સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્યથી વધુ તાપમાન નોંધાયું.
રાજ્યમાં શિયાળો ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે. વહેલી સવાર અને મોડી રાતને બાદ કરતાં વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. આ સાથે ગરમી પણ વધી છે. હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે. રાજ્યમાં બપોરે લોકોને ઉનાળા જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્યથી વધુ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદના લઘુત્તમ તાપમાનમાં વધારો
જમ્મુ-કાશ્મીરમાં નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગુજરાત પર તેની મોટી અસર જોવા મળી છે. અમદાવાદના લઘુત્તમ તાપમાનમાં એક દિવસમાં ૩.૫ ડિગ્રીનો વધારો થયો હતો. વહેલી સવારે લાગતી ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો હતો. પરંતું ત્રણ દિવસ બાદ ફરી ઠંડીમાં સામાન્ય વધારો થઈ શકે છે. જો કે, હાલના દિવસોમાં મિશ્ર ઋતુ રહેતી હોવાના કારણે રોગચાળાના પ્રમાણમાં વધારો થયો છે. સવારે અને રાત્રે ઠંડી તો દિવસના ભાગમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે
રાજ્યમાં શિયાળાની વિદાયની શરૂઆત થઈ છે અને સાથે સાથે લઘુત્તમ તાપમાનમાં ૩ થી ૫ ડિગ્રીનો વધારો થયો છે,કેશોદમાં સૌથી ઓછું ૧૫.૨ ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજયમાં ઉત્તર પૂર્વથી ઉત્તર તરફના પવન ફુંકાતા ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે,રાજયમાં પવનોની દિશા પણ બદલાઈ છે જેના કારણે ઠંડી ધીરે ધીરે વિદાય લઈ રહી છે. અમદાવાદમાં ૨૧.૧ ડિગ્રી, ગાંધીનગરમાં ૨૦.૨ ડિગ્રી,ડીસામાં ૧૮.૪ ડિગ્રી, વડોદરામાં ૧૯.૪ ડિગ્રી,નલિયામાં ૧૬.૨ ડિગ્રી, રાજકોટમાં ૧૯.૧ ડિગ્રી,વલ્લભ વિદ્યાનગરમાં ૨૧.૫ ડિગ્રી,સુરતમાં ૨૦.૯ ડિગ્રી, ભુજમાં ૨૦.૪ ડિગ્રી,કંડલામાં ૨૧.૨ ડિગ્રી, ભાવનગરમાં ૨૧.૩ ડિગ્રી,દ્વારકામાં ૨૨ ડિગ્રી, ઓખામાં ૨૩ ડિગ્રી,પોરબંદરમાં ૨૧.૪ ડિગ્રી, વેરાવળમાં ૨૨.૬ ડિગ્રી,અમરેલીમાં ૨૧.૫ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૨૧.૮ ડિગ્રી તાપમાન નોંધાયું છે.