જયશંકર સાથેની બેઠકમાં કહ્યું- ભારતને નહીં થવા દઈએ કોઈ ખતરો.
બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી વચગાળાની સરકારના વિદેશી મામલાઓના સલાહકાર તૌહીદ હુસૈને ભારત સાથેના તણાવપૂર્ણ સંબંધો અને પાકિસ્તાનને લઈને મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. સાથે તેમણે બાંગ્લાદેશમાં લઘુમતીઓ સામે થઇ રહેલી હિંસાનો પણ જવાબ આપ્યો છે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે શેખ હસીનાની સરકારનું પતન થયા પછી બાંગ્લાદેશમાં થયેલી રાજકીય ઉથલપાથલ અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ‘ઢાકા તરફથી કોઈ એવું પગલું નહી ભરવામાં આવે જે ભારત વિરુદ્ધ હોય.’ આ દરમિયાન ઓમાનમાં ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકર અને તૌહીદ હુસૈન વચ્ચે મુલકાત થઇ હતી.
તૌહીદ હુસૈને ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકર સાથેની મુલાકાતને લઈને જણાવ્યું હતું કે, ‘બંને દેશો વચ્ચે સારા સંબંધો હોવા જરૂરી છે. જયશંકર સાથે મારી મુલાકાત સારી રહી હતી. બંને દેશો વચ્ચે વેપાર વધી રહ્યો છે. મને લાગે છે કે બાંગ્લાદેશ અને ભારત વચ્ચે પરસ્પર લાભદાયક સંબંધોની જરૂર છે. અમે આ અંગે સતત કામ કરી રહ્યા છીએ.’
