ગુજરાતમાં ધો. ૧૦ અને ધો. ૧૨ બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થશે. ધો. ૧૦ ના વિદ્યાર્થીઓનું પેપર સવારે ૧૦:૦૦ કલાકે અને ધો. ૧૨ નું પેપર બપોરે ૦૩:૦૦ કલાકે શરૂ થશે. ધોરણ ૧૦ ના બોર્ડનું પ્રથમ ભાષાનું પેપર છે. જેમાં ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને ગુજરાતી અને અંગ્રેજી મીડિયમના વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષાનું પેપર છે. જ્યારે ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું પ્રથમ પેપર અર્થશાસ્ત્ર અને ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું પ્રથમ પેપર ભૌતિક વિજ્ઞાન છે.
ધો. ૧૦ અને ધો.૧૨ ના મળી કુલ ૧૪,૨૮,૧૭૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધો. ૧૦ માં નોંધાયેલા કુલ ૮,૯૨,૮૮૨ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે ધો. ૧૨ સાયન્સમાં ૧,૧૧,૩૮૪ તેમજ ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં ૪,૧૩,૯૦૯ વિદ્યાર્થીઓ નોંધાયા છે. ૨૦૨૩ માં ૧૫,૪૬,૪૯૮ વિદ્યાર્થી નોંધાયા હતા. ૨૦૨૪ માં ૧૫,૧૮,૦૬૬ વિદ્યાર્થી નોંધાયા હતા. જ્યારે ૨૦૨૫ માં ૧૪,૨૮,૧૭૫ વિદ્યાર્થી નોંધાયા છે. આમ ગત વર્ષની તુલનાએ ૮૯ હજાર ઓછા વિદ્યાર્થીઓ નોંધાયા છે.
ધો. ૧૦-૧૨ ના વિદ્યાર્થીઓએ પરીક્ષા સ્થળ પર શક્ય હોય ત્યાં સુધી બુટ-મોજા પહેરવા નહીં. જો કોઈ વિદ્યાર્થી પહેરીને આવશે તો વર્ગખંડની બહાર કઢાવવામાં આવશે અને પછી જ પ્રવેશ અપાશે. ધો.૧૦ ના વિદ્યાર્થીને કેલક્યુલેટર લઈ જવાની મનાઈ છે. જ્યારે ધો.૧૨ ના વિદ્યાર્થીઓ માત્ર સાદુ કેલક્યુલેટર લઈ જઈ શકશે. પરીક્ષાના પ્રથમ દિવસે પેપર શરૂ થવાના અડધો કલાક પહેલા સ્થળ પર પહોંચી જાવ. હોલ ટિકિટમાં દર્શાવેલા નિયમોને ધ્યાનમાં રાખીને પરીક્ષાના સ્થળે પહોંચવું.
