે અને ભીડવાળાં સ્થળોએ જવાનું ટાળવાનું છે.