નીતિશ કુમાર: હવે આમ-તેમ કશું નહીં, તમારા જ નેતૃત્વમાં કામ થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે બિહારની મુલાકાતે ભાગલપુર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની બેઠકમાં મુખ્યમંત્રી નીતીશકુમાર પણ હાજર હતા. તેમના સંબોધનમાં નીતીશકુમારે ૨૦ વર્ષ પહેલાના લાલુ- રાબડીના શાસનકાળ અને તેના પછી પોતાના કાર્યકાળમાં થયેલા વિકાસના કામોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, ૨૦૦૫ પહેલાના બિહારમાં સાંજ પડતાંની સાથે ઘરમાંથી કોઈ બહાર નીકળી શકતું નહોતું. હવે મોડી રાત સુધી લોકો કોઈપણ જાતના ડર વગર ફરી શકે છે.
નીતીશકુમારે કહ્યું કે, જ્યારે અમે પહેલીવાર સરકારમાં આવ્યા હતા, ત્યારે યાદ છેને કેવી પરિસ્થિતિ હતી? સાંજ પછી ઘરમાંથી કોઈ બહાર નીકળી શકતું નહોતું. આજે જે અલગ અલગ વાતો કરે છે, તેઓ જ્યારે શાસનમાં હતા ત્યારે દરેક લોકો જાણતા હતા કે બિહારની સ્થિતિ શું હતી.
સીએમે કહ્યું કે, તમારે જાણવું જોઈએ કે, હવે દરેક લોકો વડાપ્રધાન મોદીના પક્ષમાં છે. આમ- તેમ ક્યાંય નહીં, સમગ્ર બિહારમાં તેમના નેતૃત્વમાં કામ આગળ વધશે. આપણે સૌએ સાથે મળીને તેમના નેતૃત્વને આગળ વધારવાનું છે. આવતી વખતે જે થવાનું છે, તેમાં પણ તમારા લોકો પાસે આવી જ આશા રાખીએ છીએ કે, મોટા પ્રમાણમાં તમારો સહયોગ મળી રહેશે. આ સાથે નીતીશકુમારે આગામી બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ- જેડીયૂએ અલગ લડવાની અફવાઓ પર પૂર્ણવિરામ મુકી દીધું છે.
પહેલા ક્યાંય જવાનો કોઈ રસ્તો નહોતો. જો કોઈ સાંજે બહાર નીકળે તો, શું થતું હતું તમને ખબર જ છે. પરંતુ, હવે છોકરાઓ અને છોકરીઓ, બધા પુરુષો અને સ્ત્રીઓ, કોઈપણ પ્રકારના ડર વગર રાત્રે ૧૦:૦૦ વાગ્યા, ૧૧:૦૦ વાગ્યા સુધી આરામથી ફરી શકે છે.
કેન્દ્રીય બજેટ વિશે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, બિહારમાં મખાના બોર્ડ, ગ્રીનફિલ્ડ એરપોર્ટની સ્થાપના, પશ્ચિમ કોસી નગર માટે નાણાકીય સહાય, પ્રોસેસિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી છે. આમ, કેન્દ્રીય બજેટમાં પણ બિહારને ઘણું બધું આપવામાં આવ્યું હતું.
અમારા માટે સૌભાગ્યની વાત છે કે બિહારથી દેશભરના ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિની રકમ મોકલવામાં આવી રહી છે. આમાં બિહારના ૭૬ હજારથી વધુ ખેડૂતોનો સમાવેશ થાય છે.
અમારો શરૂઆતથી એ ઉદ્દેશ રહ્યો છે કે, બની શકે તેટલું કૃષિ પર ધ્યાન કેન્દ્રિત કરવું. બિહારમાં કૃષિના વિકાસ માટે રોડમેપ બનાવીને કામ કરવામાં આવ્યું છે. આ નકશાને અમલમાં મૂકીને ખેતીનો વિકાસ થયો છે. આ ઉપરાંત દૂધ, ઈંડા અને માછલીના ઉત્પાદનમાં પણ વધારો થયો છે. પહેલા આપણે બીજા રાજ્યોમાંથી માછલી આયાત કરતા હતા અને હવે આપણે આત્મનિર્ભર બની ગયા છીએ. તેમણે બિહાર આવવા બદલ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો.
આ પ્રસંગે, વડાપ્રધાન મોદીએ દેશભરના ખેડૂતોને ખુશીની ભેટ આપી અને પીએમ કિસાન સન્માન યોજનાનો ૧૯મો હપ્તો બહાર પાડ્યો. આ અંતર્ગત, ૯.૭ કરોડથી વધુ ખેડૂતોને ૨૧,૫૦૦ કરોડ રૂપિયાથી વધુની નાણાકીય સહાય આપવામાં આવી હતી. આ ઉપરાંત, બીજી ઘણી યોજનાઓ પણ રજૂ કરવામાં આવી હતી.