IPL 2021 ની રમત હજુ શરુ થાય એ પહેલા જ ટુર્નામેન્ટમાં કોરોનાનો ફફડાટ વર્તાવા લાગ્યો છે. એક બાદ એક કોરોના સંક્રમિતો સામે આવવા લાગ્યા છે. હવે મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) ટીમમાં પણ કોરોનાનો પગપેસારો થયો છે. ટીમના વિકેટકિપીંગ કન્સલટન્ટ કિરણ મોરે (Kiran More) કોરોના સંક્રમિત જણાઇ આવ્યા છે. આ પહેલા મુંબઇમાં વાનખેડેમાં અગાઉ દશ અને બાદમાં વધુ ત્રણ ગ્રાઉન્ડમેન અન્ય સ્ટાફને કોરોના સંક્રમણ લાગ્યુ પડ્યુ હતુ. આમ હવે ટુર્નામેન્ટમાં એક બાદ એક સભ્યો કોરોનાની ઝપેટમાં સપડાઇ રહ્યા છે.
મુંબઇ ઇન્ડીયન્સની ટીમ દ્રારા ટ્વીટર કરીને જાણકારી આપવામા આવી હતી કે, વિકેટકિપીંગ કંસલ્ટન્ટ કિરણ મોરે કોરોના પોઝિટીવ છે. મુંબઇ ઇન્ડીયન્સે બતાવ્યુ હતુ કે, મોરે માં એસિમ્પટોમેટિક લક્ષણ જોવા મળ્યા હતા. કોરોના અંગેનો રિપોર્ટ આવતા જ તેમને આઇસોલેટ કરી દેવામાં આવ્યા હતા.
તબીબી દેખરેખ હેઠળ રખાયા છે મોરે
મુંબઇ ઇન્ડીયન્સે ટ્વીટર દ્રારા જાણકારી આપી હતી કે, કિરણ મોરેને કોરોના થી જોડાયેલા BCCI ની ગાઇડલાઇન્સ ને ફોલો કરી રહ્યા હતા અને સાથે જ તમામ સાવધાનીઓ પણ વર્તી રહ્યા હતા. મુંબઇ ફેન્ચાઇઝીની મેડિકલ ટીમ તેમના સ્વાસ્થયને લઇને સતત નજર રાખી રહી છે.
મુંબઇ ઇન્ડીયન્સની અપીલ
IPL ના ઇતિહાસની સૌથી સફળ ફેન્ચાઇઝીએ પોતાના ફેંસને પણ કોરોના મહામારીને લઇને મુશ્કેલ સ્થિતીને લઇને સાવચેતી દાખવવા માટે અપીલ કરી હતી. તેમણે ટ્વીટ કરીને ફેંસને કોરોના થી બચવા માટે તમામ ઉપાયોનુ પાલન કરવા માટે અપીલ કરી હતી.
IPL 2021ની ઉદઘાટન મેચ રમનાર છે મુંબઇ ની ટીમ
ડિફેન્ડીંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડીયને ઉદઘાટન મેચ રમવાની છે. આગામી 9 મી એપ્રિલ એ IPL 2021 ની શરુઆત થનારી છે. જેમાં પ્રથમ મેચમાં જ મુંબઇની ટક્કર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થનાર છે. બંને ટીમો વચ્ચે ચેન્નાઇમાં મેચ રમાનારી છે. જોકે આ પહેલા મુંબઇ ઇન્ડીયન્સની ટીમમાં કોરોનાની એન્ટ્રી ને લઇ ખળભળાટ મચ્યો છે. આશા કરવામાં આવી રહી છે કે હવે કોરોનાના વધારે કેસ સામે ના આવે અને ખેલાડીઓ સુરક્ષીત રહે.