ગુજરાતમાં કોરોનાના કેસોમાં અનહદ વધારો થયો છે. ત્યારે હાઈકોર્ટે સરકારને નિર્દેષ કર્યો છે કે કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી છે. કોરોના સંક્રમણની ચેઇનને તોડવી જરૂરી છે. રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કર્ફ્યૂ લાદવા અને વીકએન્ડ કર્ફ્યૂ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે.જેને લઈને સરકાર દ્વારા લોકડાઉન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદીઓ લોકડાઉન નું નામ સાંભળતા શહેરના બજારો અને મોલમાં ખરીદી માટે ઉમટી પડ્યા છે.લોકોએ લોકડાઉનની અફવાઓ અને ખોટી ચર્ચાઓથી ભરમાવાની તેમજ અધીરા બનવાની જરૂર નથી. સોશિયલ મીડિયા પર કે વોટ્સએપ પર ફરતા કોઈ મેસેજ પર ભરોસો ના કરો. ત્યારે વિશ્વ સમાચાર લોકોને અપીલ કરે છે કે અધીરા બનવાની કોઈ જરૂર નથી.
ભીડ થવાથી કોરોના વધુ ફેલાશે
હાલમાં રાજ્યમાં કોરોનાનું સંક્રમણ હદ બહાર વધી રહ્યું છે. ત્યારે ખોટી અફવાઓ અને ચર્ચાઓથી ગભરાઈને લોકોએ ભીડ ના કરવી જોઈએ. લોકડાઉનના ડરને કારણે થતી ભીડ વધુ ભારે પડી શકે છે. લોકોએ અફવાઓથી ગેરમાર્ગે દોરાવું ના જોઈએ. કોઈપણ પ્રકારનો ડર રાખવો ના જોઈએ. જો મોલ અને માર્કેટમાં ભીડ ભેગી થશે તો કોરોના વધુ વકરશે અને સ્થિતિ વધારે પ્રમાણમાં વણસી જશે. લોકોએ કોઈપણ ચર્ચાઓથી અધીરા બનવાની જરૂર નથી. સોશિયલ મીડિયા પર આવેલી કોઈપણ વાતને સાચી માનશો નહીં.
લોકડાઉનની અફવાઓએ જોર પકડ્યું
કોરોનાના કેસો વધતાં ફરી લોકડાઉન લાગશે એવા ડરને કારણે શહેરીજનો જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા ભર બપોરે બજાર અને મોલમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.લોકોમાં લોકડાઉનને લઈને ડર છે. જેને પગલે શહેરના મોલ અને બજારમાં ખરીદી માટે લાઇનો લાગી છે. શાક માર્કેટમાં પણ લોકો શાકની એક સાથે વધુ પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે. મોટા પ્રમાણમાં ભીડ એકઠી થતા માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા પણ ઉડતા જોવા મળી રહ્યા છે. ત્યારે પહેલાથી જ રાજ્યમાં દૈનિક 3 હજારની આસપાસ નવા કેસ નોંધાય છે, તો જો આજ રીતે ભીડ એકઠી થશે તો સંક્રમણનું પ્રમાણ બમણું થઈ શકે છે.