ભાજપ સૌથી અમીર પક્ષ, ગયા વર્ષે ૪,૩૪૦ કરોડ રુપિયાની કમાણી.
નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ભાજપને સૌથી વધુ ૪૩૪૦.૪૭ કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હતું, જે સાથે જ ફંડ મેળવનારા રાજકીય પક્ષોમાં ભાજપ ટોચના સ્થાને છે. એડીઆર દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં આ માહિતી સામે આવી હતી. ભાજપે પોતાને વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ૪૩૪૦.૪૭ કરોડ રૂપિયા મળ્યાની જાહેરાત કરી હતી. જેમાંથી માત્ર ૫૦ % જ ખર્ચ કરવામાં આવ્યો હોવાની સ્પષ્ટતા પણ કરી હતી.
એડીઆરએ જણાવ્યું હતું કે ભાજપે મળેલા કુલ ફંડના ૫૦ % એટલે કે આશરે ૨૨૧૧.૫૯ કરોડ રૂપિયા ખર્ચ નથી કર્યો. જ્યારે કોંગ્રેસને ગત નાણાકીય વર્ષ દરમિયાન ૧૨૨૫.૧૨ કરોડ રૂપિયા દાન તરીકે મળ્યા હતા જેની સામે ૧૦૨૫ કરોડ રૂપિયા ખર્ચ કર્યો હતો જે કુલ આવકના ૮૩ % છે. તમામ પક્ષોને સૌથી વધુ ફંડ ઇલેક્ટોરલ બોન્ડથી મળ્યું છે. ઇલેક્ટોરલ બોન્ડથી ભાજપને સૌથી વધુ ૧૬૮૫.૬૩ કરોડ, કોંગ્રેસને ૮૨૫.૩૬ કરોડ, આમ આદમી પાર્ટીને ૧૦.૧૫ કરોડ રૂપિયા મળ્યા હતા. આ ત્રણેય પક્ષોને કુલ ૨૫૨૪ કરોડ રૂપિયા એટલે કે આશરે ૪૩ % રકમ ઇલેક્ટોરલ બોન્ડથી મળી હતી.
સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે મે મહિનામાં ઇલેક્ટોરલ બોન્ડ રદ કર્યા હતા, એક આરટીઆઇમાં એડીઆરને બેન્કે જવાબ આપ્યો હતો કે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન વિવિધ રાજકીય પક્ષોએ તેમને ઇલેક્ટોરલ બોન્ડથી મળેલા રૂ. ૪૫૦૭ કરોડ વટાવી લીધા છે. જેમાં રાષ્ટ્રીય પક્ષોની રકમ ૨૫૨૪.૧૩ કરોડ રૂપિયા એટલે કે ૫૫.૯૯ % છે. કોંગ્રેસે સૌથી વધુ ચૂંટણી સાથે સંકળાયેલો આશરે ૬૧૯ કરોડનો ખર્ચ કર્યો હતો, જ્યારે ૩૪૦ કરોડ વહીવટી અને સામાન્ય ખર્ચનો સમાવેશ થાય છે. સીપીઆઇએમએ ૫૬ કરોડ વહીવટી ખર્ચ કર્યો હતો, જ્યારે ૪૭ કરોડ કર્મચારીઓ પાછળ ખર્ચ થયો હતો.