રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રૉફી ૨૦૨૫ માં જીત સાથે ધમાકેદાર અંદાજમાં શરૂઆત કરી છે. ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં પોતાનો પહેલો મુકાબલો ગુરૂવારે (૨૦ ફેબ્રુઆરી) બાંગ્લાદેશ વિરૂદ્ધ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમ્યો હતો. જે મેચમાં ભારતીય ટીમની ૬ વિકેટથી જીત થઈ છે.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ નો બીજો મુકાબલો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયો હતો. જેમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. જેમાં તે ૪૯.૪ ઓવરમાં ૨૨૮ રન બનાવી શકી હતી. ટીમ ઈન્ડિયાના ધુઆંધાર બોલર મોહમ્મદ શામીની આક્રમક બોલિંગે બેટર્સને રન લેતાં હંફાવ્યા હતા. ટીમ ઈન્ડિયાને ૨૨૯ રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમે ૪૬.૩ ઓવરમાં ૪ વિકેટના નુકસાન પર ૨૩૧ રન બનાવીને જીત મેળવી છે. જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયાના મોહમ્મદ શામીએ ૧૦ ઓવરમાં ૫ વિકેટ, હર્ષિત રાણાએ ૭.૪ ઓવરમાં ૩ અને અક્ષર પટેલે ૯ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી.
ટીમ ઈન્ડિયાના યુવા સ્ટાર શુભમન ગિલ ફરી એક વાર ભારત માટે શુભ બન્યો હતો. ગિલે સદી ફટકારતાં ભારતની જીત આસાન બની હતી. ગિલે ૧૨૫ બોલમાં સદી ફટકારતાં ભારતની જીત આસાન બની હતી. બીજા ક્રમે બેટિંગ માટે આવેલા ગિલે કેએલ રાહુલ સાથે ધીમી રમત જાળવી રાખીને ૧૨૯ બોલમાં ૧૦૧ રન કરીને અણનમ રહ્યો હતો.
ગિલને સાથ આપવામાં કેએલ રાહુલ પણ પાછળ રહ્યો નહોતો. તેણે પણ ગિલ સાથે ધીમી રમત જાળવી રાખીને ૪૧ રનનું યોગદાન આપ્યું હતું.
કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે મળીને ૯.૫ ઓવરમાં ૬૯ રનની ભાગીદારી કરી હતી. રોહિતે ૩૬ બોલમાં ૪૧ રન બનાવ્યા, જેમાં સાત ચોગ્ગાનો સમાવેશ થાય છે. વિરાટ કોહલી અને શુભમન ગિલ વચ્ચે બીજી વિકેટ માટે ૪૩ રનની ભાગીદારી થઈ હતી. શ્રેયસ ઐયર પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા હતી, પરંતુ તે ૧૫ રન બનાવીને મુસ્તફિઝુર રહેમાનનો શિકાર બન્યો હતો.
મેચમાં બાંગ્લાદેશની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પહેલી જ ઓવરમાં મોહમ્મદ શમીએ સૌમ્ય સરકાર (૦) ને વિકેટકીપર કેએલ રાહુલના હાથે કેચ કરાવ્યો હતો. રબાદ બીજી ઓવરમાં હર્ષિત રાણાએ કેપ્ટન નઝમુલ હુસૈન શાંતો (૦) ને વિરાટ કોહલીના હાથે કેચ આઉટ કરાવ્યો. શાંતોના આઉટ થયા સમયે સ્કોર ૨ વિકેટે ૨ રન હતો. સાતમી ઓવરમાં, શમીએ મેહદી હસન મિરાઝ (૫) ને આઉટ કરીને ભારતને ત્રીજી સફળતા અપાવી. શુભમન ગિલે મેહદીનો કેચ પકડ્યો હતો. આ પછી, અક્ષર પટેલે 9મી ઓવરમાં બે વિકેટ લઈને બાંગ્લાદેશની હાલત વધુ ખરાબ કરી દીધી. અક્ષરે તિન્જીદ હસન (૨૫) ને આઉટ કર્યો હતો, જે ક્રીઝ પર સારી રીતે સેટ હતો. ત્યારબાદ તેણે બીજા બોલ પર મુશફિકુર રહીમ (૦) ને આઉટ કર્યો. રે બાંગ્લાદેશનો સ્કોર ૫ વિકેટે ૩૫ રન હતો. અક્ષર પાસે હેટ્રિક લેવાની તક હતી પરંતુ રોહિત શર્માએ એક સરળ કેચ છોડી દીધો. ઝાકર અલીએ આ રાહતનો ફાયદો ઉઠાવ્યો હતો અને તૌહીદ હૃદોય સાથે મળીને છઠ્ઠી વિકેટ માટે ૧૫૪ રનની ભાગીદારી નોંધાવી. ઝાકર અલીએ ૮૭ બોલમાં તો તૌહીદ હૃદયોયે ૮૫ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આ ભાગીદારીનો અંત મોહમ્મદ શમીએ કર્યો, જેણે જેકરને વિરાટ કોહલીના હાથે કેચ કરાવ્યો. જેકરે ૧૧૪ બોલમાં ૪ ચોગ્ગાની મદદથી ૬૮ રન બનાવ્યા હતા. જેકરને આઉટ કરીને, મોહમ્મદ શમીએ ODI આંતરરાષ્ટ્રીયમાં પોતાની ૨૦૦ વિકેટ પણ પૂર્ણ કરી.
મેચમાં કેપ્ટન રોહિત શર્માનો એક મોટો છબરડો સામે આવ્યો હતો.બાંગ્લાદેશી બેટર જેકર અલીનો સાવ ઈઝી કેચ છોડી મૂકતાં રોહિત શર્મા ખૂબ દુખી થયો હતો અને તેણે બોલર અક્ષર પટેલની માફી માગી હતી. રોહિતે સાવ ઈઝી કેચ છોડી મૂકતાં અક્ષર પટેલ હેટ્રિક લેતાં ચૂક્યો હતો. અક્ષર બે વિકેટ લઈ ચૂક્યો હતો પરંતુ રોહિતના છબરડાને કારણે તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં મોટો ઈતિહાસ રચવામાંથી ચૂક્યો હતો. કેચ સાવ ઈઝી હતો પરંતુ રોહિતથી તે ન થયો અને નીચે પડી જતાં, રોહિતને ખૂબ દુખ થયું અને તેણે મેદાનમાં ૩-૪ વાર હાથ પટક્યો હતો. રોહિતને કેચ છોડ્યાનું ખુબ દુખ થયું હતું અને તેણે અક્ષર પટેલની માફી માગી હતી.
મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઇતિહાસ રચ્યો હતો. તે ૧૧૦૦૦ રન પૂરા કરનાર બીજા ઝડપી ખેલાડી બન્યો છે. પહેલા નંબરે કોહલી છે જેણે ૨૨૨ ઇનિંગ્સમાં ૧૧૦૦૦ ODI રન પૂરા કર્યા હતા. ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પણ ૩ વિકેટ લઈને ઇતિહાસ રચ્યો છે. તે મર્યાદિત ઓવરની ICC ટુર્નામેન્ટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. આ બાબતમાં તેણે ઝહીર ખાનને પાછળ છોડી દીધો છે. શમીએ આ મેચમાં ૧૦ ઓવરમાં ૫૩ રન આપીને ૫ વિકેટ લીધી હતી.
બાંગ્લાદેશ જીત સાથે ભારત પોઈન્ટ ટેબલમાં ઉપર આવ્યું છે હવે જો ૨૩મી પાકિસ્તાન સામેની મેચ જીતી જાય તો ભારત સેમી ફાઈનલમાં આવી જશે.
બાંગ્લાદેશ સામેની જીતથી ઉત્સાહિત ટીમ ઈન્ડિયા હવે તેના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ૨૩મી ફેબ્રુઆરીએ દુબઈમાં ટકરાશે. પાકિસ્તાન જીત સાથે ટીમ ઈન્ડિયાની સેમી ફાઈનલની ટીકિટ પણ નક્કી થઈ જશે.
બાંગ્લાદેશ પ્લેઈંગ-૧૧ : તંજીદ હસન, સૌમ્ય સરકાર, નજમુલ હુસૈન શાંતો (કેપ્ટન), તૌહીદ હૃદયોય, મુશફિકુર રહીમ, ઝાકર અલી, મહેદી હસન મિરાઝ, રિશાદ હુસૈન, તસ્કિન અહેમદ, તંજીમ હસન સાકિબ, મુસ્તફિઝુર રહેમાન
ભારતીય પ્લેઈંગ-૧૧ : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટ કિપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ