ભાજપના ઉમેદવારે મચાવ્યો હોબાળો, ફરી મતદાનની કરી માગ.
આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. મતદાન EVM દ્વારા સવારે ૦૭:૦૦ વાગ્યાથી સાંજે ૦૬:૦૦ વાગ્યા સુધી થશે. ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ મત ગણતરી કરવામાં આવશે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ૨૧ ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થશે.
અમદાવાદ, ભાવનગર અને સુરત મહાનગરપાલિકાની ૩ બેઠકો પર આજે થઈ રહેલી પેટાચૂંટણી માટે ૧૭ ઉમેદવારો મેદાને છે. ૬૮ નગરપાલિકાની ૧૯૧૬ બેઠકોમાંથી ૧૯૦ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. નગરપાલિકાની પેટાચૂંટણીની ૨૧ બેઠકોમાંથી ૨ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જિલ્લા પંચાયતની ૯ બેઠકોની પેટાચૂંટણીમાંથી ૧ બેઠક બિનહરીફ જાહેર થઈ.
જસદણના વોર્ડ નં-૭માં રહેતા પોપટભાઈ છેલ્લા ૬ મહિનાથી ગંભીર બીમારીના કારણે પથારીવશ છે, આમ છતા તેમણે અપીલ કરતા પરિવારના લોકો તેમને ખાટલા પર લઈને મતદાન મથક પહોંચ્યા હતા.
ડોદરાના કરજણ નગરપાલિકાના વોર્ડ નંબર ૬નું EVM ખોટકાયું. EVMનું બટન ના દબાતું હોવાની ફરિયાદ ઉઠી હતી. ઉમેદવારે લેખિતમાં રજૂઆત કરી હતી. ભાજપના ઉમેદવાર જયેશ પટેલે હોબાળો મચાવ્યો હતો અને અધિકારીએ વાત ન સાંભળતા લેખિત રજૂઆત કરી હતી. ફરી મતદાનની માગ કરવામાં આવી છે.
જેતપુરમાં સ્થાનિક ચૂંટણીના મતદાનમાં અનોખા રંગ જામ્યો છે. લગ્નના માંડવે જતાં પહેલા દુલ્હને મતદાન કર્યું છે. જેતપુર વોર્ડ નંબર ૨માં દુલ્હન જોનસી રાદડિયાએ મતદાન કર્યું હતું. લગ્ન પહેલા મતાધિકારનો ઉપયોગ કર્યો અને લોકોને સંદેશો આપ્યો હતો
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં નિરસ મતદાન થયું છે. ૦૨:૦૦ વાગ્યા સુધીમાં ૨૫ % જ મતદાન થયું છે. અત્યારે મતદાન મથક ખાલી જોવા મળ્યા છે. સાંજે મતદાન કરવા લોકો નીકળે તેવી શક્યતા છે
અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમરસિંહ સોલંકીએ ચુંટણી આયોગમાં ફરિયાદ કરી. ભાજપના કાર્યકર્તા ઇવીએમના સેમ્પલ (રેપ્લિકા) લઈને વોર્ડમાં ફરી રહ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. મત આવી રીતે આપજો એવો વોર્ડમાં જઈને પ્રચાર કરી રહ્યા છે. ચૂંટણી પંચનો નિયમ છે વોર્ડમાં કોઈ પ્રચાર કરવો નહીં. સાણંદમાં ૨૪ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર લડી રહ્યા છે. નગરપાલિકામાં કોંગ્રેસની સતા આવવાનો દાવો કર્યો.
સાણંદ નગરપાલિકાના વોર્ડ નં-૪માં સૌથી વધુ ૪૧.૫૨ % મતદાન થયું, જયારે વોર્ડ નં-૬માં સૌથી ઓછું ૩૪.૧૬ % મતદાન થયું. સાણંદમાં ૧ વાગ્યા સુધીમાં સરેરાશ ૩૬ % મતદાન થયું.
જેતપુર નગરપાલિકાની વોર્ડ નંબર-૮માં ચભાડીયા સ્કૂલ મતદાન કેન્દ્રમાં મતદાનમાં ગેરરીતિના આક્ષેપોને લઈને બબાલ થઈ હોવાનું સામે આવ્યું છે. મતદાન મથકમાં ચોક્કસ ઉમેદવારની સામે બટન દબાવવાનું કહેવામાં આવતું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અપક્ષ ઉમેદવાર રીનાબેન દવે અને પોલિંગ એજન્ટે મતદાન બુથમાં ગોલમાલ ચાલતી હોવાના આક્ષેપો કર્યા છે. મતદાન મથકમાં ગેરરીતિની તંત્ર અને પોલીસને રજુઆત કરાઈ છે. મતદાન મથક ઉપર મામલો બિચકે એ પહેલા જ પોલીસે લોકોના ટોળા વિખેર્યા.
બોટાદના ગઢડા નગરપાલિકાની ચૂંટણીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ મતદાન કર્યું. ગોપીનાથજી મંદિરના ચેરમેન હરીજીવન દાસજી સ્વામી સહિત સંતોએ મતદાન કર્યું. વોર્ડ નંબર ૫ મા તાલુકા શાળા બુથ પર મતદાન કર્યું. સાથે જ હરીજીવન સ્વામીએ ફરજિયાત મતદાન કરવા અપીલ કરી.
કચ્છના રાપર નગરપાલિકાની ચૂંટણીમાં બોગસ મતદાનનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. આ અંગે પૂર્વ ધારાસભ્ય સંતોકબેન અરઠીયાએ મુખ્ય ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરી. રાપર નગરપાલિકાના વોર્ડ નંબર ૪ ના ત્રણ મતદાન મથકો ઉપર બોગસ વોટિંગની ફરિયાદ સામે આવી છે. સીસીટીવી વિનાના મતદાન મથક પર બોગસ મતદાન થતું હોવાની ફરિયાદ કરવામાં આવી છે.
મહીસાગરના લુણાવાડાના વોર્ડ નંબર ૪ માં એક ઉમેદવારનું વોટર આઈડી બે જગ્યા હોવાને લઈ વિરોધ ઉભો થયો. ભાજપ ઉમેદવારના પ્રતિનિધિ દ્વારા લેખિતમાં વોર્ડ ૪ ના બુથના પ્રિસેડિંગ ઓફિસર રજૂઆત કરવામાં આવી. સ્થાનિકના નામ બંને જગ્યાએ યાદીમાં હોવાને લઈ લેખિત રજૂઆત કરી. એક જ વ્યક્તિનું નામ નગરપાલિકામાં પણ છે અને અન્ય ગામમાં પણ હોવાને લઈ રજૂઆત કરાઈ. આ બાબતને લઈ બોગસ મતદાન થતું હોવાની આશંકાને લઈ ઉમેદવારના પ્રતિનિધિ દ્વારા રજૂઆત કરાઈ. પ્રિસાઇડિંગ અધિકારીને પૂછતા તેઓએ કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું અને તમે કેમ અંદર આવ્યા છો તેમ પૂછ્યું હતું. કોંગ્રેસ ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણને આ બાબતે પૂછતા તેઓએ હું કંઈ જાણતો નહીં તેવી પ્રતિક્રિયા આપી.
ગાંધીનગરની માણસા નગરપાલિકાના વોર્ડ નંબર ૧ ના EVMમાં ખામી સર્જાઈ. વોર્ડ નંબર-૧ ના ચાર નંબરના ઉમેદવારના બટનને લઈ ખામી સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. ત્રણ વાર બટન દબાવવા છતાં મતદાન થઈ રહ્યું નથી. ચોથા નંબરના ઉમેદવારને મતદાન ના કરી શકતા મતદાન રોકવામાં આવ્યું. ટેકનિશિયને EVM ને ચકાસવાનું શરૂ કર્યું.
કન્યા શાળા મતદાન મથકે ઇવીએમ મશીન ટેકનિકલ ખામી સર્જાઈ. ૧૧ નંબરનું બટન ન ચાલતું હોવાની મતદારોએ ફરિયાદ કરી. આ અંગે ભાજપ-કોંગ્રેસ દ્વારા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરાઈ. સવારે ૦૭:૦૦ વાગ્યાથી મશીનમાં ખામી હોવાનો ભાજપ ઉમેદવારે આક્ષેપ લગાવ્યો છે. તો અધિકારીઓ દ્વારા ઇવીએમ મશીન બદલવામાં મોડું કર્યું હોવાનું આક્ષેપ લગાવવામાં આવ્યો. ભાજપ-કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. ચૂંટણી અધિકારી દ્વારા મશીન બદલી આપવામાં આવ્યું. ભાજપે ફેર મતદાનની માંગ કરી.
ગઢડા નગરપાલિકાની ચૂંટણીમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો. ગઢડામાં ૧૦૧ અને ૧૦૨ વર્ષના વૃધ્ધાએ ઉત્સાહભેર મતદાન કર્યું. ગઢડામાં ૧૦૧ વર્ષના રામબેન તળશીભાઇ ઝાલાએ મતદાન કર્યું. ૧૦૨ વર્ષના પાચુબેન ઓળકીયાએ પણ ઉત્સાહ ભેર મતદાન કર્યું. બંને વૃધ્ધાઓને ગઢડા પીએસઆઈ પંડ્યા અને પોલીસ કર્મચારીઓએ વ્હીલચેરમાં બેસાડી મતદાન કર્યું.
ઘાટલોડિયા પેટાચૂંટણીમાં નીરસ મતદાન જોવા મળી રહ્યું છે. મતદાન મથકો પર પાંખી સંખ્યામાં મતદારો મતદાન કરી રહ્યા છે. લગ્ન સીઝનને કારણે મતદાનમાં નીરસતા દેખાઈ રહી છે. મતદાન કરવા આવતા મતદારોએ લોકોને મતદાન કરવા અપીલ કરી કે મતદાનનો અધિકાર નાગરિકોએ અદા કરવો જોઈએ. એક મતદાતાએ કહ્યું કે પ્રાથમિક સુવિધાઓ જીવતી હોય તો સારો નેતા ચૂંટવા મતદાન કરવું જરૂરી છે. સીનીયર સીટીઝન પણ મતદાન કરવા પહોંચ્યા.
