આજથી વિધાનસભાનુ બજેટસત્ર થશે શરૂ

રાજ્યપાલના પ્રવચન સાથે થશે સત્રની શરૂઆત, ૨૦ મીએ નાણામંત્રી બજેટ કરશે રજૂ.

 

  • રાજ્યપાલના પ્રવચન સાથે થશે સત્રની શરૂઆત
  • બજેટમાં જંત્રીમાં રાહતની જાહેરાત થવાની સંભાવના
  • ખ્યાતિ હોસ્પિટલ, અમરેલી લેટર પ્રકરણ સહિતના મુદ્દે વિપક્ષ સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે

 

ગુજરાત વિધાનસભાનુ બજેટ બુધવારથી શરુ થઇ રહ્યું છે અને પ્રથમ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના ભાષણ ઉપરાંત કેટલાક સરકારી ખરડાઓ રજૂ થશે. આ પછી તા. ૨૦ને ગુરુવારે નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજુ કરશે. આ સત્ર તારીખ ૧૯ મી ફેબ્રુઆરીથી ૨૮ માર્ચ ૨૦૨૫ સુધી ચાલશે.

આ વખતે બજેટમાં નાણામંત્રી જંત્રીના દરમાં રાહતની જાહેરાત કરે તેવી સંભાવના છે. આ સિવાય અન્ય વિકાસકાર્યો માટે જંગી નાણાની ફાળવણી કરવામાં આવશે.

આ બજેટ સત્ર દરમિયાન ભાજપ સરકારને ભીંસમાં લેવા માટે વિરોધપક્ષે આયોજન કર્યું છે અને ખ્યાતી હોસ્પિટલ તથા અમરેલી લેટર પ્રકરણ તથા પોલીસ દ્વારા કાઢવામાં આવતા વરઘોડા સહિતના મુદ્દા ઉપસ્થિત કરવામાં આવશે. બીજી બાજુ દિલ્હીના પરિણામ અને ત્યાર બાદ સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીમાં ભાજપને મળેલા ભવ્ય વિજયને લીધે ભાજપ જોશમાં છે અને વિરોધ પક્ષનો બરાબર સામનો કરશે.

આ સત્ર દરમિયાન ૨૦મી ફેબ્રુઆરીએ બજેટ રજૂ થશે. જેમાં વર્ષ- ૨૦૦૯-૨૦૧૦ અને ૨૦૧૦-૨૦૧૧ના વર્ષ માટેના વધારાના ખર્ચના પત્રકોની રજૂઆત, વર્ષ ૨૦૨૪-૨૦૨૫ના વર્ષ માટેના ખર્ચના પૂરક પત્રકની રજૂઆત અને વર્ષ ૨૦૨૫-૨૦૨૬ના વર્ષ માટેના અંદાજપત્રની રજૂઆત કરવામાં આવશે. આ ઉપરાંત, અંદાજપત્ર – બજેટ પર ચર્ચા, સરકારી સંકલ્પો, માંગણીઓ પર ચર્ચાઓ અને સરકારી- બિન સરકારી વિધેયકો પણ રજૂ કરવામાં આવશે.

આ સત્રને ધ્યાનમાં રાખીને ગાંધીનગર પોલીસ દ્વારા સત્ર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સઘન સલામતી વ્યવસ્થા ગોઠવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગાંધીનગર પોલીસ ઉપરાંત આસપાસના જિલ્લાઓના પોલીસ જવાનો તેમજ એસઆરપી જવાનોને ફરજ સોંપવામાં આવી છે.

ભૂતપૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ વૈકલ્પિક બજેટ આપ્યુ

રાજ્યનું જાહેર દેવું વધી ગયું છે અને વિભાગોને નાણાની અયોગ્ય ફાળવણી થતી હોવાનો આરોપ

ગુજરાતનું જાહેર દેવું વધી ગયું છે અને બજેટમાં નાણાની ફાળવણી અસામાન રીતે થાય છે તેવો આરોપ મુકીને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ રાજ્યનું વૈકલ્પિક બજેટ રજૂ કર્યું છે.

સુરેશ મહેતાએ દાવો કર્યો હતો કે રાજ્યનું બજેટ વર્ષોથી વાસ્તવિકતાથી દૂર જઈ રહ્યું છે અને રાજ્યની નાણાકીય સ્થિતિ ધીમે ધીમે બગડતી જણાય છે. તેમણે કહ્યું કે વૈકલ્પિક બજેટ નિષ્ણાતોની મદદથી તૈયાર કરવામાં આવ્યું છે અને જાન્યુઆરીમાં મુખ્યમંત્રીને સુપરત કરવામાં આવ્યું છે.

તેમણે પત્રકારોને કહ્યું હતું કે, અમે રજૂ કરેલા વૈકલ્પિક બજેટમાં ૧૩ વિભાગોમાંથી છ વિભાગો – આબોહવા પરિવર્તન, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, રસ્તાઓ અને ઇમારતો, શહેરી વિકાસ, ઉદ્યોગો અને ખાણો અને નાણાં – ને અંદાજિત ૨૦૨૫-૨૬ ના બજેટ ફાળવણીમાં ઘટાડો કરવાનો પ્રસ્તાવ છે.

તે જ સમયે, તે મહિલા અને બાળ કલ્યાણ, વન અને પર્યાવરણ, શ્રમ અને રોજગાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, કૃષિ, શિક્ષણ અને પંચાયત અને ગ્રામીણ ગૃહનિર્માણ વિભાગોને અંદાજિત ફાળવણીમાં વધારો કરવાનો પ્રસ્તાવ મૂકે છે.

તેમણે કહ્યું કે અમારા બજેટથી શ્રીમંત ઉદ્યોગપતિઓ માટે લાલ જાજમ બિછાવવાની સરકારની નીતિ પર નિયંત્રણ લાવશે ઉપરાંત જાહેર દેવા, આઉટસોર્સિંગ પ્રથાઓ, ભ્રષ્ટાચાર અને જાહેર સાહસોના સ્પષ્ટ દુરુપયોગમાં વધારો કરવાની માનસિકતાને રોકવામાં મદદ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *