ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાનસભામાં વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે મહાકુંભ વિરુદ્ધ બોલનારા વિરુદ્ધ કહ્યું કે, ‘મહાકુંભમાં જેણે જે શોધ્યું, તેને તે મળ્યું. ગીધોને લાશો, ડુક્કરને ગંદકી મળી… જ્યારે સંવેદનશીલ લોકોને સંબંધોની સુંદર તસવીર મળી, સજ્જનોને સજ્જતા મળી, વેપારીઓને રોજગાર મળ્યો, શ્રદ્ધાળુઓને સ્વચ્છ વ્યવસ્થા મળી, જેની જેવી નિયત હતી, દ્રષ્ટિ હતી, તેને તેવું મળ્યું.’
મુખ્યમંત્રી યોગીએ વિપક્ષો પર આક્રમક અંદાજમાં પ્રહાર કરતા કહ્યું કે, ‘તમે મહાકુંભ અંગે જે નિવેદનો કર્યા, એક વિશેષ જાતિના વ્યક્તિને મહાકુંભમાં જતો અટકાવ્યો, પરંતુ અમે કહ્યું હતું કે, જે લોકો સદભાવના સાથે આવે છે, તેઓ મહાકુંભમાં જઈ શકે છે, પરંતુ જો કોઈ દુર્ભાવનાથી આવશે, તો તે મુશ્કેલીમાં પડી જશે. અમે કોઈની પણ ધાર્મિક ભાવના સાથે રમત રમી નથી, સમાજવાદી પાર્ટીની જેમ, તેમના મુખ્યમંત્રી પાસે કુંભની દેખરેખ અને વ્યવસ્થા જોવાનો સમય ન હતો અને તેથી જ તેઓએ બિન સનાતનને કુંભમાં પ્રભારી બનાવ્યો.’
તેમણે વિધાનસભામાં એવું પણ કહ્યું કે, ‘આ લોકો (સમાજવાદી પાર્ટી) મહાકુંભ અંગે સતત ટિપ્પણી કરતા રહે છે, તેમની માનસિકતા જગજાહેર છે. ભલે કામ સારુ કર્યું હોય, તેમ છતાં તેમને દરેક બાબતોનો વિરોધ કરવો છે. આ વર્ષ ભારતના બંધારણનું અમૃત મહોત્સવનું વર્ષ છે. આખરે સમાજવાદી ક્યારથી ડૉ.આંબેડકરને સન્માન આપવા લાગ્યા? કનૌજ મેડિકલ કૉલેજનું નામ ડૉ. આંબેડકરના નામ પરથી રખાયું હતું, કોણે બદલી નાખ્યું? બધાને ખબર છે.’
તેમણે કહ્યું કે, ‘ભારતીય જનતા પાર્ટીએ ડૉ.આંબેડકર સંબંધીત પાંચ તીર્થનું નિર્માણ કરાવ્યું, અમારી સરકારે લખનઉમાં ડૉ.આંબેડકરના નામ એક સાંસ્કૃતિક કેન્દ્રનું પણ નિર્માણ અને પ્રયાગરાજના નિષાદ રાજ અને ભગવાન રામની ૪૬ ફૂટની ઊંચી પ્રતિમાનું નિર્માણ કરાવ્યું. છેલ્લા ૮ વર્ષમાં અમે ઉત્તર પ્રદેશની ઓળખ વધારવા માટે કામ કર્યું.’
યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટી પર નિશાન સાધતા કહ્યું કે, ‘વિપક્ષના નેતાને વાંધો હતો કે, ભાજપે લોક કલ્યાણ સંકલ્પ પત્ર અને રાજ્યપાલના અભિભાષણમાં મહાકુંભનું વૈશ્વિસ્તરે આયોજન કરવા માટેનો કેમ ઉલ્લેખ કર્યો? જો મહાકુંભમાં વિશ્વસ્તરની સુવિધા ન હોત તો, અત્યાર સુધીમાં 63 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ ન આવ્યા હોત. હું દેશના દરેક મહાપુરુષોનું સન્માન કરું છું, જેમણે ભારતમાં જન્મ લીધો છે.’