આતિશી સહિત આમ આદમી પાર્ટીના ૨૨ ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ.
દિલ્હી વિધાનસભાની કાર્યવાહી આજે મંગળવારે હોબાળા સાથે શરૂ થઈ હતી. ઉપરાજ્યપાલના અભિભાષણ વચ્ચે વિપક્ષ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ ભારે હોબાળો કર્યો હતો. સ્પીકરે વિપક્ષ નેતા આતિશી સહિત હોબાળો કરનારા તમામ ધારાસભ્યોને બહાર જવા આદેશ આપ્યો હતો. તેમજ આજે દિવસ દરમિયાન તેમને સદનની કાર્યવાહીમાં ભાગ ન લેવાનું સૂચન આપ્યું છે.
આજે સદનમાં રજૂ થનારા CAG રિપોર્ટના કારણે વિપક્ષ આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો હતો. ભારે હોબાળાના કારણે સ્પીકરે વિપક્ષ નેતા આતિશી અને આમ આદમી પાર્ટીના ૨૨ ધારાસભ્યોને સદનની બહારનો રસ્તો બતાવ્યો હતો. સદનની કાર્યવાહી શરૂ થતાં જ હોબાળો શરૂ કર્યો હતો. સદનની બહાર પણ વિપક્ષે સરકાર પર આક્ષેપબાજી કરી હતી.
દિલ્હી વિધાનસભામાં આજે CAG રિપોર્ટ રજૂ થવાનો છે. આ રિપોર્ટમાં આમ આદમી પાર્ટી પર મુખ્યમંત્રી આવાસ અને મોહલ્લા ક્લિનિક્સના રિનોવેશનમાં કથિત ગેરરીતિઓનો ઉલ્લેખ છે. CAG રિપોર્ટના કારણે દિલ્હીની ભાજપ સરકાર આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર પ્રહારો કરવા તૈયાર છે.
લેફ્ટનન્ટ ગવર્નરે પોતાના અભિભાષણમાં કહ્યું હતું કે, સરકાર પાંચ ટોચના મુદ્દાઓ પર કામ કરશે. જેમાં યમુના સફાઈ, પ્રદુષણ, ભ્રષ્ટાચારમુક્ત શાસન, બિનસત્તાવાર કોલોનીનું નિયમિતકરણ સામેલ છે. ઉપરાજ્યપાલે અભિભાષણમાં ભાજપ ધારાસભ્ય મોદી-મોદીના સુત્રોચ્ચાર કરી રહ્યા હતાં. બીજી બાજુ સદનની બહાર કરવામાં આવેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ બાબા સાહેબ આંબેડકરની તસવીર સાથે દેખાવો કર્યા હતા. તેમણે કહ્યું કે, ભાજપ માટે બાબા સાહેબ કરતાં પણ મોદી મોટા છે. આતિશીએ નિવેદન આપ્યું કે, ભાજપની સીએમ ઓફિસ, અને મંત્રીઓના કાર્યાલયોમાંથી બાબા સાહેબની તસવીર હટાવી મોદીની તસવીર લગાવવામાં આવી છે.