અમદાવાદીઓને RT-PCR ટેસ્ટની જરૂર નહીં, માત્ર આધારકાર્ડથી પ્રવેશ મળશે

અમદાવાદ સહિત ગુજરાતભરમાં કોરોના મહામારી વકરી રહી છે, ત્યારે લોકલ સંક્રમણને અટકાવવા અને નિયંત્રણ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના વેક્સિનેશન, માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર, મોટે પાયે ટેસ્ટિંગ તેમજ સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. આ સ્થિતિ વચ્ચે AMC દ્વારા અમદાવાદીઓને એક રાહત આપવામાં આવી છે, જેમાં હવે કોઈપણ અમદાવાદ નાગરિક અન્ય રાજ્યમાં જાય અને ત્યાંથી પરત ફરે તો તેને ફરજિયાત RT-PCR ટેસ્ટ કરાવવાની જરૂર નથી. નાગરિકે માત્ર અમદાવાદી હોવાનું આઇડી-પ્રૂફ એટલે કે આધારકાર્ડ બતાવી શહેરમાં પ્રવેશ મેળવી શકે છે.

હાલમાં ગુજરાત રાજ્યોમાંથી અન્ય રાજ્યોમાં જતા અથવા અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં આવતા પ્રવાસીઓએ ફરજિયાત RT-PCR ટેસ્ટ કરાવવો પડે છે તેમજ જો રિપોર્ટ નેગેટિવ આવે તો જ તેને ગુજરાતમાં પ્રવેશ મળે છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સરકાર સાથે ચર્ચા કરીને એક નવો નિર્ણય લીધો છે, જેમાં અમદાવાદના રહેવાસીને હવે અન્ય રાજ્યોમાંથી પરત આવીને RT-PCR ટેસ્ટ કરાવવાની જરૂર નહીં પડે. તે આધારકાર્ડ તેમજ અન્ય અમદાવાદનો નાગરિક છે એનું પ્રૂફ બતાવીને શહેરમાં પ્રવેશ કરી શકે છે. આ નિયમ 6 એપ્રિલ એટલે કે આજથી અમલમાં લેવાયો છે.

અમદાવાદનો નાગરિક આઈડી-પ્રૂફ બતાવશે તો RT-PCR રિપોર્ટ નહીં માગે
અમદાવાદીઓને અન્ય રાજ્યમાં ગયા પછી એર, ટ્રેન કે રોડથી અમદાવાદ આવતી વખતે RT-PCR રિપોર્ટની જરૂર નહીં પડે. 6 એપ્રિલથી અન્ય રાજ્યમાંથી આવતા અમદાવાદીઓને આઈડી-પ્રૂફ બતાવતાં RT-PCR રિપોર્ટ માગવામાં નહીં આવે. અમદાવાદ સિવાયના લોકો માટે રાજ્ય સરકારના નિયમ પ્રમાણે ફરજિયાત RT-PCR રિપોર્ટ જોઈશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *