રાહુલ ગાંધી ૭ અને ૮ માર્ચ ૨ દિવસ ગુજરાતના પ્રવાસે રહેશે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન અને ૨૦૨૭ ની ચૂંટણીને લઈ બેઠકમાં મંથન કરશે.
ગુજરાતમાં રાજકીયપક્ષોના મોટા નેતાઓનો જમાવડો થઇ રહ્યો છે. આવતી કાલે પીએમ મોદી સુરતના પ્રવાસે છે તેની વચ્ચે કોંગ્રેસ નેતા અને લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આવતીકાલથી ગુજરાતની મુલાકાતે આવવાના છે. આગામી ૮ અને ૯ મી એપ્રિલે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવવાનું છે.
કોંગ્રેસના અધિવેશન પહેલા રાહુલ ગાંધી સમીક્ષા બેઠક માટે ગુજરાત આવી રહ્યાં છે. ૭ અને ૮ માર્ચ સુધી ૨ દિવસ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે રહેશે. તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને લઈને આયોજનની સમીક્ષા કરશે. રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં અમદાવાદ રાજીવ ગાંધી ભવન પર બેઠક મળશે, આ બેઠકમાં તમામ ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, પ્રમુખ અને પૂર્વ પ્રમુખ હાજર રહેશે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન અને ૨૦૨૭ ની ચૂંટણીને લઈને બેઠકમાં મંથન કરાશે. બેઠક પછી રાહુલ ગાંધી કાર્યકર્તાઓ સાથે સંવાદ પણ કરશે. રાહુલ ગાંધીનું ૭ તારીખે ૦૯:૩૦ કલાકે અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. ૧૦:૦૦ કલાકે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ નેતાઓ સાથે બેઠક યોજશે. ત્યારબાદ ૧૦:૩૦ કલાકે પોલિટિકલ અફેરની કમિટી સાથે બેઠક અને ૦૨ :૦૦ કલાકે જિલ્લા અને શહેરોના પ્રમુખો સાથે સંવાદ સાધશે. ૦૫:૦૦ થી ૦૭ : ૦૦ કલાકે રાહુલ ગાંધી સંગઠનના લોકો અને કાર્યકરોને મળશે તેમજ 8 તારીખે સવારે કોંગ્રેસના કાર્યકરો સાથે સંવાદ અને બપોર બાદ રાહુલ ગાંધી દિલ્લી જશે.