અમેરિકા પહોંચેલા ઝેલેન્સકીને ટ્રમ્પ મળ્યા અને લાંબા સમય સુધી બંને નેતાઓ એકબીજાના વખાણ કરતા રહ્યા પરંતુ થોડીવારમાં જ બંને વચ્ચેની વાતચીત ગરમાગરમ ચર્ચામાં ફેરવાઈ ગઈ અને પછી….
અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પે શપથગ્રહણ કર્યા છે દરરોજ નવી અપડેટ સામે આવી રહી છે. આ તરફ હવે રશિયા સાથે યુદ્ધ સમાપ્ત કરવાની ચર્ચા વચ્ચે યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી મુશ્કેલી ઉભી કરી છે. શુક્રવારે અમેરિકા પહોંચેલા ઝેલેન્સકીને ટ્રમ્પ મળ્યા અને લાંબા સમય સુધી બંને નેતાઓ એકબીજાના વખાણ કરતા રહ્યા પરંતુ થોડીવારમાં જ બંને વચ્ચેની વાતચીત ગરમાગરમ ચર્ચામાં ફેરવાઈ ગઈ, જ્યાં વિશ્વભરના મીડિયા વ્હાઇટ હાઉસમાં હાજર હતા.
ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઝેલેન્સકીની લડાઈથી બધા આશ્ચર્યચકિત છે. આ લડાઈ એટલી હદે વધી ગઈ કે, ટ્રમ્પે યુક્રેનિયન રાષ્ટ્રપતિને પણ ત્યાંથી ચાલ્યા જવાનું કહ્યું, જેના કારણે ઝેલેન્સકી અમેરિકા-યુક્રેનના મહત્વપૂર્ણ ખનિજ કરાર પર હસ્તાક્ષર કર્યા વિના વ્હાઇટ હાઉસ છોડીને ચાલ્યા ગયા હતા. ઝેલેન્સકીએ સ્પષ્ટ કર્યું છે કે, તેઓ માફી માંગવાના નથી. ઝેલેન્સકીએ સ્પષ્ટપણે કહ્યું છે કે, આ પરિસ્થિતિ બંને દેશો માટે સારી નહોતી.
વાસ્તવમાં ગયા મહિને ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી ઝેલેન્સકી પહેલી વાર અમેરિકામાં તેમને મળ્યા હતા. બંને વચ્ચેની મુલાકાત હાથ મિલાવવા અને સ્મિત સાથે શરૂ થઈ. ૪૫ મિનિટ ચાલેલી આ બેઠકના પહેલા ૩૫ મિનિટ બંનેએ ખુશીથી વાતો કરી પરંતુ જ્યારે US વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે રશિયા-યુક્રેન યુદ્ધના ઉકેલ માટે રાજદ્વારી નીતિની જરૂરિયાત પર ભાર મૂક્યો ત્યારે તણાવ ટૂંક સમયમાં જ વણસી ગયો.
આના પર ઝેલેન્સકીએ કહ્યું કે, શું તે વાન્સને એક પ્રશ્ન પૂછી શકે છે? વેન્સે જવાબ આપ્યો હા, ચોક્કસ. આ તરફ ઝેલેન્સકીએ કહ્યું કે, ઠીક છે. તો… વ્લાદિમીર પુતિને યુક્રેન અને ક્રિમીઆના મોટા ભાગ પર કબજો કરી લીધો. તેમણે ૨૦૧૪ માં તેના પર કબજો કર્યો. આ વર્ષોથી ચાલી રહ્યું છે, પછી ભલે તે ઓબામા હોય, પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પ હોય, પછી રાષ્ટ્રપતિ બિડેન હોય… હવે રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેમને રોકશે. પરંતુ ૨૦૧૪ દરમિયાન કોઈએ તેમને કેમ રોક્યા નહીં? આ સાથે ઝેલેન્સકીએ વધુમાં કહ્યું કે, મેં રશિયા સાથે પણ યુદ્ધવિરામ પર હસ્તાક્ષર કર્યા છે. પરંતુ પછી પુતિને યુદ્ધવિરામનો ભંગ કર્યો, તેણે આપણા લોકોને મારી નાખ્યા અને કેદીઓની આપ-લે કરી નહીં. જેડી તમે કેવા પ્રકારની રાજદ્વારી વાત કરો છો? તમારો મતલબ શું છે?
આ તરફ US વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે કહ્યું, હું એવી રાજદ્વારી પદ્ધતિ વિશે વાત કરી રહ્યો છું જે તમારા દેશના વિનાશનો અંત લાવશે. આ પછી ઝેલેન્સકીએ બોલવાનું શરૂ કર્યું કે, તરત જ વાન્સે તેમને અટકાવ્યા અને કહ્યું, શ્રીમાન રાષ્ટ્રપતિ, મને લાગે છે કે તમારા માટે ઓવલ ઓફિસમાં આવીને અહીં વાત કરવી અપમાનજનક છે. અમેરિકા તમને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, તમારે રાષ્ટ્રપતિનો આભાર માનવો જોઈએ.
આ તરફ ટ્રમ્પ બંને નેતાઓ વચ્ચેની ચર્ચામાં કૂદી પડ્યા. ઝેલેન્સકી પર આંગળી ચીંધતા ટ્રમ્પે કહ્યું, તમે યોગ્ય સ્થિતિમાં નથી, તમારે રશિયા સાથે સમાધાન કરવું પડશે. તમારે અમારા આભારી રહેવું જોઈએ. અમને ડિક્ટેટ કરવાનો પ્રયાસ ના કરો.
આ તરફ ઝેલેન્સકીએ વધુમાં કહ્યું કે, તમારી પાસે હવે સારા ઉકેલો છે, દેશમાં જોવા માટે સારા સમુદ્રો છે, પરિસ્થિતિ યુક્રેન જેવી નથી. તમને અત્યારે એનો અનુભવ નથી થતો, પણ ભવિષ્યમાં તમને એનો અનુભવ થશે. આ પછી ટ્રમ્પ ગુસ્સે થયા અને કહ્યું કે, અમે એક સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે શું અનુભવીશું તે અમને કહેવાનો પ્રયાસ ના કરો. ટ્રમ્પે વધુમાં કહ્યું કે, તમે લાખો લોકોના જીવન સાથે જુગાર રમી રહ્યા છો, તમે ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો.