હવામાનમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. દિલ્હી-ઉત્તરપ્રદેશથી લઈને ભારતના અનેક રાજ્યોમાં સ્થિતિ બદલાઈ રહી છે. જ્યાં દિલ્હીમાં હવામાને ગુલાંટ મારતા વરસાદ શરૂ થયો છે ત્યારે અચાનક જ ઠંડીનું જોર પણ વધી ગયું છે. આ સાથે ઉત્તરપ્રદેશના અલીગઢ અને આગરા સહિત અનેક જિલ્લામાં વરસાદની સાથે કરાંવૃષ્ટિની સ્થિતિ જોવા મળી. જેના કારણે ફરી ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો.
જ્યારે ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારમાં સતત હિમવર્ષને કારણે કર્ફ્યૂ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. હિમવર્ષાને કારણે અનેક માર્ગો ઠપ થઇ ગયા છે. અનેક કિ.મી. સુધી બરફની ચાદર પથરાયેલી જોવા મળી રહી છે જેના લીધે જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. શનિવારે પણ હવામાન વિભાગે સમગ્ર દિવસ માટે હિમવર્ષાની ચેતવણી જાહેર કરી છે.

જોકે પેસિફિક મહાસાગરમાં લા નીના એક્ટિવ થતા અસર દેખાવા લાગી છે. આ વખતે હવામાન ખૂબ જ ગરબડવાળું છે અને આગળ પણ આવી જ સ્થિતિ જોવા મળી શકે છે. સામાન્ય ઠંડી બાદ હવે અસામાન્ય ગરમી માટે તૈયાર રહેવું પડશે. માર્ચથી મે સુધી દેશના મોટાભાગના વિસ્તારોમાં પ્રચંડ ગરમીની ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ શુક્રવારે આગામી ત્રણ મહિના માટે અનુમાન જારી કરતા કહ્યું કે ગરમીની ઋતુમાં આ વખતે સામાન્યથી વધુ તાપમાન જોવા મળી શકે છે. ઉત્તર ભારતના મેદાની પ્રદેશોમાં દિવસના સમયે હીટવેવ જોવા મળશે. સાથે લૂ ફૂંકાવાના દિવસોમાં વધારો થઇ શકે છે. જ્યારે માર્ચના બીજા સપ્તાહથી તાપમાનમાં વધારો થવાને કારણે રવિ તથા ગરમીના પાકને નુકસાન થવાની ભીતિ છે.