સુપ્રીમ કોર્ટમાં એક અરજી થઇ છે જેમાં દોષિત ઠેરવાયેલા સાંસદોને અયોગ્ય જાહેર કરવાની માગ કરાઇ છે, આ માગણીનો કેન્દ્ર સરકાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં એવો જવાબ રજુ કર્યો હતો કે આ સમગ્ર મામલો સંસદ સાથે સંકળાયેલો છે તેમાં કોર્ટ દખલ ના દઇ શકે. આવા સાંસદો પર આજીવન ચૂંટણી લડવા પર પણ પ્રતિબંધ મુકવાની માગ કરાઇ હતી, જેનો પણ કેન્દ્ર સરકારે વિરોધ કર્યો હતો.
સુપ્રીમ કોર્ટમાં દાખલ સોગંદનામામાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે અરજીમાં એવી માગણી કરવામાં આવી છે સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારને આ માટે કાયદામાં સુધારા કરવાનો આદેશ આપે. આ ઉપરાંત એવી પણ માગ કરાઇ છે કે દોષિત ઠેરવાયેલા સાંસદો પર આજીવન ચૂંટણી લડવા પ્રતિબંધ મુકવામાં આવે. આ બન્ને માગણીઓ સંપૂર્ણપણે સંસદના અધિકારો હેઠળની છે. જેમાં સુધારા વધારા વગેરેનો નિર્ણય સંસદ કરી શકે અને કોર્ટ તેમાં દખલ ના આપી શકે કેમ કે આ મામલો કોર્ટના અધિકારોની બહારનો છે.
વકીલ અશ્વિનિ ઉપાધ્યાય દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં દેશભરના એવા સાંસદો અને ધારાસભ્યોના ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવાની માગણી કરવામાં આવી છે કે જેમને કોઇ પણ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હોય. જેના જવાબમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ રજુ કર્યું હતું જેમાં જણાવાયું છે કે જનપ્રતિનિધિ કાયદા૧૯૫૧ની કલમ આઠ મુજબ કોઇ વિશેષ અપરાધમાં દોષિત ઠેરવાયેલા વ્યક્તિને જેલની સજા પૂર્ણ થયા બાદના છ વર્ષ સુધી અયોગ્ય જાહેર કરવામાં આવે છે. આ સંપૂર્ણ મામલો સંસદની નીતિઓ હેઠળનો છે. જ્યારે કોર્ટ આ જોગવાઇ યોગ્ય છે કે નહીં ગેરબંધારણીય છે કે નહીં તેનો નિર્ણય લઇ શકે.